મેક્સિકોની સંસદમાં એલિયન્સના 1000 વર્ષ જૂના અવશેષો રજૂ કરાયા

એલિયન્સ અને પૃથ્વી પરના માણસો વચ્ચે થયેલા સંપર્કોની વાતો અવારનવાર સોશિયલ મિડિયા અને સમાચારોમાં આવતી રહે છે. પરંતુ મંગળવારના રોજ મેક્સિકોની સંસદમાં જે ઘટના આકાર પામી તેની ચર્ચાએ સમગ્ર વિશ્વને હચમચાવી દીધું છે.
મેક્સિકન સંસદમાં એલિયન્સની હાજરી અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ દરમિયાન બે મૃતદેહો પણ બતાવવામાં આવ્યા હતા ત્યારે એવો દાવો કરાયો કે આ મૃતદેહો એલિયન્સના છે.
મેક્સિકન પત્રકાર અને યુફોલોજિસ્ટ જેઈમ મોસને જણાવ્યું કે આ મૃતદેહો પેરુની એક ખાણમાંથી મળી આવ્યા છે, જે લગભગ 1 હજાર વર્ષ જૂના છે.
આ મમીફાઈડ એલિયન્સના મૃતદેહ લાકડાના બોક્સમાં રખાયા હતા. તેનો વિડિયો પણ બહાર પાડવામાં આવ્યો છે. સુનાવણી દરમિયાન યુએસ નેવીના ભૂતપૂર્વ પાયલટ રેયાન ગ્રેવ્સ પણ હાજર હતા. ગ્રેવ્સે પોતે યુએસ સંસદમાં દાવો કર્યો હતો કે તેની સેવા દરમિયાન એલિયન સ્પેસક્રાફટ જોયું હતું.
મેક્સિકન સંસદના આ મુદ્દા પર ચર્ચા દરમિયાન હાર્વર્ડ એસ્ટ્રોનોમી વિભાગના પ્રોફેસરે સરકાર પાસે એલિયન્સ પરના અભ્યાસ માટે મંજૂરીની માગ કરી છે.
પત્રકાર મોસને એમ પણ જણાવ્યું કે, તાજેતરમાં મેક્સિકોની ઓટોનોમસ યુનિવર્સિટીમાં UFO સેમ્પલ પર એક અભ્યાસ હાથ ધરાયો હતો, અહીં વૈજ્ઞાનિકોએ રેડિયોકાર્બન ડેટિંગથી DNAનું વિશ્લેષણ પણ કર્યું છે.
તમને જણાવીએ અગાઉ પણ જુલાઈમાં અમેરિકી સંસદમાં પણ એલિયન્સ વિશે ચર્ચા થઈ હતી. યુએસ નેવીના પૂર્વ ગુપ્તચર અધિકારી રિટાયર્ડ ડેવિડ ગ્રશે દાવો કર્યો હતો કે અમેરિકા ઘણા વર્ષોથી UFO (એલિયન વિમાન) અને એલિયન્સ સંબંધિત માહિતી છુપાવી રહ્યું છે. અમેરિકા આ UFOના રિવર્સ એન્જિનિયરિંગ પર કામ કરી રહ્યું છે.