ગુજરાત સરકારે ગુજરાતની જનતાને દવાના ખર્ચથી બચાવવા માટે અનેકવિધ યોજનાઓ શરૂ કરી છે. જેમાં આયુષ્યમાન કાર્ડથી લઈને અન્ય વિવિધ યોજનાઓ ચાલું છે. આ યોજનાઓ થકી ગુજરાતની જનતા રાજ્યભરની સારામાં સારી હોસ્પિટલમાં પોતાની સારવાર કરાવીને સ્વસ્થ્ય બની શકે છે. તેવામાં એક વખત ફરીથી આયુષ્યમાન યોજનાનો ત્રીજો ફેઝ (આયુષ્માન 3.0) 17 સપ્ટેમ્બરથી શરૂ થયો છે. ત્રીજા ફેઝમાં કાર્ડ બનાવવાની પ્રક્રિયાને સરળ બનાવવામાં આવી છે. આ વખતે તમે તમારી જાતે જ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરીને આયુષ્યમાન કાર્ડ બનાવી શકશો.
આ વખતે સેલ્ફ-રજીસ્ટ્રેશનમાં લાભાર્થીઓ પાસે ચકાસણી માટે OTP, આઇરિસ અને ફિંગરપ્રિન્ટ અને ફેસ આધારિત વેરિફિકેશન ઓપ્શન હશે. સ્માર્ટફોન દ્વારા ઘરે બેઠા રજીસ્ટ્રેશન કરી શકાશે. આ માટે લોકોએ તેમના મોબાઈલ ફોનમાં આયુષ્યમાન કાર્ડ એપનો ઉપયોગ કરવો પડશે.
દર વર્ષે 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર
આ માટે લાભાર્થીના નામે આયુષ્યમાન કાર્ડ આપવામાં આવે છે. આ કાર્ડની મદદથી, લાભાર્થીઓ યોજના હેઠળની સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર કરાવી શકે છે.
તમે પોતે જ કરી શકશો સેલ્ફ રજીસ્ટ્રેશન
આયુષ્યમાન કાર્ડ બનાવવા માટે કેન્દ્ર સરકારે મોબાઈલ ફોન પર પણ આયુષ્યમાન કાર્ડ એપ દ્વારા અરજી કરવાની સુવિધા આપી છે. એપ ડાઉનલોડ કર્યા બાદ લાભાર્થીએ મોબાઈલ નંબરની મદદથી રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. આ પછી, રજીસ્ટ્રેશન પ્રક્રિયા ઓટીપી, આઇરિસ અને ફિંગરપ્રિન્ટ અને ફેસ આધારિત વેરિફિકેશનની મદદથી પૂર્ણ કરવાની રહેશે.
અહીં તમારે રેશન કાર્ડ, આધાર કાર્ડ, રહેઠાણનું પ્રમાણપત્ર, પાસપોર્ટ સાઇઝ ફોટો, પાન કાર્ડ અથવા અન્ય જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. આ પછી, સરકાર તમારી રિકવેસ્ટની ચકાસણી કર્યા પછી તમારું નામ યોજનામાં રજિસ્ટર્ડ કરશે. જો કે, આ પ્રક્રિયા પહેલા, તમારે તે ચેક કરવું જોઈએ કે તમે તેના માટે લાયક છો કે નહીં.
તમે આયુષ્યમાન કાર્ડ માટે લાયક છો કે નહીં તે જાણવા માટે કૉલ કરો
આ યોજના માટે અમુક પાત્રતા માપદંડો નિર્ધારિત કરવામાં આવ્યા છે. આ પાત્રતા ધરાવતા લોકો આયુષ્માન કાર્ડ બનાવવા માટે અરજી કરી શકશે. આયુષ્માન યોજના માટેની યોગ્યતા તપાસવા માટે, તમે 14555 પર કૉલ કરી શકો છો. આ ઉપરાંત, તમે pmjay.gov.in સાઇટ દ્વારા પણ તમારી યોગ્યતા ચકાસી શકો છો.
આ યોજનામાં તમામ રોગોને આવરી લેવામાં આવ્યા છે
આયુષ્યમાન યોજનામાં તમામ રોગોને આવરી લેવામાં આવ્યા છે. જૂના રોગોને પણ યોજનામાં આવરી લેવામાં આવ્યા છે. કોઈપણ બીમારી માટે હોસ્પિટલમાં દાખલ થવા પહેલા અને પછીના ખર્ચને આવરી લેવામાં આવે છે. આમાં ટ્રાન્સપોર્ટના ખર્ચને આવરી લેવામાં આવ્યો છે. તમામ મેડિકલ ટેસ્ટ, ઓપરેશન, ટ્રીટમેન્ટ વગેરે જેવી બાબતો આમાં સામેલ છે. આ યોજના હેઠળ અત્યાર સુધીમાં 5 કરોડથી વધુ લોકોએ તેમની સારવાર કરાવી છે.