ટીમ ઇન્ડિયાના આવ્યાના એક દિવસ પછી રાજકોટમાં થઇ વિરાટની એન્ટ્રી

વિરાટ કોહલીની રાજકોટમાં એન્ટ્રી

રાજકોટ: આગામી 27મી તારીખના રોજ રાજકોટના ખંઢેરી સ્ટેડિયમ ખાતે ટીમ ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ વન-ડે મેચની શ્રેણીની અંતિમ મેચ રમાશે. તેથી બંને ટીમનું રાજકોટ ખાતે આગમન થઈ ચૂક્યું છે. જોકે, વિરાટ કોહલી એક દિવસ બાદ રાજકોટ પહોંચ્યો છે. ગઈકાલે ટીમ ઇન્ડિયા આવી પહોંચી હતી પરંતુ વિરાટ કોહલી પહેલી બે મેચમાં ન હોવાથી આજે ટીમ સાથે જોડાયો છે. જ્યારે સયાજી હોટલ ખાતે વિરાટનું સ્વાગત કરાયું હતું.

કાલાવાડ રોડ પર આવેલી સયાજી હોટેલમાં ટીમ ઈન્ડિયા રોકાણ કરશે ત્યારે હોટેલમાં ક્રિકેટર્સ માટે વિશેષ તૈયારીઓ કરાઈ છે. વિરાટ કોહલી માટે ખાસ રજવાડી થીમ પર રૂમ તૈયાર કરવામાં આવ્યો છે. વિરાટ કોહલી, રોહિત શર્મા અને હાર્દિક પંડ્યા જેવા સ્ટાર્સને ખાસ પ્રેસિડેન્શિયલ સ્યુટ અપાશે. ખાસ કાઠિયાવાડી હેરિટેજ થીમવાળા રૂમમાં ક્રિકેટર્સ રોકાણ કરશે. ટીમ ઈન્ડિયાને ગુજરાતી અને કાઠિયાવાડી ભોજન પીરસવામાં આવશે.

રાજકોટથી 31 કિલોમીટર દૂર આવેલા હિરાસર એરપોર્ટ ખાતે બંને ટીમ વિમાન દ્વારા એરપોર્ટ ખાતે આવી પહોંચી હતી. ત્યાર બાદ બંને ટીમને બસ મારફતે તેમની હોટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, આજે બંને ટીમ ખંઢેરી સ્ટેડિયમ ખાતે નેટ પ્રેક્ટિસ કરશે. તેમજ નેટ પ્રેક્ટિસ પૂર્ણ થયા બાદ બંને ટીમ દ્વારા પ્રેસ કોન્ફરન્સ પણ યોજવામાં આવશે. વર્લ્ડ કપ પૂર્વે બંને ટીમ માટે છેલ્લી મેચ અતિ મહત્વનો સાબિત થવાની છે. ત્રણ મેચની શ્રેણીમાં ભારત 2-0થી હાલ આગળ છે. ત્યારે અંતિમ મેચ પણ ભારત જીતીને ઓસ્ટ્રેલિયાને વ્હાઇટ વોશ કરીને પોતાને વર્લ્ડકપ માટે માનસિક રીતે તૈયાર કરશે.

આ પણ વાંચો-ભારતીય મહિલા ટીમે શ્રીલંકાને માત આપીને એશિયન ગેમ્સમાં જીત્યો ગોલ્ડ મેડલ

વર્લ્ડકપ પહેલાની છેલ્લી મેચ ટીમ ઇન્ડિયા રાજકોટમાં રમશે. ટીમ ઈન્ડિયા રાજકોટના કાલાવડ રોડ પર આવેલી સયાજી હોટેલમાં રોકાણ કરશે. જ્યારે વિરાટ કોહલી માટે ખાસ રજવાડી લુકનો રૂમ તૈયાર કરાયો છે.