ભારતના પડોશી દેશ પાકિસ્તાનમાં સ્થિત દિવસને દિવસે કથળતી જાય છે. જીવન જરુરી ચીજવસ્તુઓમાં તોતિંગ ભાવ વધારો થઈ રહ્યો છે. આ ભાવ વધારો એટલો વધારે છે કે પાકિસ્તાનને પોતાનું ઘર ચલાવવા ચીન જેવા લોભિયા દેશ સામે હાથ ફેલાવા પડ્યા છે.
પાકિસ્તાનમાંથી હવે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે સ્થાનિક સરકાર પેટ્રોલ – ડીઝલમાં એકસામટો 26 રુપિયા અને 17 રુપિયાનો તોતિંગ ભાવવધારો ઝિંક્યો છે. પાકિસ્તાનના નાણા વિભાગ દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં જણાવાયું છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં તેલની વધતી કિંમતોને ધ્યાનમાં રાખીને પાકિસ્તાન સરકારે પેટ્રોલિયમ ઉત્પાદનોની વર્તમાન કિંમતોમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે.
સરકાર દ્વારા જારી કરાયેલી પેટ્રોલ – ડિઝલની નવી કિંમતો મુજબ 26 રુપિયા 2 પૈસાના વધારા બાદ પેટ્રોલ નવી કિંમતે 331 રુપિયા 38 પૈસા પ્રતિ લીટર થયું છે. હાઈ સ્પીડ ડિઝલની કિંમતમાં 17 રુપિયા 34 પૈસા પ્રતિ લીટરનો વધારો કરવામાં આવ્યો છે અને નવી કિંમત 329.18 રુપિયા નક્કી કરવામાં આવી છે.
અગાઉ પાકિસ્તાનની રુપિયાના ઘટાડાને કારણે અને વૈશ્વિક તેલના ભાવમાં વધારાને કારણે આ સપ્તાહના અંતમાં પેટ્રોલિયમ ઉત્પાદનોના ભાવમાં વધારો થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે 31 ઓગસ્ટના રોજ સરકારે સતત બીજી વખત પેટ્રોલિયમ ઉત્પાદનોના ભાવમાં વધારો કરવાની જાહેરાત કરી હતી, જે બાદ દેશના ઈતિહાસમાં પહેલીવાર પેટ્રોલ અને ડિઝલની કિંમત 300 રુપિયાને પાર થઈ ગઈ છે.