ગાંધીનગર: રાંદેસણમાં ગણેશ ચતુર્થીની ઉજવણીમાં કરાઈ નવી પહેલ

ગણેશ ચતુર્થી કે ગણેશ ચોથનો તહેવાર વિક્રમ સંવતની ભાદરવા સુદ ૪ના રોજ મનાવવામાં આવે છે, આ શુભ દિવસને ગણેશજીનો જન્મદિવસ માનવામાં આવે છે. આ તહેવારને સંસ્કૃત, તમિલ, તેલુગુ અને કન્નડમાં વિનાયક ચતુર્થી કે વિનાયક ચવિથી, કોંકણીમાં વિનાયક ચવથ અને નેપાળીમાં વિનાયક ચથા તરીકે પણ ઓળખવામાં આવે છે.

પ્રમુખ રેસીડેન્સીની નવી પહેલ

આ તહેવાર 10 દિવસ ચાલે છે જે અનંત ચતુર્થીના દિવસે પૂર્ણ થાય છે. આ દરમિયાન દેશભરમાં તેની ધામ-ધૂમથી ઉજવણી કરવામાં આવે છે. ગણેશ ચતુર્થીની ઉજવણી દેશના દરેક ગલ્લી-મહોલ્લા અને સોસાયટીઓમાં થાય છે.

ગાંધીનગરના રાંદેસરણમાં ગણેશ ચતુર્થીની ઉજવણી કરવામાં આવી રહી છે. સોસાયટીના પ્રમુખ બી.જે ઠક્કરના જણાવ્યા અનુસાર, અમે ગણેશજીની મૂર્તિ ઇકો ફ્રેન્ડલી લાવ્યા હોવાથી અમે તેને સોસાયટીની અંદર જ વિસર્જન કરીશું. દાદાની મૂર્તિ ઓગળ્યા પછી જે માટી રહેશે તે અમે ગાર્ડનમાં મૂકીને ત્યાં ઝાડ વાવીશું.

ઉલ્લેખનિય છે કે, ભગવાન ગણેશજીના ઉત્સવ પછી તેમની મૂર્તિનું માન-સન્માન સચવાતું નથી. ઓછા પાણીમાં પણ વિસર્જન કરવાના કારણે તેમની મૂર્તિ અપમાનજનક સ્થિતિમાં જોવા મળે છે. તેવામાં રાંદેસણમાં ઇકો ફ્રેન્ડલી મૂર્તિ લાવીને ગણેશજીનું માન-સન્માન સચવાય અને તે પછી તેમની મૂર્તિથી વૃક્ષારોપણ કરીને જીવન ચક્રને જીવિત રાખવાની કોશિશ કરવામાં આવી છે.

ગાંધીનગરના રાંદેસણ ગામમાં આવેલી પ્રમુખ રેસીડેન્સી સોસાયટીમાં ગણેશ ચોથના દિવસે ગણપતિ દાદાની સ્થાપના હરસોલાશ સાથે કરવામાં આવી દાદાની પધરામણી વખતે સોસાયટીના દરેક સભ્યોએ ઢોલ નગારા સાથે દાદાની વધામણી કરી હતી.

આ સોસાયટીના પ્રમુખ બી.જે ઠક્કરના જણાવ્યા અનુસાર, પ્રમુખ સોસાયટીમાં તમામે તમામ ધાર્મિક ઉત્સવ ખુબ જ ઉમંગથી ઉજવવામાં આવે છે. તેમણે વધુમાં જણાવ્યુ કે, આ વખતે અમારી સોસાયટીમાં ત્રણ દિવસના ગણપતિ ઉત્સવ રાખવામાં આવ્યો છે, જેમાં સવાર સાંજ આરતી થશે. તે ઉપરાંત રોજ બપોરે દાદાને ભોગ ધરાવવામાં આવશે.