ભારે વરસાદને કારણે નર્મદા ડેમની સપાટી 138.68 મીટરે પહોંચી

ભારે વરસાદને પગલે ચોમાસાની સિઝનમાં પ્રથમવાર નર્મદા સરદાર સરોવર ડેમની સપાટી 138.68 મીટરે પહોંચી હતી. સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ દ્વારા અપાયેલી વિગતો મુજબ 7.9 મીટરની ઊંચાઈએ 23 દરવાજા ખોલવામાં આવ્યા હતા અને 18.41 લાખથી વધુ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે.

મધ્ય ગુજરાતમાં વડોદરા સહિતના જિલ્લામાં અને ભરુચ જિલ્લામાં ગઈકાલથી પડી રહેલા ભારે વરસાદને પગલે સ્થિતિ વિકટ બની હતી. વડોદરામાં 250થી વધુ અને ભરુચમાં 400થી વધુ લોકોને એનડીઆરએફની ટીમની મદદથી અન્ય સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.

નર્મદા નદીમાં પાણીના પ્રવાહમાં સતત વધારો થતા નદીકાંઠાના વિસ્તારો અને ગ્રામ્ય વિસ્તારોના લોકોને સ્થળાંતરીય કરવા પડ્યા હતા અને સરદાર સરોવર નિગમ લિમિટેડ તરફથી અપાયેલી માહિતી મુજબ નદીમાં આવી રહેલા અને વહી રહેલા પાણી પ્રવાહને સતત મોનિટક કરવામાં આવી રહ્યું છે.

ઓમકારેશ્વર ડેમથી 15 લાખ ક્યુસેક પામી છોડાયું હતું. ગુજરાતના ઘણા જિલ્લા-તાલુકાઓમાં ભારે વરસાદ છે ત્યારે અનેક ડેમમાં સંગ્રહ વધ્યો છે.

જ્યારે સરદાર સરોવર ડેમની સપાટી આ સિઝનમાં પ્રથમ વખત 138.68 મીટર પહોંચી હતી. ગઈકાલે સાંજે 6 વાગ્યા સુધીની માહિતી અનુસાર ઉકાઈ ડેમમાં 93.88, દમણગંગામાં 90.76, વાકમાં 56.61, મેશ્વોમાં 47.73 તથા પાનમમાં 91.64 ટકા પાણીનો સંગ્રહ નોંધાયો છે. વણાકબોરી અને ખોડીયાર ડેમમાં 100 ટકા પાણીનો સંગ્રહ જોવા મળી રહ્યો છે. ઉપરાંત ભાદર નદીમાં 91.43, મચ્છુ નદીમાં 71.19 અને ધરોઈમાં 92.02 ટકા પાણી સંગ્રહ છે.