શું ગરીબ નાગરિકોએ, જજ, સરકારી વકીલ, IPS અધિકારીનો ત્રાસ-અન્યાય જ સહન કરવાનો?

રમેશ સવાણીની કલમે

રમેશ સવાણી; નિવૃત IPS અધીકારી [પાર્ટ-3]: આપણી કોર્ટના જજ / સરકારી વકીલ તથા IPS અધિકારી પોતાની ફરજમાં કઈ હદની વેઠ કાઢે છે અને તેના કારણે સમાજના છેવાડાની એક બાળકીને કેટલો અન્યાય થયો; તેનો ચોંકાવનારો કિસ્સો ધ્યાન પર આવ્યો છે. જજ છે ડીસાની સ્પેશિયલ એટ્રોસિટી કોર્ટના ચિરાગ કિશોર મુન્શી અને IPS અધિકારી છે ચૈતન્ય રવીન્દ્ર માંડલિક !

બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના રાણકપુર ગામની 8માં ધોરણમાં ભણતી વાલ્મિકી સમાજની એક બાળા 14 જાન્યુઆરી 2014ના રોજ બપોરના 14.30 વાગ્યે, ગામની સીમમાં કુદરતી હાજતે ગયેલ ત્યારે ગામનો 22 વરસની ઉંમરના મહિપતસિંહ વાઘેલાએ બાળાનો હાથ પકડી કહેલ કે ‘ચાલ મારી સાથે, તારી ઈજ્જત લૂંટવી છે.’ મહિપતસિંહે બાળાને છાતીના ભાગે પકડી અને બાળાએ પહેરેલ ફ્રોક ફાડી નાખેલ. બાળાને ગડદાપાટુનો માર મારેલ. તેથી બાળાને ઈજા થયેલ.

બાળા સાથે તેની માતા ગીતાબેન, દાદી ચંપાબેન, કાકી કમુબેન, કાકાની છોકરી જેણીબેન હતા તેમણે બાળાને છોડાવેલ. મહિપતસિંહે બાળાને જાતિ અંગે અપમાનિત કરી, જાનથી મારી નાખવાની ધમકી આપેલ. આ બાબતે બાળાની ફરિયાદ થરા પોલીસ સ્ટેશનમાં IPC કલમ-354, 323, 427, 504, 506(2) તથા એટ્રોસિટી એક્ટ કલમ-3(1)(10) હેઠળ નોંધવામાં આવી. આ કેસની તપાસ નાયબ પોલીસ અધિક્ષક ચૈતન્ય રવીન્દ્ર માંડલિકે કરી ચાર્જશીટ કરેલ. સરકારી વકીલ હતા ડી. કે. પુરોહિત.

ડીસા સ્પેશિયલ એટ્રોસિટી કેસ નંબર- 100/2014માં જજ ચિરાગ કિશોર મુન્શીએ 28 ફેબ્રુઆરી 2019ના રોજ ચૂકાદો આપ્યો કે “બધી મહિલાઓની હાજરીમાં સ્ત્રીની મર્યાદાનો લોપ થાય તે માટે આરોપીએ કોઈ કારણ વગર અચાનક આવું કૃત્ય આચરેલ હોય તેવું પુરાવાઓ જોતા સહજતાથી માની શકાય તેમ નથી. ઘટનામાં સત્યનો રણકો જણાતો નથી. બનાવ ચોક્કસ કેટલાં વાગ્યે બનેલ તેમાં વિરોધાભાસ છે.

સ્વતંત્ર સાહેદ સરતાનસિંહ દીલુભા ફરી ગયેલ છે. સાહેદો હિત ધરાવતા છે. તેના આધારે આરોપીને દોષિત ઠરાવવાના તારણ પર આવી શકાય નહીં. બનાવ વખતે ઘણા માણસો ભેગા થઈ ગયેલ પરંતુ તપાસ અધિકારીએ આવા સાહેદોના નિવેદનો નોંધેલ નથી. ભોગ બનનારને સારવાર આપનાર ડોક્ટર કહે છે કે ‘ભોગ બનનારે ગડદાપાટુનો માર મારેલ છે તેમ લખાવેલ. ભોગ બનનારના ગળા પર 3 સેન્ટિ મીટર લાંબો ઉઝરડો હતો.’ પરંતુ ગડદાપાટુનો માર મારવામાં આવે તો ગરદનના ભાગે ઈજા થાય તેવી રીતે મારવામાં આવે નહીં.

આમ કુદરતી હાજતે કે બળતણ વીણવા ગામની સીમમાં ગયેલ હોય તે વખતે કાંટાવાળી ઝાડીમાંથી પસાર થાય ત્યારે ગરદનના ભાગે ઘસાય તો આવી ઈજા શક્ય છે. આવી ઈજાને આ ઘટના સાથે સાંકળી લેવાનો પ્રયત્ન થયો હોય. આ બનાવ ગામની સીમમાં કુદરતી હાજતે જતાં બનેલ છે. સરકાર દ્વારા શૌચાલની વ્યવસ્થા થઈ છે. ભોગ બનનારના પિતા કડિયાકામ કરે છે. તેઓ શૌચાલય બનાવવાની સરકારી યોજનાનો લાભ લીધા વગર રહ્યા હોય તેમ માની શકાય નહીં. જો ફરિયાદીના ઘેર શૌચાલય હોય તો ગામની સીમમાં કુદરતી હાજતે જવું ન પડે. ફરિયાદીના ઘેર શૌચાલય હતું કે નહીં તે માટે તપાસ અધિકારીએ ફરિયાદીના ઘરનું પંચનામું કરેલ નથી. તપાસમાં ખામી છે, બેદરકારી છે. તપાસ અધિકારીએ ભોગ બનનારની શરીરસ્થિતિનું પંચનામું કરેલ નથી. ફાડી નાખેલ ફ્રોક પણ તપાસના કામે કબજે કરેલ નથી.

પોલીસ તપાસ શંકાસ્પદ છે. ગુનો બનેલ છે કે કેમ, તે સાબિત કરવામાં ફરિયાદ પક્ષ નિષ્ફળ ગયેલ છે. સાબિતીનો બોજો ફરિયાદપક્ષ પર છે. આમ ગુનો બનતો ન હોવા છતાં માત્ર સરકારી સહાય/વળતર મેળવવા ખોટો કેસ કરેલ છે તેમ ફલિત થાય છે. આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મૂકવા હુકમ કરવામાં આવે છે. ફરિયાદીને આર્થિક સહાય ચૂકવેલ હોય તે કોઈ પણ રાહે પરત વસૂલ કરવા હુકમ કરવામાં આવે છે. અને નાયબ નિયામક, અનુસૂચિત જાતિ કલ્યાણ, પાલનપુર/ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી, પાલનપુરે 15 એપ્રિલ 2019 સુધીમાં અમલ કરી આ કોર્ટને રીપોર્ટ કરવો.”

થોડાં પ્રશ્નો :

[1] ઘટના બની ત્યારે ભોગ બનનાર બાળા 8 માં ધોરણમાં ભણતી હતી. તેની ઉંમર 15 વરસથી વધુ ન હોય. Protection of Children from Sexual Offences Act, 2012નો અમલ 19 જૂન 2012થી શરુ થયેલ છે. આ ગુનો 14 જાન્યુઆરી 2014ના રોજ બન્યો હતો. આ કાયદા મુજબ આરોપીએ ભોગબનનાર બાળાની જાતીય સતામણી કરી હતી. શામાટે POCSO એક્ટની કલમ હેઠળ ગુનો નોંધવામાં ન આવ્યો? શામાટે તપાસ અધિકારીએ/ સરકારી વકીલે POCSO એક્ટની કલમનો ઉમેરો કરાવેલ નહીં? શામાટે જજે POCSO એક્ટની કલમ હેઠળ ચાર્જ ફ્રેમ ન કર્યો? શામાટે ભોગબનનાર બાળાનું નિવેદન મેજિસ્ટ્રેટ સમક્ષ લેવામાં ન આવ્યું? તપાસ કરનાર IPS અધિકારી/ સરકારી વકીલ/ જજે આ કેસમાં વેઠ કાઢી નથી? જજ/ સરકારી વકીલ/ IPS અધિકારી વેઠ કાઢે છે, તેનો ભોગ વાલ્મિકી સમાજની સગીર બાળાએ ભોગવવાની?

[2] જજ કહે છે : ‘ગડદાપાટુનો માર મારવામાં આવે તો ગરદનના ભાગે ઈજા થાય તેવી રીતે મારવામાં આવે નહીં. આમ કુદરતી હાજતે કે બળતણ વીણવા ગામની સીમમાં ગયેલ હોય તે વખતે કાંટાવાળી ઝાડીમાંથી પસાર થાય ત્યારે ગરદનના ભાગે ઘસાય તો આવી ઈજા શક્ય છે…સરકાર દ્વારા શૌચાલની વ્યવસ્થા થઈ છે. ભોગ બનનારના પિતા કડિયાકામ કરે છે. તેઓ શૌચાલય બનાવવાની સરકારી યોજનાનો લાભ લીધા વગર રહ્યા હોય તેમ માની શકાય નહીં. ફરિયાદીના ઘેર શૌચાલય હતું કે નહીં તે માટે તપાસ અધિકારીએ ફરિયાદીના ઘરનું પંચનામું કરેલ નથી.” આ કેવી પૂર્વગ્રહિત માનસિકતા? આ કેવું બિનતાર્કિક ઓબઝર્વેશ? આવી વાહિયાત દલીલો કરનાર જજ તરીકે ફરજ બજાવી શકે?

[3] કેસ નિશંકપણે સાબિત થતો નથી તેમ જજ ઠરાવી શકે; પરંતુ તેથી કેસ ખોટો છે તેવું મનસ્વી અર્થઘટન જજ કઈ રીતે કરી શકે? તપાસ અધિકારી તપાસ બરાબર ન કરે તેથી ફરિયાદીને ખોટા માનવાના? સહાય મેળવવાના હેતુથી ફરિયાદીએ ખોટો ગુનો દાખલ કરાવેલ છે, એવું મનસ્વી તારણ કાઢી જજ, સહાય/વળતરની રકમ રીકવર કરવાનો હુકમ કઈ રીતે કરી શકે? ફરિયાદી કોર્ટ સમક્ષ પોતાની ફરિયાદને વળગી રહેલ હતા; છતાં ફરિયાદીને ખોટા માનવાનું કારણ શું? જજ વાલ્મિકી સમાજના ફરિયાદી વિરુધ્ધ ભયંકર પૂર્વગ્રહ ધરાવે છે; તેનો આ પુરાવો નથી?

[4] સૌથી દુ:ખદ બાબત એ બની કે આરોપીની ધમકીના કારણે બાળાએ 8 ધોરણ પછી અભ્યાસ છોડી દીધો ! શામાટે જિલ્લા તકેદારી સમિતિના અધ્યક્ષ અને કલેક્ટરે આ બાબતે નોંધ લઈ કોઈ કાર્યવાહી ન કરી? શું હાઈકોર્ટે આ બાબતે Suo Moto નોંધ લેવી જોઈએ કે નહીં? આ બાળાના પિતા રમેશભાઈ વાલ્મિકી સાથે 27 સપ્ટેમ્બર 2023ના રોજ મેં ફોન પર વાત કરી ત્યારે તેમણે જણાવ્યું કે ‘સહાયની રકમ પરત જમા કરાવવાની નોટિસ મળી એટલે તરત મેં રકમ પરત જમા કરાવી દીધી હતી.’ એક સાવ વાહિયાત અને પૂર્વગ્રહથી ભરેલા ચૂકાદાને કારણે એક શ્રમજીવીને સહાયની રકમ પરત ભરવી પડે તે રાજ્ય માટે શરમજનક કહેવાય ! શું આને સલામત/ પ્રગતિશીલ ગુજરાત કહી શકાય?
[5] એટ્રોસિટી એક્ટ હેઠળની જિલ્લા તકેદારી સમિતિ તથા રાજ્ય તકેદારી સમિતિમાં SC-ST સમુદાયના MLA/ MP સભ્ય હોય છે; તેઓ આવી બાબતોમાં શામાટે મૌન રહેતા હશે?

[6] સરકારને/ ન્યાયતંત્રને આ ચૂકાદો ગમ્યો હશે? ગુજરાત હાઈકોર્ટ આવા ચૂકાદા આપનાર જજને શાબાશી આપતી હશે? આ પ્રકારના અતિ વાહિયાત ચૂકાદાઓ સામે અપીલ કરવાની જવાદારી સરકારી વકીલ/ ડાયરેક્ટર ઓફ પ્રોસીક્યુશનની નથી? આ પ્રકારના ચૂકાદાઓ ઉપર હાઈકોર્ટનું કોઈ સુપરવિઝન નહીં હોય? શું ગરીબ નાગરિકોએ જજ/ સરકારી વકીલ/ IPS અધિકારીઓનો ત્રાસ/ અન્યાય જ સહન કરવાનો?

[સૌજન્ય : પૂર્વ જજ અને એડવોકેટ કે. બી. રાઠોડ]