ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ મેચની ODI શ્રેણી, જેને આવતા મહિને શરુ થઈ રહેલા ODI વર્લ્ડ કપ પહેલા ‘ડ્રેસ રિહર્સલ’ તરીકે ગણવામાં આવી રહી છે, તે ભારતીય ટીમ માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. આ શ્રેણીમાં શ્રેયસ અય્યરે પોતાની મેચ ફિટનેસ સાબિત કરવી પડશે, જ્યારે સૂર્યકુમાર યાદવે ODI ક્રિકેટમાં પોતાનો રેકોર્ડ સુધારવાનો રહેશે.
ત્રણ મેચની વન ડે શ્રેણીની પ્રથમ મેચ આજે (22 સપ્ટેમ્બર) મોહાલીમાં રમાશે. આ મેચ બપોરે 1.30 કલાકે શરુ થશે. કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલી સિવાય ભારતીય બેટિંગના આધારસ્તંભ સ્પિનર કુલદીપ યાદવ અને ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા પ્રથમ બે મેચ રમશે નહીં. આ સ્થિતિમાં કોચ રાહુલ દ્રવિડ પાસે પોતાની બેન્ચ સ્ટ્રેન્થ ચકાસવાની સુવર્ણતક છે.
મુંબઈના બન્ને બેટ્સમેન સૂર્યકુમાર અને શ્રેયસ પોતપોતાના પડકારોનો સામનો કરી રહ્યા છે, જેથી તેઓ તેમની કારકિર્દીની સૌથી મહત્ત્વપૂર્ણ ટૂર્નામેન્ટનો ભાગ બની શકે.
28 વર્ષીય અય્યરે છેલ્લા છ મહિનામાં વધારે ક્રિકેટ રમી નથી. સ્ટ્રેચ ફ્રેક્ચર સર્જરી કરાવ્યા બાદ પરત ફરેલા અય્યર એશિયા કપમાં પાકિસ્તાન સામેની મેચ પહેલા કમરમાં જકડાઈ જવાને કારણે ફરી બહાર થઈ ગયો હતો, જેના કારણે તેની ફિટનેસ પર સવાલો ઊભા થઈ રહ્યા છે.
સૂર્યકુમાર ભલે T20માં નંબર વન બેટ્સમેન હોય પરંતુ તે ODIમાં તે ફોર્મનું પુનરાવર્તન કરી શક્યો નથી અત્યાર સુધી 27 વનડે રમી ચૂકેલા સૂર્યાની એવરેજ 25ની છે.
વર્લ્ડ કપ પહેલા ઓસ્ટ્રેલિયા હજુ સુધી પોતાની ફેવરિટ પ્લેઈંગ 11 બનાવી શકી નથી. હવે માથાની ઈજાના કારણે ટીમ કોમ્બિનેશનમાં ફેરફાર કરવામાં આવ્યો છે. કેપ્ટન પેટ કમિન્સ, સ્ટીવન સ્મિથ અને મિશેલ સ્ટાર્ક બધા પાછા ફર્યા છે અને ગ્લેન મેક્સવેલ શુક્રવારે આવશે. જોકે મેક્સવેલ અને મિશેલ સ્ટાર્ક બન્ને મોહાલીમાં યોજાનારી પ્રથમ વન ડે રમી શકશે નહીં. સ્મિથ કદાચ ત્રણેય મેચ રમશે અને કમિન્સ પણ એવું જ કરવા માંગે છે.
પ્રથમ મેચમાં ટીમની યાદી જોઈએ તો ભારતીય ટીમઃ કેએલ રાહુલ (કેપ્ટન), રવિન્દ્ર જાડેજા, રુતુરાજ ગાયકવાડ, શુભમન ગિલ, શ્રેયસ અય્યર, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, ઈશાન કિશન, શાર્દુલ ઠાકુર, વોશિંગ્ટન સુંદર, આર અશ્વિન, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણ રહેશે.
જ્યારે ઓસ્ટ્રેલિયાની ટીમમાં પેટ કમિન્સ (કેપ્ટન), એલેક્સ કેરી, નાથન એલિસ, કેમેરોન ગ્રીન, એડમ ઝમ્પા, માર્કસ સ્ટેઈનીસ, મિશેલ સ્ટાર્ક, સ્ટીવ સ્મિથ, જોશ હેઝલવૂડ, સ્પેન્સર જોન્સન, માર્નસ લાબુશેન, મિશેલ માર્શ, ગ્લેન મેક્સવેલ, તનવીર સંધા, મેટ શોર્ટ જોવા મળશે.