JEE મેઈન 24 જાન્યુઆરીથી UG NEET 5 મેએ લેવાશે

નેશનલ ટેસ્ટિંગ એજન્સી (એનટીએ)દ્વારા આગામી 2024માં લેવાનારી વિવિધ પરીક્ષાઓની તારીખો જાહેર કરવામાં આવી છે. જે મુજબ જેઈઈ મેઈનની પ્રથમ તબક્કાની પરીક્ષા એટલે કે સેશન-1 24 જાન્યુઆરીથી 1લી ફેબ્રુઆરી દરમિયાન લેવાશે. ધોરણ 12 સાયન્સ પછી મેડિકલ પ્રવેશ માટેની UG NEET 5 મેના રોજ લેવાશે.

આગામી 2024ની પરીક્ષાઓનું કેલેન્ડર એનટીએ દ્વારા જાહેર કરાયું છે, જેમાં છ પરીક્ષાઓનો સમાવેશ થાય છે. આ પરીક્ષાઓમાં જેઈઈ મેઇન-1, 24 જાન્યુઆરીથી. જેઈઈ મેઈન-2 પરીક્ષા 1લી એપ્રિલથી 15 એપ્રિલ દરમિયાન લેવાશે. કોમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ – યુજી 15 મેથી 31 મે દરમિયાન લેવાશે.

જ્યારે પીજી પ્રવેશ માટેની કોમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ 11 માર્ચથી 28 માર્ચ દરમિયાન લેવાશે. આ ઉપરાંત ધોરણ 12 સાયન્સ પછીના મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદ, હોમિયોપેથી અને બીએસ.સી. નર્સિંગ પ્રવેશ માટેની નીટ પરીક્ષા 5મેના રોજ દેશભરમાં લેવાશે.

કોલેજોમાં લેક્ચરર બનવા માટેની તેમજ રિસર્ચ ફેલોશિપ માટેની યુજીસી નેટ 10 જુનથી 21 જુન દરમિયાન લેવાશે. આ તમામ પરીક્ષા કમ્પ્યૂટર બેઝ ટેસ્ટ છે.