રશિયા હવે યુક્રેન પર ‘ફોસ્ફરસ બોમ્બ’થી હુમલા કરી રહ્યું છે

યુક્રેન-રશિયા યુદ્ધમાં બન્ને દેશો એકબીજા પર ઝડપી હુમલાઓ જ નથી કરી રહ્યા પરંતુ ભારે નુકસાન પણ કરી રહ્યા છે. યુક્રેને દાવો કર્યો છે કે તેણે ક્રિમિયામાં કાળા સમુદ્રમાં તૈનાત રશિયન નૌકાદળના ટોચના કમાન્ડર સહિત 34 નેવી અધિકારીઓને મારી નાખ્યા છે.

જોકે મોસ્કોએ હજુ સુધી આ વાતની પુષ્ટિ કરી નથી પરંતુ જવાબી કાર્યવાહી તેજ કરી છે. પુતિનના સૈનિકોએ યુક્રેનના ઝાપોરિઝિયા પર ફોસ્ફરસ બોમ્બથી હુમલો કર્યો છે, જેમાં ઘણા યુક્રેનિયન સૈનિક માર્યા ગયા છે.

આ ફોસ્ફરસ બોમ્બ એ બિન-ધાતુ પદાર્થ છે, જે મીણ જેવું છે. તે રંગહીન છે પરંતુ કેટલીકવાર તે આછો પીળા રંગનો દેખાય છે, તે ઓક્સિજનના સંપર્કમાં આવતાની સાથે જ સળગવા લાગે છે.

નામ પરથી જ સ્પષ્ટ થાય છે કે ફોસ્ફરસ બોમ્બ ફોસ્ફરસમાંથી જ બનાવવામાં આવ્યો છે. આ માનવજાત માટે અત્યંત જોખમી છે. જ્યાં પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે, તે ક્ષણભરમાં દરેક વસ્તુને રાખમાં ફેરવે છે અને આસપાસના ઓક્સિજનને શોષી લે છે. ઓક્સિજનની અછતને કારણે લોકોને શ્વાસ લેવો મુશ્કેલ બને છે અને લોકો યાતનામાં મૃત્યુ પામે છે.

હવે રશિયા યુક્રેનના ડોનેત્સકમાં હથિયારોના ડેપોને પણ નિશાન બનાવી રહ્યું છે, જેથી તેની યુદ્ધ સામગ્રીનો નાશ થાય અને ઝેલેન્સકીની સેના ઘૂંટળિયે આવી જાય. યુક્રેને નાટો દેશો પાસેથી મળેલી સૈન્ય સામગ્રીને ડોનેત્સકના આર્મ્સ ડેપોમાં રાખી છે. છેલ્લા 48 કલાકમાં રશિયાએ યુક્રેનના ત્રણ સ્થળોએ સૌથી વધુ તબાહી મચાવી છે, જેમાં ઝાપોરિઝિયા, બખ્મુત અને ખેરસનનો સમાવેશ થાય છે.