બ્રાઝિલના અમેઝોનમાં મોટી વિમાન દુર્ઘટના, 14નાં મોત

બ્રાઝિલના અમેઝોનમાં મોટી વિમાન દુર્ઘટનાના સમાચાર સામે આવી રહ્યા છે. આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 14 લોકોના મોત થયાનો પ્રાથમિક અહેવાલ સામે આવી રહ્યો છે.

ઘટના અમેઝોનના બાર્સેલોસ પ્રાંતમાં બની હતી. અમેઝોનના ગવર્નર વિલ્સન લીમાએ આ મામલે માહિતી આપતા જણાવ્યું કે અમને ભારે દુઃખ છે કે શનિવારે બાર્સેલોસમાં આ વિમાન દુર્ઘટનામાં બે ક્રૂ મેમ્બર્સ સહિત કુલ 14 લોકોના મોત નીપજ્યા હતા. મારી સંવેદનાઓ પીડિત પરિવારની સાથે છે.

આ વિમાન મેનુઆસ એરોટેક્સી એરલાઈન્સનું હતું. કંપનીએ આ મામલે નિવેદન જાહેર કરીને આ દુર્ઘટનાની પુષ્ટિ કરતા કહ્યું કે અમે આ મામલે તપાસ કરી રહ્યા છીએ. હજુ આ મામલે વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.

કંપનીએ નિવેદનમાં જણાવાયું કે અમે આ મુશ્કેલ ઘડીમાં પીડિત લોકોની પ્રાઈવસીનું સન્માન કરીએ છીએ. અમે તપાસ સાથે જરુરી માહિતી ઉપલબ્ધ કરાવીશું.