ભારત-કેનેડા વિવાદ નવા સ્તરેઃ આનંદ મહિન્દ્રાએ કેનેડા સ્થિત કંપની બંધ કરી

હવે ભારત અને કેનેડા વચ્ચે માત્ર રાજકીય જ નહીં પરંતુ આર્થિક સ્તરે યુદ્ધ ખેલાઈ રહ્યું છે, જેમાં ભારતના દિગ્ગજ ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ પણ ઝંપલાવ્યું હોય તેવું લાગી રહ્યું છે. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ કેનેડાને મોટો ઝટકો આપ્યો છે અને ગુરુવારે તેની કંપનીનું કામકાજ બંધ કરી દીધું છે. ગુરુવારે માહિતી આપતા મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ કહ્યું કે, તેની કેનેડા સ્થિત કંપની રેસન એરોસ્પેસ કોર્પોરેશને કામગીરી બંધ કરી દીધી છે.

મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા કંપનીમાં 11.18 ટકા હિસ્સો ધરાવે છે, જેણે કામગીરી સ્વૈચ્છિક રીતે બંધ કરવા માટે અરજી કરી હતી. આ નિર્ણય બાદ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના શેરમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે.

મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ શેરબજારને આપેલી માહિતીમાં જણાવ્યું હતું કે રેસને કોર્પોરેશને કેનેડા પાસેથી 20 સપ્ટેમ્બર 2023ના રોજ કામગીરી બંધ કરવાની મંજૂરી માટે જરુરી દસ્તાવેજો મેળવ્યા હતા, જેની માહિતી કંપનીને આપવામાં આવી હતી.

આ સમાચાર બાદ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના શેરમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. બજાર બંધ થવાની 10 મિનિટ પહેલા મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના શેર 3 ટકા ઘટાડા સાથે રુ.1584 પર ટ્રેક કરી રહ્યા હતા. આ સ્થિતિમાં કંપનીના વેલ્યુએશનમાં રુ.7243.6 કરોડનું નુકસાન થયું છે.