ગણેશ ચતુર્થીએ સંસદની નવી ઈમારતનો શુભારંભ થશે

સંસદનું વિશેષ સત્ર આજથી શરુ થવા જઈ રહ્યું છે ત્યારે મંગળવારે એટલે કે ગણેશ ચતુર્થીના દિવસથી સંસદની નવી ઈમારતોનો શુભારંભ કરાશે.

સંસદની નવી ઈમારત કામકાજ માટે તૈયાર છે. નવા સંસદ ભવનમાં સંયુક્ત બેઠકના આયોજન માટે સેન્ટ્રલ હોલ નથી પરંતુ લોકસભામાં સંયુક્ત બેઠક યોજી શકાશે, કારણ કે તેમાં 1272 સભ્યોની બેઠક વ્યવસ્થા છે.

લોકસભા સચિવાલયના જણાવ્યા અનુસાર મંગળવારે સવારે 9.30 વાગે લોકસભા અને રાજ્યસભાના બધા જ સાંસદો સંસદ ભવનમાં એકત્ર થશે અને ત્યારબાદ સંસદના સમૃદ્ધ વારસાની યાદમાં આયોજિત એક સમારંભમાં ભાગ લેશે.

ઉલ્લેખનીય છે કે, આજ રોજ મળનાર વિશેષ સત્રમાં સંસદના 75 વર્ષના પ્રવાસ અંગે ચર્ચા કરાશે, ઉપરાંત સરકાર ચાર બિલ પર વિચારણા કરશે. સરકાર વિશેષ સત્ર અંગેનો એજન્ડા જાહેર કરતા જણાવ્યું કે, સોમવારથી શુક્રવાર સુધી પાંચ દિવસના વિશેષ સત્રમાં પહેલા દિવસે સંસદના 75 વર્ષના પ્રવાસ, ગૃહની સિદ્ધિઓ, અનુભવો, યાદી વગેરે પર ચર્ચા કરાશે.