ભારતીય જનતા પાર્ટી (BJP)ના સાંસદ મેનકા ગાંધીનો એક વિડિયો સોશિયલ મિડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ ઈન્ટરનેશનલ સોસાયટી ફોર કૃષ્ણા ચેતના (ISKCON) પર કસાઈઓને ગાય વેચવાનો ગંભીર આરોપ લગાવ્યો છે.
ઈસ્કોનને દેશની સૌથી મોટી છેતરપિંડી કરનાર સંગઠન ગણાવીને મેનકા ગાંધીએ તેમના પર ગૌશાળામાંથી કસાઈઓને ગાયો વેચવાના ગંભીર આરોપ મૂક્યા છે.
સોશિયલ મિડિયા પર વાયરલ થઈ રહેલા આ વિડિયોમાં પૂર્વ કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, ઈસ્કોન ગાયના આશ્રયસ્થાનોની સ્થાપના કરે છે અને તેના માટે સરકાર પાસેથી જમીનનો મોટો ટુકડો લે છે અને અમર્યાદિત નફો પણ કમાય છે.
તેઓ જણાવે છે કે, મેં તાજેતરમાં તેમની (ઈસ્કોન) અનંતપુર ગૌશાળા (આંધ્રપ્રદેશ)ની મુલાકાત લીધી હતી. એક પણ ગાય સારી હાલતમાં ન હતી. ગૌશાળામાં વાછરડા નહોતા એટલે કે બધા વેચાઈ ગયા. ઈસ્કોન તેની તમામ ગાયો કસાઈઓને વેચી રહી છે. તેમના કરતા આ પ્રકારનું કામ બીજું કોઈ કરતું નથી. આ એ જ લોકો છે જેઓ હરે રામ હરે કૃષ્ણના નારા લગાવતા શેરીઓમાં ફરે છે અને કહે છે કે તેમનું આખું જીવન દૂધ પર નિર્ભર છે.
જોકે ઈસ્કોને મેનકા ગાંધીના આરોપોને ખોટા અને પાયાવિહોણા ગણાવીને ફગાવી દીધા છે. સંગઠન તરફથી કહેવામાં આવ્યું છે કે તેઓ પૂર્વ કેન્દ્રીય મંત્રીના નિવેદનથી આશ્ચર્યચકિત છે. ઈસ્કોનના રાષ્ટ્રીય પ્રવકતા યુધિષ્ઠિર ગોવિંદા દાસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ઈસ્કોને વિશ્વના ઘણા ભાગોમાં ગાય સંરક્ષણમાં આગેવાની લીધી છે. ખાસ કરીને એવા વિસ્તારોમાં જ્યાં ગૌમાંસ એ લોકોનો મુખ્ય આહાર છે.
હાલમાં ઈસ્કોનના ગૌશાળામાં રહેલી મોટાભાગની ગાયોને ત્યજી દેવાયેલી અથવા ઈજાગ્રસ્ત થયા બાદ લાવવામાં આવી છે. આથી ગૌશાળાની ગાયોની હાલત આવી છે.