વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે. તેઓ આજે અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટના 20 વર્ષ પૂરાં થવાના પ્રસંગે આયોજિત કાર્યક્રમમાં હાજરી આપશે.
વડાપ્રધાન સવારે 10 વાગે કાર્યક્રમમાં પહોંચશે. આ કાર્યક્રમમાં ઉદ્યોગ સંગઠનો, વેપાર અને વાણિજ્ય ક્ષેત્રની અગ્રણી હસ્તીઓ, યુવા ઉદ્યોગ સાહસિકો, ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ કોલેજોના વિદ્યાર્થીઓ સહિત અન્ય લોકો ભાગ લેશે.
પીએમ મોદી લગભગ 12.45 વાગે છોટા ઉદેપુરના બોડેલી જશે, જ્યાં તેઓ 5,200 કરોડ રુપિયાથી વધુના પ્રોજેક્ટ્સનું ઉદ્ધાટન અને શિલાન્યાસ કરશે. પીએમ મોદી બુધવારે ગુજરાતના છોટા ઉદેપુરમાં 22 જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં Wi-Fi સુવિધાઓ સહિત રુ. 5206 કરોડના વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ધાટન કરશે, એમ સરકારી નિવેદનમાં જણાવ્યું છે. ગુજરાત સરકારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે પીએમ મોદી મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ હેઠળ અન્ય વિકાસ કાર્યોની સાથે રુ. 4505 કરોડના પ્રોજેક્ટનું ઉદ્ધાટન કરશે.
તમને જણાવી દઈએ કે પ્રથમ વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટ 2003માં તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં યોજાઈ હતી. દેશની પ્રથમ ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટને 20 વર્ષ પૂર્ણ થયા છે. પીએમ મોદીએ એક નિવેદનમાં કહ્યું કે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ શરુ થયાને 20 વર્ષ થઈ ગયા છે. આ બે દાયકામાં ગુજરાતની આ પહેલ અનેક રીતે દેશ માટે માર્ગદર્શક બની રહી છે.
તેઓ કહ્યું કે, આ સમિટે સમગ્ર દેશમાં એક રાષ્ટ્રીય પેટર્ન સ્થાપિત કરી છે જેને ઘણા રાજ્યોએ સફળતાપૂર્વક અનુસરી છે. તેનાથી ભારતીય અર્થતંત્ર વધુ મજબૂત બન્યું છે. હંમેશની જેમ વાઈબ્રન્ટ ગુજરાત સમિટ આત્મનિર્ભર ભારત માટે સમૃદ્ધ ગુજરાતના ઉદ્દેશ્ય સાથે નવી ઊંચાઈઓ હાંસલ કરવા આગળ વધી રહી છે.