ગુજરાતમાં લોકસભાની ચૂંટણીની તૈયારીના પડઘમ; ભાજપ-કોંગ્રેસમાં મીટિંગોના દૌર

ગુજરાતમાં બીજેપી-કોંગ્રેસે શરૂ કરી લોકસભા ચૂંટણીની તૈયારી

અમદાવાદઃ ગુજરાતમાં લોકસભાની ચૂંટણીની તૈયારીઓ રાજકીય પક્ષોએ શરૂ કરી દીધી છે. કોંગ્રેસે સિનિયર નેતાઓને વિવિધ વિસ્તારોની જવાબદારી સોંપી છે. બીજી બાજુ ભાજપે કાર્યકર્તાઓને સોશિયલ મીડિયા પર સક્રિય થવા આદેશ કર્યો છે. આમ કોંગ્રેસ અને ભાજપ બંને પાર્ટીઓએ ચૂંટણી જીતવા માટે હાલથી કમર કસરવાનું શરૂ કરી દીધું છે.

આજે કમલમ ખાતે પ્રદેશ પ્રમુખની હાજરીમાં સોશિયલ મીડિયા યુથ સમિટનું કમલમ કાર્યાલય ખાતે આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં ભાજપની સોશિયલ મીડિયા ટીમના અંદાજે 3 હજાર કાર્યકરો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં ભાજપે સરકારી યોજનાઓનો સોશિયલ મીડિયા પર પ્રચાર કરવા તેમજ પીએમ મોદીની ટ્વિટને રિટ્વિટ કરવાનો આદેશ કર્યો હતો.

આ કાર્યક્રમમાં ભાજપના પ્રદેશ પ્રમુખે કાર્યકર્તાઓને કહ્યું હતું કે, આપણે સોશિયલ મીડિયામાં કોઈ ખોટી કોમેટ કરે તો તેનો જવાબ આપવાનો છે. અમુક લોકો દેશ અને નાગરીકોને આપવા માટે કંઈ જ નહીં હોવાથી ખોટો પ્રચાર કરે છે. જેથી આવા લોકોને સોશિયલ મીડિયામાં જવાબ આપો ત્યારે વધારે માહિતી લઈને જવાબ આપજો જેથી તમારો કોઈ વિરોધ ના કરી શકે.

આ પણ વાંચો- ખેરાલુ-સતલાસણા તાલુકાના ખેડૂતોમાં ખુશીનો માહોલ; સરકારે ભર્યા ગામતળના તળાવ

તેમણે વધુમાં કહ્યું હતું કે, આપણે સોશિયલ મીડિયામાં દાવાનળની જેમ ફેલાઈ જવાનું છે. તેમણે વંદેભારત ટ્રેનને લઈને કોંગ્રેસ પર પ્રહાર કરતાં કહ્યું હતું કે, પહેલાં ટ્રેનોની હાલત ખૂબજ ખરાબ હતી અને આજે સુવિધાઓ સાથે ટ્રેન સમયસર પહોંચી જાય છે. જે પીએમ મોદીને કારણે શક્ય બન્યું છે. પ્રદેશ પ્રમુખે કાર્યકરોને NAMO APP ખોલવા તેમજ સોશિયલ મીડિયા પર સક્રિય થવા આહ્વાન કર્યું હતું.

બીજી તરફ કોંગ્રેસ દ્વારા પણ લોકસભાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. છેલ્લી બે ટર્મથી ગુજરાતમાં કોંગ્રેસની એક પણ સીટ નહીં આવવવાથી આ વખતે રાજ્યમાં કોંગ્રેસે કેટલીક સીટો પર ધ્યાન કેન્દ્રીત કર્યું છે. જેમાં કોંગ્રેસના નવા વરાયેલા પ્રભારીએ પક્ષના સિનિયર નેતાઓને કેટલાક વિસ્તારોની જવાબદારી સોંપી છે.

આ નેતાઓ લોકસભા બેઠકોમાં તાત્કાલિક પ્રવાસ કરશે અને સ્થાનિક આગેવાનો સાથે લોકસભાની આગામી ચૂંટણી પ્રક્રિયા, સંગઠન, સ્થાનિક સામાજીક સમિકરણો અને સ્થાનિક પ્રશ્નો, પક્ષના કાર્યક્રમો, પ્રજાકીય આંદોલનો અંગે ગહન પ્રવાસ કરશે. ત્યારબાદ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખને સંપૂર્ણ અહેવાલ આપશે. રાજ્યની હાલની સ્થિતી અને લોકસભા ચૂંટણી અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. સિનિયર આગેવાનોએ આગામી લોકસભાની ચૂંટણીને લઇ તેમના સૂચનો રજૂ કર્યા હતા.

આ પણ વાંચો- ગણેશ વિસર્જન અને ઈદ-એ-મિલાદ એકસાથે; વડોદરામાં 7000થી વધારે અર્ધલશ્કરી દળોનો ખડકલો