એશિયન ગેમ્સમાં ભારતનો પ્રથમ ગોલ્ડ, 10 મીટર એર રાઈફલ ટીમ ઈવેન્ટમાં ઈતિહાસ રચાયો

ચીનના હાંગઝોઉમાં રમાઈ રહેલી 19મી એશિયન ગેમ્સનો આજે 25 સપ્ટેમ્બરે બીજો દિવસ છે. આજે ભારતીય ખેલાડીઓ રોઈંગ, ટેનિસ, ક્રિકેટ, બોક્સિંગ, સ્વિમિંગ, શૂટિંગ જેવી રમતોમાં તેમના પડકારો રજૂ કરી રહ્યા છે. બીજા દિવસની રમત સંબંધિત એક મહત્ત્વની અપડેટ્સ સામે આવી છે.

બીજા દિવસે ભારતની શરુઆત શાનદાર રહી હતી. ભારતે તેનો પ્રથમ ગોલ્ડ મેડલ જીત્યો હતો. પુરુષોની 10 મીટર એર રાઈફલ ઈવેન્ટમાં ઐશ્વર્ય પ્રતાપ સિંહ તોમર, રુદ્રાંક્શ પાટીલ અને દિવ્યાંશ પંવારની ત્રિપુટીએ ગોલ્ડ જીત્યો તો રોઈંગમાં પણ પુરુષોની ચાર ટીમે ભારત માટે બ્રોન્ઝ મેડલ મેળવ્યો. ભારતે અત્યાર સુધીમાં સાત મેડલ જીત્યા છે.

ભારતે પહેલા દિવસે પાંચ મેડલ જીત્યા હતા. પહેલો મેડલ શૂટિંગમાં આવ્યો હતો – જ્યારે મેહુલી ઘોષ, આશી ચોક્સી અને રમિતાએ મહિલાઓની 10 મીટર એર રાઈફલ ટીમ ઈવેન્ટમાં સિલ્વર જીત્યો હતો. ત્યારબાદ રોઈંગમાં પણ ભારતે બે સિલ્વર અને એક બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. બાદમાં રમિતા જિંદાલે મહિલાઓની 10 મીટર એર રાઈફલમાં ભારત માટે બ્રોન્ઝ જીત્યો હતો.