સિંગતેલના ભાવમાં વધારો યથાવત; 30 રૂપિયાના વધારે સાથે તેલનો ડબ્બો ₹3250એ પહોંચ્યો

સિંગતેલના ભાવમાં વધારો

અમદાવાદ: સિંગતેલના ભાવ પાછલા કેટલાક સમયથી સતત વધી રહ્યાં છે. માત્ર 10 દિવસમાં જ સિંગતેલના ડબાના ભાવમાં 30 રૂપિયાનો વધારા સાથે ડબાનો ભાવ 3250 રૂપિયાએ પહોંચી ગયો છે. પાછલા 6 મહિનામાં જ સિંગતેલના ડબાના ભાવમાં લગભગ 20 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે.

સિંગતેલના ભાવમાં ઉછાળા પાછળનું મુખ્ય કારણ મગફળીનો નહિવત સ્ટોક ઉપરાંત વાવેતર વિસ્તારમાં 10 ટકાનો ઘટાડો છે. અનિયમિત વરસાદ તેમજ પાકમાં રોગ લાગુ પડતા જંગી ઘટાડાની દહેશત છે. નવી સિઝન શરૂ ન થાય ત્યાં સુધી સિંગતેલના ભાવમાં ઘટાડો થવાની શક્યતા ઓછી હોવાનું બજારના સૂત્રોનું કહેવું છે. દિવાળી સુધીમાં ડબાનો ભાવ 3400થી 3500 સુધી પહોંચી જવાની પણ શક્યતા છે. રાજ્યમાં દર વર્ષે મગફળીનો પાક 28 લાખ ટન આસપાસ હોય છે પણ આ વર્ષે તેમાં 30 ટકાનો ઘટાડો થઈ શકે છે.

હાલમાં સિંગદાણાનો જૂનો સ્ટોક પૂરો થવા આવ્યો છે. તેલ માટે જેટલી જરૂર સિંગદાણાની હોય છે તેટલો જ વપરાશ ચવાણા અને સૂકા નાસ્તામાં થવા લાગ્યો છે. જેના કારણે સિંગદાણાની માંગ વધતા તેલના ભાવમાં વધારો થયો છે.

આ પણ વાંચો-સાવ ગરીબ આદિવાસી પર કોર્ટનો આ અત્યાચાર હાઈકોર્ટને દેખાતો નહીં હોય?