છેલ્લા ત્રણ દાયકાથી જેની માત્ર ચર્ચા થઈ રહી હતી એવા મહિલા આરક્ષણનો માર્ગ મોકળો કરતો બંધારણીય સુધારાનો ખરડો બુધવારે લોકસભામાં પસાર થઈ ગયો હતો. આ ખરડાને ટેકો આપતા 454 સાંસદોએ મત આપ્યા હતા જ્યારે બે મત તેની વિરુદ્ધમાં પડ્યા હતા.
કેન્દ્રને સરકાર અને વિપક્ષના એકમત સાથે ખરડો પસાર કરવામાં સફળતા મળી હતી પણ હવે આ દિવસો દૂર નથી કે જ્યારે લોકસભા અને રાજ્યની વિધાનસભાઓમાં કુલ સભ્યોમાં 33 ટકા મહિલા હોય. ગુરુવારે આ ખરડાને રાજ્યસભામાં રજૂ કરવામાં આવશે.
કોંગ્રેસના સોનિયા ગાંધી નેશનાલિસ્ટ કોંગ્રેસના સુપ્રિયા સુલે, તૃણમુલ કોંગ્રેસના મહુવા મોઈત્રા, મંત્રી સ્મૃતિ ઈરાની, અનુપ્રિયા પટેલ, ભારતી પવાર જેવા મહિલા નેતાઓએ એકસૂરે આ ખરડાને ટેકો આપવાની જાહેરાત કરી હતી.
જોકે વિરોધ પક્ષની માંગ હતી કે વસતી ગણતરી કે નવા સીમાંકનની રાહ જોયા વગર જ તેનો તાત્કાલિક અમલ થવો જોઈએ. કુલ 27 મહિલા સાંસદોએ – સત્તા અને વિપક્ષ બન્ને મળી આ ખરડાની દિવસભર ચાલેલી ચર્ચામાં ભાગ લીધો અને તેને ટેકો જાહેર કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે લોકસભામાં મહિલા અનામત ખરડા વિરુદ્ધ કુલ બે મત પડ્યા હતા. ઓલ ઈન્ડિયા મજલીસ-એ-ઈત્તેહદ ઉલ મુસ્લિમમીન પક્ષના અસાદુદ્દીન ઓવૈસી અને તેમની જ પાર્ટીના ઈમ્તિયાઝ જલીલે આ ખરડાની વિરુદ્ધમાં મતદાન કર્યું હતું.
ખરડાની ચર્ચા દરમિયાન પોતાનો અભિપ્રાય વ્યક્ત કરતા ઓવૈસીએ જણાવ્યું કે, આ ખરડામાં અન્ય પછાત વર્ગ (ઓબીસી) અને મુસ્લિમ મહિલાઓનો સમાવેશ કરવામાં આવ્યો નથી. આ ખરડો માત્ર સવર્ણ વર્ગની મહિલાઓને જ ફાયદો કરાવશે એટલે પોતે તેનો વિરોધ કરી રહ્યા છે. આ દલીલના આધારે જ તેમણે ખરડાની વિરુદ્ધ મતદાન કર્યું હોય તેવું માનવામાં આવે છે.