ફોજદારી તપાસના નબળા ધોરણોને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે “તપાસ કોડ” લાવવાની કરી ભલામણ

સુપ્રીમ કોર્ટે "તપાસ કોડ" લાવવાની કરી ભલામણ

નવી દિલ્હી: પોલીસ તપાસના ઘટતા ધોરણો અને ફોજદારી કેસોમાં દોષિત ઠેરવવાના નીચા દરથી નિરાશ સુપ્રીમ કોર્ટે દોષિતો મુક્ત ન થઈ જાય તે સુનિશ્ચિત કરવા માટે ‘તપાસ કોડ’ લાવવાની ભલામણ કરી છે.

હિન્દુસ્તાન ટાઈમ્સ અનુસાર, ન્યાયમૂર્તિ સંજય કિશન કૌલ, ન્યાયમૂર્તિ જે.બી. પારડીવાલા અને ન્યાયમૂર્તિ સંજય કુમારની બેન્ચે કહ્યું, ‘અમે પોલીસ તપાસના નિરાશાજનક સ્તરને ઊંડી ચિંતા સાથે જોઇ શકીએ છીએ, જેમાં પરિવર્તન કરી શકાય તેવું લાગે છે.  હવે સમય આવી ગયો છે. પોલીસ માટે ફરજિયાત અને વિગતવાર પ્રક્રિયા સાથે સાતત્યપૂર્ણ અને વિશ્વસનીય તપાસ કોડ તૈયાર કરવામાં આવે, જેનો તેઓ તેમની તપાસ દરમિયાન અમલ કરી શકે અને તેનું પાલન કરી શકે, જેથી ગુનેગારો ટેકનિકલ આધારો પર મુક્ત ન થાય, જેમ કે દેશના મોટાભાગના કેસોમાં થાય છે.

ફોજદારી ન્યાય પ્રણાલીમાં સુધારા અંગે જસ્ટિસ વી.એસ. મલિમથની આગેવાની હેઠળની સમિતિના 2003ના અહેવાલમાં ઉભી થયેલી ચિંતાઓને ટાંકીને સર્વોચ્ચ અદાલતે જણાવ્યું હતું કે ભારતમાં પોલીસ તપાસનું ધોરણ નબળું રહે છે અને તેમાં સુધારાનો ઘણો અવકાશ છે.

તેવી જ રીતે ભારતના લો કમિશન દ્વારા 2012 ના અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે આપણા દેશમાં દોષિત ઠેરવવાના ઓછા દરના મુખ્ય કારણોમાં પોલીસ દ્વારા બિનકાર્યક્ષમ, અવૈજ્ઞાનિક તપાસ અને પોલીસ અને ફરિયાદી તંત્ર વચ્ચે યોગ્ય સંકલનનો અભાવ શામેલ છે.

આ પણ વાંચો-200 રુપિયા કિલો ટામેટા 2 રુપિયે આવી ગયા, ખેડૂતોએ ખેતરોમાં પાકનો નાશ કરવાનું શરુ કર્યું

ખંડપીઠે કહ્યું, ‘આ દુઃખદ તથ્યોને સમય વીતવા છતાં અમે એ કહેતા નિરાશા થઇ રહી છે કે તે આજે પણ સાચા છે.’

આ રીતે બેન્ચે હત્યાના કેસમાં ત્રણ લોકોને શંકાનો લાભ આપીને નિર્દોષ છોડી મૂક્યા હતા. આમાંથી બે લોકોને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી, જ્યારે ત્રીજા પર ખંડણી માટે હત્યાનો આરોપ હતો અને તેને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. આ ઘટના 2013માં મધ્ય પ્રદેશમાં બની હતી. તેમનું પ્રતિનિધિત્વ વરિષ્ઠ વકીલ સિદ્ધાર્થ લુથરા દ્વારા કરવામાં આવ્યું હતું.

કોર્ટે આ કેસમાં પોલીસ તપાસને બેદરકારી ગણાવીને અનેક સવાલો ઉઠાવ્યા હતા અને કહ્યું હતું કે ફરિયાદ પક્ષનો કેસ સંજોગોવશાત્ પુરાવા પર આધારિત હતો, જેમાં ગંભીર ખામીઓ અને વિસંગતતાઓ હતી. કોર્ટે પોલીસ તપાસને પ્રક્રિયાગત ખામીઓથી ભરેલી ગણાવી હતી.

ખંડપીઠે ગૌણ અદાલતોના આદેશો રદ કર્યા.

15 વર્ષના છોકરાની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી અને તેની સાથે અને તેના પરિવાર સાથે થયેલા અન્યાય માટે અન્યાય કરનારાઓને જરૂરી સજા મળવી જોઈતી હતી તે અંગે ખેદ વ્યક્ત કરતાં ખંડપીઠે કહ્યું હતું કે પોલીસની ખોટી તપાસને કારણે તેની પાસે અપીલકર્તાઓને શંકાનો લાભ આપવા સિવાયનો અન્ય કોઈ વિકલ્પ બચ્યો નથી.

આ પણ વાંચો-સિંગતેલના ભાવમાં વધારો યથાવત; 30 રૂપિયાના વધારે સાથે તેલનો ડબ્બો ₹3250એ પહોંચ્યો

2021ના ગુનાઓ પર નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો દ્વારા બહાર પાડવામાં આવેલા તાજેતરના ડેટા અનુસાર, આ વર્ષે હત્યાના કેસોમાં દોષિત ઠરવાનો દર માત્ર 42.4 ટકા હતો. આનો અર્થ એ થયો કે આવા 57 ટકાથી વધુ કેસોમાં કાં તો ફરિયાદી પક્ષ આરોપીના અપરાધને સાબિત કરવા માટે પૂરતા પુરાવા કોર્ટમાં રજૂ કરી શક્યું નથી અથવા ખોટા લોકોની ધરપકડ કરવામાં આવી છે.