સાવ ગરીબ આદિવાસી પર કોર્ટનો આ અત્યાચાર હાઈકોર્ટને દેખાતો નહીં હોય?

ભારતીય ન્યાયતંત્ર- રમેશ સવાણી

રમેશ સવાણી; નિવૃત IPS અધીકારી [પાર્ટ-2]: એટ્રોસિટી કોર્ટના જજ હાઈકોર્ટના હુકમને પણ ગાંઠતા નથી. ગુજરાત હાઈકોર્ટે, સહાય-રકમની રીકવરી સામે ઓક્ટોબર 2022માં સ્ટે આપેલ હોવા છતાં એટ્રોસિટી કોર્ટના જજ સહાય-રકમની રીકવરી કરવા હુકમ કરે છે ! દુ:ખની વાત એ છે કે હાઈકોર્ટ પણ આવા જજ સામે કાર્યવાહી કરતી નથી ! શું હાઈકોર્ટને પણ દલિતો પ્રત્યે સંવેદના નહીં હોય?

જૂનાગઢ/તાપી જિલ્લાના એટ્રોસિટી કોર્ટના જજ ટી. ડી. પડીઆ જેવા જ બીજા જજ છે-ચિરાગ કિશોર મુન્શી. તેમને પણ આદિવાસી વિક્ટિમને વળતર/સહાય મળે છે, તેની રીકવરી કરવાની તાલાવેલી છે. ડીસા એટ્રોસિટી કેસ નંબર-10/2016માં ફરિયાદી સીતાબેન વનાભાઈ ભીલ તથા સાહેદ કતુબેન અશોકભાઈ ભીલ પાસેથી વળતરની રકમ પરત વસૂલ કરવા ચૂકાદો આપ્યો છે. આ કેસ IPC કલમ- 306, 504, 114 તથા એટ્રોસિટી એક્ટ કલમ- 3(1)(10), 3(2)(5) હેઠળ ધાનેરા પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો.

આરોપીઓ આયદાન રબારી/ વિભા રબારી/ આસુ રબારી/ વસના રબારી હતા. ફરિયાદી સીતાબેન અને તેના પુત્ર અશોકભાઈ પર ગોગા મહારાજના મંદિરમાં 15 ઓગસ્ટ 2014ના રોજ ચોરી થયેલ તેના શકમાં ગાળો આપેલ, અપમાનિત કરેલ. તારી માને ગામમાં નાગી કરી ફેરવીશું, તેવી ધમકી આપેલ. પોલીસે સીતાબેન તથા અશોકભાઈને પૂછપરછ માટે બોલાવેલ. જેથી અશોકભાઈએ 19 ઓગસ્ટ 2014ના રોજ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરેલ ! જજ ચિરાગ કિશોર મુન્શીએ 2 મે 2022ના રોજ ચૂકાદો આપેલ કે “ સાહેદો સચોટ સમર્થન કરતા નથી. પોસ્ટ મોર્ટમ કરેલ ડોક્ટરે પ્રવાહી પરીક્ષણ માટે નમૂનો લીધેલ નથી, જે શંકા ઊભી કરે છે. પોલીસે તપાસ બરાબર કરી નથી. ફરિયાદી, સાહેદ અમથુબેન તથા કતુબેન ત્રણેય માતા, પુત્રી અને પુત્રવધૂનો સંબંધ ધરાવે છે અને એકબીજાના હિત ધરાવતા સાહેદો છે.

આ પણ વાંચો-લોકસભા ચૂંટણી પહેલા BJPને આંચકો; AIADMKએ NDAથી અલગ થવાની કરી જાહેરાત

તેથી તેમનો પુરાવો શંકાસ્પદ છે. તેમના પુરાવાને સ્વતંત્ર અને તટસ્થ સાહેદોનું સમર્થન નથી ! એટ્રોસિટી એકટનો ગુનો સાબિત માનવા માટે ભોગ બનનારનું જ્ઞાતિ વિષયક અપમાન થાય તેવા ઈરાદાપૂર્વકના શબ્દો જાહેર જનતાની વચ્ચે બોલાયેલા હોવા જોઈએ. ફરિયાદ પક્ષ આરોપો પુરવાર કરવામાં નિષ્ફળ ગયેલ છે. આરોપીઓએ, અશોકને આત્મહત્યા કરવા દુષ્પ્રેરણ કર્યું હોય તેવી કોઈ હકીકત રેકર્ડ ઉપર ફલિત થતી નથી. અશોક દારુ પીવાની ટેવવાળો હતો. ઈન્વેસ્ટ પંચનામાના બન્ને સાહેદો ફરી ગયેલ છે. ફરિયાદીએ માઈન્ડ એપ્લાઈ કર્યા વિના યંત્રવત ફરિયાદ નોંધાવી છે. તપાસ અધિકારીએ માઈન્ડ એપ્લાઈ કરી તપાસ કરી નથી ! તપાસ અધિકારીએ, ખોટી દિશામાં ઈરાદાપૂર્વક ખામીયુક્ત તપાસ કરી છે, તેમ રેકર્ડ પરથી જણાય છે.

આમ IPC કલમ- 306, 504, 114 તથા એટ્રોસિટી એક્ટ કલમ- 3(1)(10), 3(2)(5) હેઠળ ગુનો બનતો ન હોવા છતાં માત્ર સરકારી સહાય/ વળતર મેળવવા ખોટી ફરિયાદ કરેલ છે, તેમ રેકર્ડ આધારિત પુરાવાથી ફલિત થાય છે. સહાયની રકમ પ્રજાનો પૈસો છે, તેને ખોટી રીતે લેવા તેઓ હકદાર નથી ! આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મૂકવા હુકમ કરવામાં આવે છે. ફરિયાદી સીતાબેન તથા સાહેદ કતુબેન અશોકભાઈને જે સહાય મળી હોય તે દિવસ-30માં પરત જમા કરવા હુકમ કરવામાં આવે છે. ઉપરાંત ફરિયાદી સીતાબેન અને સાહેદ કતુબેન સામે ખોટો પુરાવો આપવાના ગુના માટે શામાટે સજા ન કરવી? અથવા ફોજદારી રાહે ગુનો શામાટે દાખલ ન કરવો? તે અંગે આ કોર્ટમાંથી નોટિસ કાઢવી. નોટિસમાં જણાવેલ તારીખે કોર્ટમાં હાજર રહેવું, અન્યથા કાયદેસરની કાર્યવાહી થશે. સહાયની રકમ રેવન્યૂ રાહે પરત લેવા સંબંધિત ઓથોરિટીને નકલ મોકલવી. અને તેમણે દિવસ-15માં કરેલ કાર્યવાહીનો પ્રોગ્રેસ રીપોર્ટ આ કોર્ટને સાદર કરવો.”

આ પણ વાંચો- હાઇકોર્ટે પોલીસને ટ્રાયલ ઝડપી બનાવવા આપી સલાહ- કરાશે વોટ્સએપનો ઉપયોગ

થોડાં પ્રશ્નો :

[1] ગુજરાતના જજનું સ્તર કેવું છે તે આ ચૂકાદો કહે છે. આરોપીઓનો ત્રાસ અને પોલીસ પૂછપરછના કારણે તથા પોતાની માતાને નાગી કરી ગામમાં ફેરવવામાં આવશે તેવી ધમકીના કારણે ફરિયાદીના પુત્રએ ગળે ફાંસો ખાઈ જીવ આપી દીધો. આ કેસમાં જજની માનસિકતા જૂઓ. શું તેઓ જજ તરીકે લાયકાત ધરાવે છે? તેવો સવાલ જિલ્લાના કલેક્ટરને નહીં થયો હોય? સચિવને નહીં થયો હોય? હાઈકોર્ટને નહીં થયો હોય?

[2] જ્યારે IPC હેઠળ 10 વરસની સજાનો ગુનો SC/STના સંદર્ભમાં બને ત્યારે જાહેર લોકોની હાજરીમાં અપમાનનો મુદ્દો અસ્થાને છે, એનું જ્ઞાન જજને નહીં હોય?

[3] અશોકભાઈએ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરેલ છે, તે કોઈ અંગત કારણે કરેલ હતી તેવું આ જજ માનતા હશે? શું જજની આ મનસ્વિતા નથી? આત્મહત્યાના કેસમાં સ્વતંત્ર અને તટસ્થ સાહેદો ક્યાંથી લાવવા? પરિવારજનોને શંકાની નજરે શામાટે જોવા જોઈએ? અશોકભાઈએ આત્મહત્યા કરી એ મુદ્દો અગત્યનો છે કે તે દારુ પીતા હતા તે મુદ્દો? ‘ફરિયાદીએ માઈન્ડ એપ્લાઈ કર્યા વિના યંત્રવત ફરિયાદ નોંધાવી છે’ એવું જજનું તારણ અતિ મનસ્વી નથી?

[4] પુત્ર ગુમાવનાર માતા સીતાબેનનો અને પતિ ગૂમાવનાર કતુબેનનો શું વાંક? તેમણે ક્યા ખોટા પુરાવા ઊભા કર્યા? આવા જજ એટ્રોસિટી એક્ટ હેઠળના કેસ ચલાવવા પાત્ર છે ખરા? [5] આવા ચૂકાદા સામે પ્રચંડ વિરોધ થવો જોઈએ અને જજની માનસિકતાને ખૂલી પાડવી જોઈએ. પરંતુ આદિવાસી MLA/MP આ બાબતે ચૂપ કેમ હશે? આદિવાસી એક્ટિવિસ્ટો મૌન કેમ હશે? માનવ અધિકારવાદીઓને આમાં માનવ અધિકારનો ભંગ દેખાતો નહીં હોય? સરકારને/ ન્યાયતંત્રને આ ચૂકાદો ગમ્યો હશે? ગુજરાત હાઈકોર્ટ આવા ચૂકાદા આપનાર જજને શાબાશી આપતી હશે? શરમ જેવું કંઈ હોય કે નહીં? [6] ‘તપાસ અધિકારીએ, ખોટી દિશામાં ઈરાદાપૂર્વક ખામીયુક્ત તપાસ કરી હોય’ તો તેનો ડામ ફરિયાદી/ સાહેદને આપવામાં કેટલું ઔચિત્ય? માની લઈએ કે IPC કલમ- 306, 504, 114 તથા એટ્રોસિટી એક્ટ કલમ- 3(1)(10), 3(2)

આ પણ વાંચો-પંચમહાલ: ઘોઘંબામાં ચાર બાળકોના તળાવમાં ડૂબવાથી મોત; પંથકમાં શોકનો માહોલ

(5) હેઠળનો ગુનો નિશંકપણે સાબિત થતો ન હોય તોપણ ફરિયાદી ખોટા છે તેવું તારણ કઈ રીતે કાઢી શકાય? પોલીસની ખામીના કારણે કેસ સાબિત ન થાય તેથી ફરિયાદીને ચૂકવાયેલ વળતરની રીકવરી કરવાનો આદેશ શું મનસ્વી નથી? આદિવાસી પ્રત્યે બિનસંવેદનશીલતાનો પુરાવો નથી? કેસ સાબિત ન થાય તે અલગ મુદ્દો છે; પરંતુ આ કેસમાં ફરિયાદી ખોટા છે, એવું તારણ કઈ રીતે કાઢી શકાય? ‘સાહેદો સચોટ સમર્થન કરતા નથી’ તેવો તર્ક આરોપીને મદદ કરવા થયો નથી?

[6] ચૂકવાયેલ વળતરની રીકવરી કરવા માટે 15 દિવસનો સમય આપનાર જજ પોતે આદિવાસી પ્રત્યે પૂર્વગ્રહ ધરાવે છે તેમ ન કહી શકાય? ફરિયાદી/ સાહેદોને સરકાર તરફથી મળેલ વળતર, રેવન્યૂ રાહે પરત મેળવવા જજ સાહેબે હુકમ કરેલ છે; પરંતુ ફરિયાદીએ આવું વળતર મેળવેલ છે કે કેમ? કેટલું મેળવેલ છે? તેની કોઈ સ્પષ્ટતા ચૂકાદામાં કરી નથી ! જજ આદિવાસી વિરોધી માનસિકતા ધરાવે છે, તેનો આ પુરાવો નથી?

આ પણ વાંચો-જામનગરમાં હાર્ટ એટેકથી 19 વર્ષીય યુવકનું મોત; કરી રહ્યો હતો ગરબાની પ્રેક્ટિસ

[7] એટ્રોસિટી એક્ટમાં વળતર પરત લેવાની જોગવાઈ નથી, છતાં વળતર પરત લેવાનો ચૂકાદો ઉચિત છે? વિક્ટિમ કે તેમના પરિવારજનો કોર્ટમાં ફરી જાય તો વળતર પરત લેવાનો કોર્ટ હુકમ કરે તો ઉચિત કહી શકાય; પરંતુ આ કેસમાં ફરિયાદી કોર્ટ સમક્ષ પોતાની ફરિયાદનેવળગી રહેલ હતા; છતાં ફરિયાદીને ખોટા માનવાનું કારણ શું?
[8] ફરિયાદી આદિવાસી છે એ કારણથી જ જજને વાંધો છે, તેમ માનવાને કારણ રહે છે. તપાસમાં ખામી રાખનાર સામે કાર્યવાહી કરવા પોતાના ચૂકાદામાં શામાટે ટિપ્પણી ન કરી?

[09] આવા ભયંકર અન્યાયભર્યા ચૂકાદા સામે અપીલ કરવાની કાર્યવાહી સરકારી વકીલે કેમ ન કરી? ડાયરેક્ટર ઓફ પ્રોસીક્યુશને કેમ કોઈ કાર્યવાહી ન કરી?

[10] શું આ જજ એટ્રોસિટી એક્ટનો હાર્દ સમજવાની ક્ષમતા ધરાવે છે? શું ગુજરાત હાઈકોર્ટે આ જજ સામે, SC/ST સમુદાયના બીજા કોઈ સભ્યને અન્યાય કરે તે પહેલાં તાત્કાલિક કાર્યવાહી કરવી જોઈએ કે નહીં? ‘ફરિયાદી સીતાબેન અને સાહેદ કતુબેન સામે ખોટો પુરાવો આપવાના ગુના માટે શામાટે સજા ન કરવી? અથવા ફોજદારી રાહે ગુનો શામાટે દાખલ ન કરવો?’ આવો હુકમ કરવો તે જજનું જંગલીપણું નથી? છૂટક મજૂરી કરતા અને ઝૂંપડામાં રહેતા સાવ ગરીબ આદિવાસી પર કોર્ટનો આ અત્યાચાર નથી?

આ પણ વાંચો- દલિતોને ન્યાયના બદલે અન્યાય કરવા કોર્ટ કઈ હદે જાય છે?

[11] એટ્રોસિટી એક્ટ હેઠળની જિલ્લા તકેદારી સમિતિના અધ્યક્ષ તરીકે કલેકટરશ્રીએ; સરકારને/ હાઈકોર્ટને/ National Commission for Scheduled Tribesને, આ જજ વિરુદ્ધ/ આવા મનસ્વી ચૂકાદા વિરુદ્ધ શામાટે રીપોર્ટ કર્યો નહીં? રાજ્ય સ્તરની તકેદારી સમિતિ શામાટે નિષ્ક્રીય રહી?

[સૌજન્ય : પૂર્વ જજ અને એડવોકેટ કે. બી. રાઠોડ]