દલિતોને ન્યાયના બદલે અન્યાય કરવા કોર્ટ કઈ હદે જાય છે?

ભારતીય ન્યાયતંત્ર- રમેશ સવાણી

રમેશ સવાણી; (નિવૃત IPS અધીકારી) [પાર્ટ-1]: સમાજમાં દલિતો પ્રત્યે સૂગ/ નફરત/ ધૃણા જોવા મળે છે. ધર્મગુરુઓમાં આ પ્રમાણ વધુ જોવા મળે છે. કોઈ દલિતનો આર્થિક વિકાસ થયો હોય તો તે સામંતશાહી માનસિકતાને ગમતું નથી અને તેથી દલિતોની હત્યા પણ થાય છે. જ્યારે સરકારી તંત્રોમાં બેઠેલા અધિકારીઓ/ જજ વગેરે આવી ધૃણા રાખે ત્યારે દલિતોને ન્યાય મળવાને બદલે તેમની સાથે અન્મુયાય થાય છે !

એક ઉદાહરણ લઈએ. 19 જાન્યુઆરી 2019ના રોજ રાત્રિના 9 વાગ્યે, એડવોકેટ કમલેશભાઈ નાનજીભાઈ વધેરા, તેમના મિત્ર જીતુભાઈ વાળા સાથે બ્રેડ લેવા જતા હતા ત્યારે જૂનાગઢના કાળવા ચોકમાં લઘરવઘર લાગતો એક માણસ સીડી ઉપર ચડી, ડો. આંબેડકરજીના સ્ટેચ્યૂના ચશ્માને અડીને હરકત કરતો હતો અને બાજુમાં લગાડેલ શૌર્ય દિવસનું બેનર ફાડી સ્ટેચ્યૂના મોં પર ઢાંકતો હતો. સ્ટેચ્યૂને ખંડિત કરશે તેવું લાગતા કમલેશભાઈએ પોલીસને ફોન કર્યો.

જીતુભાઈએ સીડી પર જઈ તે માણસને નીચે ઉતાર્યો. આ બનાવને બીજા પાંચ માણસોએ જોયેલ. પોલીસ આવી અને લઘરવઘર માણસને પકડેલ. તેનું નામ વિજય ગોંધીયા ગુરુ શૈલેન્દ્રનાથ અઘોરી હતું. તે રખડુ બાવો હતો. જૂનાગઢ એ ડિવિઝન પોલીસે તેમની વિરુધ્ધ IPC કલમ-295 તથા એટ્રોસિટી એક્ટ કલમ-3(1)(u) હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી અને તપાસના અંતે ચાર્જશીટ કરેલ. કોર્ટે 13 સાહેદો અને 11 દસ્તાવેજી પુરાવા તપાસ્યા. મોટા ભાગના સાહેદોએ ફરિયાદનું સમર્થન કર્યું. જૂનાગઢના ત્રીજા એડિશ્નલ સેશન્સ જજ ટી. ડી. પડીઆએ (એટ્રોસિટી સેશન્સ કેસ નંબર- 5/2019) 16 માર્ચ 2021ના રોજ ચૂકાદો આપ્યો કે “ડો. આંબેડકર ધાર્મિક નેતા ન હતા. તેમણે કોઈ ધર્મની સ્થાપના કરી ન હતી. તેથી IPC કલમ- 295 મુજબ ફરિયાદીની ધાર્મિક લાગણી દુભાઈ છે તેમ કહી શકાય નહીં.

આ સ્ટેચ્યૂ ધાર્મિક સ્થળની વ્યાખ્યામાં ન આવે. વળી સ્ટેચ્યૂને કે તેની આસપાસ કોઈ ભાંગફોડ થઈ નથી/ નુકસાન થયેલ નથી, તેમ ફરિયાદી તથા સાહેદો કહે છે. આરોપી બેનરથી સ્ટેચ્યૂનું મોં ઢાંકતો હતો, ચશ્માને અડતો હતો. પરંતુ નુકસાન કરેલ નથી. ફરિયાદીએ વીડિયોગ્રાફી કરેલ તે તેણે પોલીસ સમક્ષ રજૂ કરેલ નથી, તે બેદરકારી કહેવાય. એટ્રોસિટી એક્ટ કલમ-3(1)(u) મુજબ આરોપી બાબા સાહેબના ચશ્માને અડતો હતો, સ્ટેચ્યૂને બેનર વિંટાળતો હતો તેથી નફરતની ભાવના પેદા થાય તેવું કૃત્ય કરતો હતો તેમ કહી શકાય નહીં. ફરિયાદી કાયદાના જાણકાર છે, વકીલાત કરે છે. પરંતુ પોતાની સંકુચિત માનસિકતા દર્શાવી ડો. બાબા સાહેબ માત્ર દલિત સમાજના હોય તેવું વર્તન દાખવેલ છે, તેમ કહી શકાય. વળી ફરિયાદી તથા તેમના પૂર્વ પરિચિત ઈસમો સિવાય ફરિયાદ પક્ષની હકીકતને સમર્થન આપેલ નથી.

તપાસ અધિકારીએ સહેલાઈથી મળી શકતા CCTV ફૂટેજ મેળવ્યા વિના ચાર્જશીટ કરી દીધેલ છે. આરોપી વિરુધ્ધ તહોમતના તત્વો જાહેર થતાં નથી. ફરિયાદી દ્વારા લીગલ ટેરરિઝમ ઉત્પન્ન કરવા સમાન ફરિયાદ છે. ફરિયાદીને આ ફરિયાદ નોંધાવતા સમાજ કલ્યાણ ખાતા તરફથી વળતર અપાયેલ હોય તો તે યોગ્ય ગણી શકાય નહીં. જેથી આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મૂકવાનો હુકમ કરવામાં આવે છે. હાલની ફરિયાદ એટ્રોસિટી એક્ટના દુરુપયોગ સમાન છે. તેથી CrPC કલમ-357 મુજબ કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકારની કોઈ પણ સ્કીમ અન્વયે ફરિયાદી કે સાહેદોને વળતર ચૂકવવાપાત્ર થતું નથી, તેમ ઠરાવવામાં આવે છે. જો કોઈ વળતર ચૂકવાયેલ હોય તો DLSA જૂનાગઢ/ સમાજ કલ્યાણ અધિકારી/જિલ્લા પછાત વર્ગ કલ્યાણ અધિકારી જૂનાગઢે રેવન્યૂ રાહે પરત વસૂલ લેવા હુકમ કરવામાં આવે છે; અને આ હુકમનું પાલન કરી દિવસ-30માં આ કોર્ટને રીપોર્ટ કરવો.”

થોડાં પ્રશ્નો :

[1] ડો. આંબેડકર ધાર્મિક નેતા ન હતા પરંતુ ભારતરત્ન હતા. તેમની પ્રતિમાને કોઈ સીડી પર ચડી બેનરથી ઢાંકે કે તેના ચશ્માને અડે તો એટ્રોસિટી એક્ટ કલમ- 3(1)(u) હેઠળ ગુનો ન બને. IPC કલમ- 295 હેઠળ ગુનો ન બને; તેવા કોર્ટના તારણ સાથે સહમત થઈએ તોપણ આ ફરિયાદ જોતા એટ્રોસિટી એક્ટ કલમ-3(1)(v) હેઠળ ગુનો બને છે. કલમ- 3(1)(v) કહે છે : “by words either written or spoken or by any other means disrespects any late person held in high esteem by members of the Scheduled Castes or the Scheduled Tribes… shall be punishable with imprisonment for a term which shall not be less than six months but which may extend to five years and with fine-અનુસૂચિત જાતિ અથવા અનુસૂચિત જનજાતિના સભ્યો કોઈ પણ સ્વર્ગસ્થ વ્યક્તિને ઉચ્ચ આદર કરતાં હોય, તેમનું કોઈ વ્યક્તિ, લેખિત/મૌખિક કે અન્ય કોઈપણ રીતે અનાદર કરે; તો તેને ઓછામાં ઓછી 6 માસની અને 5 વરસ સુધીની કેદ અને દંડ થશે.” શું જજ સાહેબે/ સરકારી વકીલે કલમ- 3(1)(v) વાંચી હશે ખરી?

[2] જજને પોતાને કાયદાનું જ્ઞાન નથી અને ફરિયાદી ‘લીગલ ટેરરિઝમ’ માટે ફરિયાદ કરે છે તેવી ચૂકાદામાં અયોગ્ય ટીકા કરે તે ઉચિત છે?

[3] ‘ફરિયાદીના પૂર્વ પરિચિત સાહેદો’ કહે એટલે એમની સાહેદી નહીં માનવાની? શું તપાસ અધિકારીએ ચાર્જશીટ કરેલ છે તે ખોટા?

[4] ‘તપાસ અધિકારીએ સહેલાઈથી મળી શકતા CCTV ફૂટેજ મેળવ્યા વિના ચાર્જશીટ કરી દીધેલ હોય’ તો એનો ડામ ફરિયાદીને દેવાનો?

[5] ફરિયાદી દલિત છે એ કારણથી જ જજને વાંધો છે, તેમ માનવાને કારણ રહે છે. શામાટે તપાસમાં ખામી રાખનાર સામે કાર્યવાહી કરવા પોતાના ચૂકાદામાં ટિપ્પણી ન કરી?

[6] આવા ભયંકર અન્યાયભર્યા ચૂકાદા સામે અપીલ કરવાની કાર્યવાહી સરકારી વકીલે કેમ ન કરી? ડાયરેક્ટર ઓફ પ્રોસીક્યુશને કેમ કોઈ કાર્યવાહી ન કરી?

[7] કેસ સાબિત ન થાય તે અલગ મુદ્દો છે; પરંતુ આ કેસમાં ફરિયાદી ખોટા છે, એવું તારણ કઈ રીતે કાઢી શકાય?

[8] ફરિયાદી/ સાહેદોને સરકાર તરફથી મળેલ વળતર, રેવન્યૂ રાહે પરત મેળવવા જજ સાહેબે હુકમ કરેલ છે; પરંતુ ફરિયાદીએ આવું વળતર મેળવેલ છે કેમ? કેટલું મેળવેલ છે? તેની કોઈ સ્પષ્ટતા ચૂકાદામાં કરી નથી ! જજ દલિત વિરોધી માનસિકતા ધરાવે છે, તેનો આ પુરાવો નથી? જજ ટી. ડી. પડીઆએ આ કેસ ઉપરાંત જૂનાગઢ સેશન્સ કેસ નંબર- 7/2018 તથા જૂનાગઢ સેશન્સ કેસ નંબર- 23/2019 તથા તાપી સેશન્સ કેસ નંબર-1/2021 તથા તાપી સેશન્સ કેસ નંબર-1/2022 વગેરે કેસમાં વળતર પરત વસૂલ કરાવા ચૂકાદાઓ આપ્યા છે !

[9] એટ્રોસિટી એક્ટમાં વળતર પરત લેવાની જોગવાઈ નથી, છતાં વળતર પરત લેવાનો ચૂકાદો ઉચિત છે? વિક્ટિમ કે તેમના પરિવારજનો કોર્ટમાં ફરી જાય તો વળતર પરત લેવાનો કોર્ટ હુકમ કરે તો ઉચિત કહી શકાય; પરંતુ આ કેસમાં ફરિયાદી કોર્ટ સમક્ષ પોતાની ફરિયાદને વળગી રહેલ હતા; છતાં ફરિયાદીને ખોટા માનવાનું કારણ શું?

[10] ફરિયાદીની સંકુચિત માનસિકતા છે કે જજની?

[11] જજ ટી. ડી. પડીઆ, હાઈકોર્ટના હુકમને પણ ગાંઠતા નથી. હાઈકોર્ટે, સહાયની રીકવરી સામે ઓક્ટોબર 2022માં સ્ટે આપેલ હોવા છતાં તેમણે તાપી એટ્રોસિટી કેસ નંબર-1/2022માં 2 ઓગસ્ટ 2023ના રોજ સહાયની રકમ પરત વસૂલ કરવા હુકમ કરેલ છે ! તથા તાપી એટ્રોસિટી કેસ નંબર-1/2021માં 13 એપ્રિલ 2023ના રોજ સહાયની રકમ પરત વસૂલ કરવા હુકમ કરેલ છે ! શું ગુજરાત હાઈકોર્ટને આ દેખાતું નહીં હોય?

[સૌજન્ય : પૂર્વ જજ અને એડવોકેટ કે. બી. રાઠોડ]