ગુજરાતમાં હિટ એન્ડ રનની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન અલગ અલગ શહેરોમાં હિટ એન્ડ રનની ઘટનામાં 3400 લોકોના મૃત્યુ થયા છે. જ્યારે 2720 લોકોને ઈજા પહોંચી છે, જેમાં માત્ર અમદાવાદમાં જ હિટ એન્ડ રનની ઘટનામાં 329 નાગરિકોના મૃત્યુ નીપજ્યા છે.
ગુજરાત વિધાનસભા ગૃહમાં હિટ એન્ડ રનની ઘટનાના ડેટા મૂકાયા હતા જે મુજબ 2020-21માં 1499, 2021-22માં 1591 અને 2023-23માં 1770 હિટ એન્ડ રનની ઘટના બની હતી.
હિટ એન્ડ રનની આટલી બધી ઘટનાઓ છતાં વિધાનસભા ગૃહમાં સરકારે દાવો કર્યો હતો કે આ ઘટનાઓ અટકાવવા માટે સરકારે અનેક પગલાંઓ લીધા છે, જેમાં લોકોમાં જાગૃતિ લાવવા માટે ટ્રાફિક અવેરનેસના કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. વાહનોની સ્પીડ મર્યાદા બાંધવા માટેનું નોટિફિકેશન પણ જારી કરી દેવાયું છે. એટલું જ નહીં હાઈકોર્ટના આદેશ મુજબ પોલીસ, RTO અને કોર્પોરેશનના અધિકારીઓની જોઈન્ટ એન્ફોર્સમેન્ટની સ્થાપના કરાઈ છે જે શહેરી વિસ્તારોમાં પેટ્રોલિંગ કરીને હિટ એન્ડ રનની ઘટનાઓ અટકાવવાનું કામ કરી રહી છે.
ઉલ્લેખનીય છે કે ગત થોડા મહિના અગાઉ અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર હિટ એન્ડ રનની ઘટના બની હતી જે બાદ સમગ્ર ગુજરાતમાં પોલીસ દ્વારા મોટી કાર્યવાહી પણ કરાઈ છે અને બેફામ કાર ડ્રાઈવ કરતા નબીરાઓને સખત સજા પણ કરાઈ છે.