આજે રાજકોટ જિલ્લા કક્ષાની સાત સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભા જામકંડોરણા ખાતે યોજાઈ હતી. જેમાં ઉપસ્થિત હજારો સભાસદોને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વર્ચ્યુઅલ સંબોધન કરીને અભિનંદન પાઠવ્યા હતા.
આ દરમિયાન સીએમ ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, દૂધ ઉત્પાદનમાં ગુજરાત સમગ્ર દેશમાં મોખરે છે અને રોજ 203 લાખ લિટર દૂધનું ઉત્પાદન થાય છે અને 36 લાખ પશુપાલકોને રૂપિયા 140 કરોડની ચુકવણી થાય છે. રાજ્યમાં દૂધ ઉત્પાદક મંડળીઓના 36 લાખ સભાસદોમાં 12 લાખ સભાસદો મહિલાઓ છે. આમ રાજ્યમાં કુલ 83 હજારથી વધુ સહકારી મંડળીઓમાં 2 કરોડ 31 લાખ સભાસદો જોડાયેલા છે.
જેતપુરના ધારાસભ્ય તથા કાર્યક્રમના અધ્યક્ષ, રાજકોટ જિલ્લા સહકારી બેન્કના ચેરમેન જયેશભાઈ રાદડીયાએ ઉપસ્થિત સર્વે મહાનુભાવોને આવકારી રાજકોટ જિલ્લા સહકારી બેંકનાં વાર્ષિક અહેવાલો રજૂ કરી બેંકની વિવિધ ખેડૂતલક્ષી કામગીરી વર્ણવી હતી.
આ પણ વાંચો- ગણેશ વિસર્જન અને ઈદ-એ-મિલાદ એકસાથે; વડોદરામાં 7000થી વધારે અર્ધલશ્કરી દળોનો ખડકલો
આ દરમિયાન તેમણે બેન્ક સાથે જોડાયેલા ખેતી વિષયક મંડળીઓના ખેડૂત સભાસદોને આકસ્મિક નાણાકીય જરૂરીયાતનાં સંજોગોમાં તત્કાલ નાણાં મળી રહે તેવા હેતુથી મધ્યમ મુદત ખેતી વિષયક ‘કૃષિ તત્કાલ લોન યોજના’ ની જાહેરાત કરી હતી. આ ઉપરાંત અન્ય બે યોજનાની પણ જાહેરાત કરી હતી.
1.50 કરોડના ચેક અર્પણ કરાયા
આ કાર્યક્રમમાં બેન્કની અક્સ્માત વીમા યોજના અન્વયે આકસ્મિક અવસાન પામેલા જુદી-જુદી મંડળીઓનાં 15 જેટલા સભાસદોનાં વારસદારોને રૂ. 10 લાખનાં એમ કુલ રૂ. 1.50 કરોડના ચેક અર્પણ કરાયા હતા. જયારે સહકારી ક્ષેત્રે 15 વર્ષથી વધુ સમય સુધી ઉત્તમ સેવા આપનારી જુદી જુદી મંડળીઓને સન્માનિત કરાઈ હતી.
આ પણ વાંચો- હવામાન વિભાગે કહ્યું- ચોમાસું થોડા દિવસમાં લેશે વિદાય; જાણો ગુજરાતના જળાશયોમાં પાણીની સ્થિતિ