મોદી સરકારના 9 વર્ષના શાસનમાં સૌપ્રથમ વખત સંસદનું આજથી વિશેષ સત્ર

ભારતમાં G-20 શિખર મંત્રણાના અભૂતપૂર્વ આયોજન પછી હવે આજથી સંસદનું વિશેષ સત્ર શરુ થશે. આ સત્રમાં ચૂંટણી કમિશનરોની નિમણૂક સહિત ચાર બિલ વિચારણા માટે રજૂ કરાશે.

સત્રમાં સંસદના 75 વર્ષના પ્રવાસ અંગે ચર્ચા થશે. સરકારે વિશેષ એજન્ડા જાહેર કરવાની સાથે જણાવ્યું કે, આ યાદી કામચલાઉ છે અને તેમાં વધુ બાબતોનો ઉમેરો થઈ શકે છે. પરિણામે વિશેષ સત્રમાં સરકાર કોઈ મોટો ધડાકો કરે તેવી અટકળો થઈ રહી છે.

મોદી સરકારે તેના નવ વર્ષના શાસનમાં સૌપ્રથમ વખત પાંચ દિવસનું વિશેષ સત્ર બોલાવ્યું છે ત્યારે વિપક્ષ સહિત રાજકીય નિરીક્ષકોનું માનવું છે કે સરકાર આ સત્રમાં કોઈ મોટો ધડાકો કરી શકે છે.

કોંગ્રેસના નેતા જયરામ રમેશે કહ્યું કે, સંસદના વિશેષ સત્રના સંદર્ભમાં વિપક્ષનું માનવું છે કે લેજિસ્લેટિવ ગ્રેનેડ્સ ફેંકી શકે છે.
સરકાર વિશેષ સત્ર અંગેનો એજન્ડા જાહેર કરતા જણાવ્યું કે, સોમવારથી શુક્રવાર સુધી પાંચ દિવસના વિશેષ સત્રમાં પહેલા દિવસે સંસદના 75 વર્ષના પ્રવાસ, ગૃહની સિદ્ધિઓ, અનુભવો, યાદી વગેરે પર ચર્ચા કરાશે.

આ સિવાય ચાર બિલ રજૂ કરાશે, જેના પર પિરિયોડિક્સ બિલ 2023, ધ પોસ્ટ ઓફિસ બિલ અને મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનર (નિમણૂક, સેવાની શરતો અને કાર્યકાળ) બિલનો સમાવેશ થાય છે.