ધાનેરાના ધરણોધરમાં બે જુથ વચ્ચે ધિંગાણું, મહિલાઓ પણ લાકડીઓ લઈને તૂટી પડી, 8ને ઈજા, 12 સામે ફરિયાદ

બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં આવેલા ધરણોધર ગામમાં બે જૂથ વચ્ચે મારામારી થઈ છે. જમીન બાબતે થયેલા આ ધિંગાણામાં બે સમાજના પરિવારો સામસામે આવી ગયા હતા. મહિલાઓ પણ લાકડીઓ લઈને તૂટી પડી હતી. આ બનાવમાં 8 લોકોને ઈજા પહોંચી હતી, જેથી તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે. સ્થિતિ ન વણસે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને 12 સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

બનાવની પ્રાપ્ત માહિતી અનુસાર, બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકામાં આવેલા ધરણોધર ગામે જમીન બાબતે બે જૂથ વચ્ચે બબાલ ચાલી હતી. અગાઉ પણ બન્ને જૂથો વચ્ચે માથાકૂટ થાય તે પહેલા પોલીસ પહોંચી હતી અને મામલો થાળે પાડ્યો હતો. બે જૂથ સામસામે આવી જતા ગામમાં તંગદિલી ઊભી થઈ હતી. બનાવ અંગે જાણ થતાં ધાનેરા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.

આ બનાવમાં 4 મહિલા અને 4 પુરુષો સારવાર અર્થે ધાનેરાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તેમજ વધુ સારવાર અર્થે પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવમાં બન્ને જૂથો દ્વારા સામસામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. ધાનેરા પોલીસ સ્ટેશનમાં 12 લોકો સામે ફરિયાદ નોંધી છે અને તપાસ હાથ ધરી છે.