ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા અંગે નિવેદન આપનારા કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડોની ચારેકોર નિંદા થઈ રહી છે. આ સંકટના વાદળો વચ્ચે જો ભારતીય નાગરિકો કેનેડામાં રહેતા હોય કે જવાની યોજના બનાવતા હોય તો સતત સાવધાન રહેજો. એવા વિસ્તારોમાં કદી ન જતા કે જ્યાં સરળતાથી નિશાન બનાવી શકાય.
ભારત સરકારે કેનેડા સ્થિત કે કેનેડા જનારા લોકો માટે આ એડવાઈઝરી પ્રસિદ્ધ કરી છે. વિદેશ મંત્રાલયે જારી કરેલા એક નિવેદનમાં જણાવ્યું છે કે કેનેડામાં ડીપ્લોમેટ્સ અને ભારતીય સમુદાયના લોકો ઉપર હુમલાઓ થવાની ઘટનાઓ બને છે. ખાસ કરીને જેમણે એન્ટી- ઈન્ડિયા એજન્ડાનો વિરોધ કર્યો હતો, તેઓને તો નિશાન બનાવાય જ છે. તેથી ભારતવંશીય લોકોને સલાહ આપવામાં આવે છે કે તેઓ એવા સ્થળોએ ન જતા કે જ્યાં આવી ઘટનાઓ બની શકે છે.
આ સાથે વિદેશ મંત્રાલયે જણાવ્યું કે, ભારતીય ડીપ્લોમેટ્સ અને ભારતીય સમુદાયના લોકોને, એક વર્ગે (ખાલિસ્તાનવાદીઓએ) ધમકી આપી હતી તેથી તેવા વિસ્તારમાં જવું જ નહીં કે જ્યાં આવી ગુંડાગીરીની આશંકા હોય.
ઉલ્લેખનીય છે કે કેનેડામાં અત્યારે બે લાખથી વધુ વિદ્યાર્થીઓ છે. 7 લાખ જેટલા NRI છે. ભારત અને કેનેડા વચ્ચે તંગદિલી વધી રહી છે ત્યારે ખાલીસ્તાની સંગઠન શિખ્સ – ફોર – જસ્ટિસ દ્વારા હિન્દુ સમુદાયને કેનેડા છોડવાની ધમકી અપાઈ રહી છે. આથી આશંકા વધે છે કે ભારતીય મૂળના લોકોને આતંકવાદીઓ ટાર્ગેટ કરી શકે છે.