ભૂલકણા રોહિતનો મોબાઈલ ચોરાયો? રાજકોટમાં ચારેકોર ચર્ચા

રોહિત શર્મા- ટીમ ઇન્ડિયા

રાજકોટઃ ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માનો મોબાઈલ ચોરાયો હોવાની ચર્ચા હાલ રાજકોટ શહેરમાં ચારેકોર પ્રસરી રહી છે. મંગળવારના રોજ ટીમ ઈન્ડિયા દ્વારા સાંજના પાંચ વાગ્યાથી લઈ રાતના આઠ વાગ્યા સુધી રાજકોટ ગ્રામ્ય પોલીસ વિસ્તારમાં આવતા ખંઢેરી સ્ટેડિયમ ખાતે નેટ પ્રેક્ટિસ કરવા માટે આવી હતી.

નેટ પ્રેક્ટિસ શરૂ કરતાં પહેલા ટીમ ઇન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા દ્વારા પ્રેસ કોન્ફરન્સ પણ યોજવામાં આવી હતી. ત્યારે પ્રેસ કોન્ફરન્સ પૂર્ણ થયા બાદ અથવા તો નેટ પ્રેક્ટિસ પૂર્ણ થયા બાદ રોહિત શર્માનો મોબાઈલ ચોરાયો હોવાની ચર્ચા વાયુવેગે પ્રસરી રહી છે.

ઉલ્લેખનિય છે કે, રોહિત શર્માનો સ્વભાવ ભૂલકણો છે. તે જ્યાં પણ ટીમ ઇન્ડિયા સાથે પ્રવાસે જાય છે ત્યાં તેની એકાદ વસ્તુ તો ભૂલીને જ આવે છે. અનેક વખત રોહિત પોતાનો પાર્સપોર્ટ સુધી પણ ભૂલી ગયેલો છે. તેવામાં તે અસુરક્ષિત જગ્યાએ મોબાઈલ મુકીને ભૂલી ગયો હોઇ શકે છે અને ત્યાંથી મોબાઈલની ચોરી થઇ પણ હોઇ શકે છે. જોકે, આ બાબતે કોઈ જ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી.

સમગ્ર મામલે પડધરી પોલીસ સ્ટેશનના પીએસઆઈ જીજે ઝાલા સાથે ટેલિફોનિક વાતચીત કરતા તેઓને તમામે કોઈપણ જાતની સત્તાવાર રીતે ફરિયાદ ન મળી હોવાનું જણાવ્યું છે. તેમજ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના મીડિયા મેનેજર હિમાંશુ શાહે મોબાઈલ ચોરાયો હોવાની બાબત પોતાના ધ્યાને ન આવી હોવાનું જણાવ્યું છે.

આ પણ વાંચો-ભાજપે રણનીતિ બદલીઃ ચૂંટણી રાજ્યોમાં CM ફેસની જાહેરાત નહીં કરે, સામૂહિક નેતૃત્વ પર દાવ લગાવાશે

તો બીજી તરફ સૂત્રોના જણાવ્યા અનુસાર રોહિત શર્મા દ્વારા પોતાનો મોબાઈલ ગુમ થયો હોવાની જાણ કરવામાં આવતા સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના હોદ્દેદારો તેમજ કર્મચારીઓ અને રાજકોટ ગ્રામ્ય પોલીસના અધિકારીઓ તેમજ જવાનો દ્વારા મોડી રાત સુધી મોબાઈલ બાબતે તપાસ ચલાવવામાં આવી હતી. પરંતુ રોહિત શર્માનો મોબાઈલ મળ્યો ન હોવાનું સૂત્રો દ્વારા જણાવવામાં આવ્યું છે.