ગણેશ વિસર્જન અને ઈદ-એ-મિલાદ એકસાથે; વડોદરામાં 7000થી વધારે અર્ધલશ્કરી દળોનો ખડકલો

વડોદરા: ગણેશ વિસર્જન- ઈદે મિલાદ

વડોદરામાં આગામી તા 28 મુખ ગણેશ વિસર્જન અને ઈદ-એ-મિલાદના તહેવાર એક સાથે આવતા હોવાથી પોલીસે સશસ્ત્ર બંદોબસ્ત ગોઠવી દેવા ખાસ સ્કીમ તૈયાર કરી છે. જે મુજબ અર્ધ લશ્કરી દળો સહિત 7000થી વધુ જવાનો બંદોબસ્ત જાળવશે.

પોલીસ કમિશનરે કહ્યું છે કે, તા 28મી ગણેશ વિસર્જન અને ઈદ એક સાથે આવતા હોવાથી મુસ્લિમ આગેવાનો સાથે મીટીંગ કરતાં તેઓ વિવિધ વિસ્તારોમાં કાઢવામાં આવતા 45 જેટલા જુલુસ તા. 29મીએ કાઢવા તૈયાર થયા છે. તો બીજી તરફ 67 જેટલા રુટ પર 1800થી વધુ ગણેશ વિસર્જનની સવારીઓ નીકળનાર હોવાથી પુરતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાની તૈયારી કરવામાં આવી છે.

ગણપતિ અને ઈદના બંદોબસ્તની સાથે સાથે તા 27 મીએ વડાપ્રધાન નો કાર્યક્રમ પણ આવતો હોવાથી ત્રણ દિવસ માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓનો બંદોબસ્ત રહેશે. આ માટે એસઆરપીની 6 કંપની, રેપીડ એક્શન ફોર્સની એક અને સીઆરપી ની એક કંપની ફરજ બજાવશે. તેઓની સાથે 10 ડીસીપી, 20થી વધુ એસીપી, 50પીઆઈ ઉપરાંત 2700 પોલીસ,2900 હોમગાડૅ,શી ટીમ, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ જેવી ટીમો પણ રહેશે.

આ પણ વાંચો- પીએમ મોદી ગુજરાતમાં કરશે ₹5206 કરોડના વિકાસકાર્યોનું ખાતમુહુર્ત

પોલીસ કમિશનરે કહ્યું છે કે, તહેવારો દરમિયાન સોશિયલ મીડિયા ઉપર સાયબર સેલની વિશેષ નજર રહેશે. ભડકાઉ મેસેજ મોકલનાર કે તેને સાચી કે ખોટી રીતે ફોરવર્ડ કરનાર સામે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવશે. આવા મેસેજ ધ્યાનમાં આવે એટલે તરત જ પોલીસ કંટ્રોલ રૂમનો સંપર્ક કરવો.

તેમણે કહ્યું છે કે, સંવેદનશીલ વિસ્તારમાં પતરા લગાવવામાં આવતા હોવાથી ઇમરજન્સીમાં આ પતરા દૂર કરવા હોય અથવા તો રૂટને લગતી કોઈપણ અડચણ હોય તો પોતે ચર્ચા કર્યા સિવાય અથવા પોતે નિર્ણય લીધા વગર સીધી પોલીસને જાણ કરવાની રહેશે. પોલીસ તમામ મંડળો અને બંને આગેવાનોના સંપર્કમાં છે અને તે સારી રીતે સમાધાન કરી રસ્તો કાઢી આપશે.

સંવેદનશીલ વિસ્તારમાં કોઈ પણ છમકલું ના થાય તે માટે ડ્રોન કેમેરા થી તમામ ધાબા ઉપર સર્વેન્સ કરવામાં આવી રહ્યું છે. 24 ધાબાઓ ઉપર 12 મીટર ઊંચી અને 50 મીટર વિસ્તારમાં અજવાળું ફેલાવતી લાઈટો લગાવવામાં આવી છે.

આ પણ વાંચો- સુરેન્દ્રનગર: વઢવાણનો બ્રિજ કેમ તૂટી પડ્યો? મળ્યો ચોંકાવનારો જવાબ