નૂહ હિંસામાં પોલીસની મોટી કાર્યવાહી, હરિયાણામાં કોંગ્રેસ ધારાસભ્ય મમ્મન ખાનની ધરપકડ

હરિયાણાના નૂહમાં થયેલી હિંસા મામલે ફિરોઝપુર ઝિરકાના કોંગ્રેસના ધારાસભ્ય મમ્મન ખાનની ધરપકડ કરાઈ છે. 31 જુલાઈના રોજ નૂહમાં કોમી હિંસા મામલે નોંધાયેલી FIRમાં એકમાં મમ્મન ખાનનું નામ આરોપી તરીકે છે. ગત અઠવાડિયે નૂહ પોલીસે મમ્મન ખાનની પૂછપરછ કરી હતી. હવે આવતીકાલે તેમના કોર્ટમાં રજૂ કરાશે.

પોલીસે હરિયાણાના નૂહમાં સાંપ્રદાયિક હિંસા દરમિયાન એક વ્યક્તિ પર ગોળી મારવાના આરોપીની પણ ધરપકડ કરી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, પોલીસે સોહના સિટી પોલીસ સ્ટેશનમાં 31 જુલાઈના રોજ નોંધાયેલી FIRના આધારે મોહમ્મદ કૈફની ધરપકડ કરી હતી.

પોલીસની ફરિયાદમાં સોહનાના રહેવાસીએ કહ્યું હતું કે, 31 જુલાઈની સાંજે જિમમાંથી પરત ફરતી વખતે તેને પગમાં ઈજા થઈ હતી. તેણે કહ્યું, સારવાર દરમિયાન જાણવા મળ્યું કે મને પગમાં ગોળી વાગી હતી. કોમી રમખાણો દરમિયાન મારી હત્યા કરવાના ઈરાદે કેટલાક અજાણ્યા લોકોએ મને ગોળી મારી હતી.

31 જુલાઈના રોજ નૂહમાં વિશ્વ હિન્દુ પરિષદની શોભાયાત્રા પર ટોળાએ હુમલો કર્યો હતો. હિંસામાં છ લોકો માર્યા ગયા હતા, ગુરુગ્રામ મસ્જિદ પર થયેલી હુમલામાં એક ઈમામનું મોત થયું હતું.

એ નોંધનીય છે કે નૂહ હિંસા મામલે તથા નાસીર તથા જૂનૈદની હત્યા કરવા મામલે ગૌરક્ષક મોનુ માનેસરની પણ ધરપકડ કરી લેવામાં આવી હતી તેના પર નૂહમાં હિંસા ભડકાવવાનો આરોપ છે.