ધર્મેન્દ્ર ત્રિવેદી- ગુજરાત વિધાનસભા અધિકારી; ગામડામાં ઉછેર થયો હોવાનો મોટો ફાયદો એ થાય કે ગ્રામ્યજીવનમાંથી નિપજેલી કહેવતો અને શબ્દ પ્રયોગો હૈયે વાસી જાય અને જરૂર પડે હોઠે પણ આવી જાય. નાના હતાં ત્યારે “ચકલી નાની ને ફૈડકો મોટો” શબ્દ પ્રયોગ અનેક વાર સાંભળેલો અને જ્યારે એ શબ્દ પ્રયોગ પોતાના માટે વપરાય ત્યારે હસવું પણ બહુ આવતું. ત્યારે એના શબ્દાર્થ અને નિહિતાર્થ ઓછા સમજાતા પણ એટલું સમજાતું કે દેખીતી રીતે કદમાં નાની વ્યક્તિ મોટી વાત કરી નાખે એ સંદર્ભે આ વાત થતી. મોટા થયા બાદ પ્રકૃતિ અને પંખીડાઓના અભ્યાસમાં એક પંખી ધ્યાનમાં આવેલું જેનું ગુજરાતી નમ છે ચંડૂલ અને અંગ્રેજી નામ છે લાર્ક. આ પંખી ઊજડ જમીન પર ટોળામાં બેઠા હોય, ચણતા હોય અને એકાએક કોઈ આવી ચડે અથવા ખતરા જેવુ લાગે તો સમૂહમાં એક સાથે એટલા ઝડપથી ઊડે ત્યારે ભર્રર્રર્રર્રર્રર્રર્ર અવાજ એટલા જોરથી આવે કે એવું જ લાગે જાણે હેલિકોપ્ટર ઉડ્યું ! આમ મારુ અનુમાન છે કે લોકબોલીના આવા શબ્દ પ્રયોગો પ્રકૃતિના નિરીક્ષણોમાંથી જ આવ્યા હોવા જોઈએ.
પરંતુ તમને સૌને બરોબર ખ્યાલ આવી જ ગયો હશે કે મે આજે વાત ભલે પંખીડાથી શરૂ કરી, પણ દર વખતની માફક કહીં પે નિગાહે, કહી પે નિશાના જ હશે, અને તમે આમ તો સાચા છો . . . આજે વાત કરવાની છે એવા ઉંદરની જે કદમાં બહુ નાનો હોય છે, પૃથ્વી પર અતિ વિષમ વિસ્તારોમાં વસે છે, અને મજાની વાત એ છે કે એનું નામ સાંભળીને આપણે તેના દેશ અંગે કલ્પના કરીશું તો એ સાવ ખોટી પડશે. તો આજે જેની ઓળખાણ કરવાની છે તેનું નામ છે “કાંગારૂ રેટ” એટલે કે કાંગારું ઉંદર. હા તમે ખોટા જ છો કારણ કે કાંગારૂ રેટ પોતાના નામ મુજબ ઓસ્ટ્રેલિયામાં નથી વસતાં, પરંતુ ત્યાંથી હજારો કિલોમીટર દૂર ઉત્તર અમેરિકાના ઉજ્જડ રણ વિસ્તારોમાં વસે છે. પરંતુ તેનું નામ તેની વિશિષ્ટતાને લીધે કાંગારું પડ્યું છે. આ ઉંદર બીજા જંગલી ઉંદરોની જેમ ચાર પગે નથી ચાલતો પરંતુ પાછળના બે પગે ચાલે છે. એના ચારે પગમાંથી પાછળના બે પગ કાંગારૂની જેમ મોટા અને ખુબ મજબૂત હોય છે.
કાંગારુ ઉંદર દક્ષિણ કેનેડાથી લઈને છેક અમેરિકાના મેક્સિકોના દક્ષિણ છેડા સુધીના રણ અથવા તો એકદમ શુષ્ક કહી શકાય એવા વિસ્તારોમાં વસે છે. આ ઉંદરોનું કદ માત્ર ત્રણેક ઈંચથી લઈને છ ઈંચ સુધીનું જોવા મળે છે. તેના શરીરની રચના કાંગારૂ જેવી જ હોય છે એટલે કે પાછળના બે પગ પર ચાલવું, પૂંછડીનો ઉપયોગ સંતુલન માટે અને દોડતી વખતે સંતુલન અને દિશા બદલાવ માટે કરવો. કાંગારૂ ઉંદરની લગભગ બાવીસ જેટલી પ્રજાતિઓ હોવા છતાં, મોટા ભાગની પ્રજાતિઓ દેખાવમાં એકસરખી જ હોય છે. તેમનામાં તફાવત જાણવા માટે બે ત્રણ માપદંડ હોય છે. એક તો તેમના પાછળના પગની આંગળીઓની સંખ્યા અને દાંતની અને પૂંછડીની રચનામાં પણ તફાવત જોઈ શકાય છે.
આ પણ વાંચો-એશિયન ગેમ્સ 2023: શૂટિંગમાં ભારતને Gold, અર્જુન-સરબજોત-શિવની ત્રિપુટીએ કમાલ કરી
મજાની એક વાત એ છે કે કાંગારું ઉંદરડા પોતે ચારથી આઠ ઈંચના હોય જ્યારે તેમની પૂંછડી સાડા પાંચથી લઈને સાડા છ ઈંચ જેટલી મોટી હોય છે મતલબ કે મોટા ભાગની કાંગારૂ ઉંદરની જાતિઓ પ્રજાતિઓમાં તેમના શરીર જેટલા કદની અથવા તો તેના શરીર કરતાં પણ મોટી હોય છે. કાંગારૂ ઉંદરડાનું સામાજિક માળખું માનવ જેવુ જ હોય છે. આપણી જેમ કાંગારું ઉંદરડાઓનો સમાજ પુરૂષ-પ્રધાન છે. નર ઉંદરડા આખા કુટુંબ કે જૂથમાં વ્યવસ્થા અને શિસ્ત બનાવી રાખે છે. જે ઉંદર તાકતવાળો હોય એ એક કરતાં વધુ માદાઓ સાથે પ્રજનન કરે છે અને પોતાની તાકાતના જોરે આખા સમુદાય પર દબદબો બનાવી રાખે છે. આ સમુદાય પર કબજો જમાવવા કે જાળવી રાખવા તાકાતવાળા નરો વચ્ચે યુદ્ધ પણ થાય છે. આ લડાઈ પણ કાંગારૂજેવી જ હોય છે. બંને નર ઊંદરો હવામાં કૂદીને એકબીજા પર પાછલા તાકાતવાર પગથી હુમલો કરે છે. કાંગારૂ ઉંદરોમાં નર આક્રમક હોય છે અને માદા શાંત હોય છે.
એકદમ સુક્કા ભઠ્ઠ રણ પ્રદેશમાં રહેતા હોવા છતાં કાંગારૂ ઉંદરોને પાણી પીવાની જરૂર ખૂબ ઓછી પડે છે. કારણ કે તેમના ખોરાકમાંથી મળતું પ્રવાહી તેમના શરીર માટે પૂરતું હોય છે. તેઓ રણપ્રદેશમાં જોવા મળતા વિવિધ છોડવાઓના બીજ અને લીલા દાણા અને ક્યારેક તીડ, ફૂદાં અને અન્ય જીવડાંને પણ તેઓ આરોગી જાય છે. તેમનું પેટા ભરાઈ જાય બાદમાં આ ઊંદરો પોતાના ગાલમાં દાણા અને બીજને ભરીને પોતાના દરોની બહાર સુકવણી કરીને પછી જ પોતાના દરમાં તેનો સંગ્રહ કરી રાખે છે. આ ઊંદરો ચોક્કસ પ્રકારના અવાજો કરીને તથા પોતાના પગ પછાડીને થતાં અવાજોથી એકબીજા સાથે વાતચીત કરે છે એવું અભ્યાસોમાં પુરવાર થયું છે.
આ પણ વાંચો-કેનેડામાં ભારત વિરુદ્ધ ષડયંત્ર રચાઈ રહ્યું છે? નિજ્જરવાળા ગુરુદ્વારામાં દેખાયો મણિપુરનો અજાણ્યો માણસ
કાંગારૂ ઉંદરોનો શિકાર ઘુવડ, સાપ, જંગલી બિલાડા, શિયાળ, ઘોરખોદિયા અને કુતરા પણ કરતાં હોવાથી, તેમણે બે ત્રણ પ્રકારે પોતાનો બચાવ કરવાની પ્રયુક્તિઓ શોધી કાઢી છે. સામાન્ય ઊંદરો કરતાં કાંગારું ઉંદરોના કાન મોટા હોવાથી તેમની શ્રવણશક્તિ ઘણી વિકસિત હોય છે. રાત્રિના ભોજન માટે ભટકતી વખતે તેઓ ખૂબ સાવચેત રહે છે, થોડી થોડી વારે ઊભા રહીને સાંભળી લે છે અને જો સહેજ પણ શંકા પડે તો અત્યંત ઝડપથી ભાગી જાય છે. બીજી પ્રયુક્તિ એ છે કે જો એકાએક કોઈ શિકારીનો સામનો થઈ જાય તો તેઓ એકદમ સ્ટેચ્યૂ થઈ જાય છે. અને તેમનો રંગ રેતીને મળતો હોવાથી રેતીમાં જ્યારે તેઓ એકદમ સ્થિર થઈ જાય ત્યારે શિકારી તેમને શોધી શકતા નથી. અને આ પ્રયુક્તિ જ્યારે નિષ્ફળ જાય ત્યારે કાંગારું ઉંદર એક બીજો દાવ ખેલે છે. પોતાના પાછલા પગની તાકાતથી તે હવામાં એકાએક ખૂબ ઊંચો કૂદકો લગાવીને શિકારીને ચોંકાવી નાખે છે અને પછી ભાગી જાય છે.
હવે આ ઊંચો કૂદકો એટલે જરા કલ્પના કરો કે આ છ ઈંચની ઉંદરડી વધુમાં વધુ કેટલો ઊંચો કૂદકો મારી શકતી હશે . . . મૂળે અડધા ફૂટની આ ઉંદરડી વધી વધીને બે ફૂટ, ત્રણ ફૂટ અરે કદાચ ચાર ફૂટનો કૂદકો મારતી હોય . . . બરોબારને મિત્રો ? ના . . . હવે ચક્રના અંતે ઠેરના ઠેર આવીને ઊભા છીએ . . . ચકલી નાનીને ફૈડકો મોટો . . . હા તો ઉંદરડી નાનીને કૂદકો મોટો રે લોલ . . . મિત્રો આ ઉંદરડી પર જીવનું જોખમ આવે ત્યારે તે પૂરા નવ ફૂટ ઊંચો કૂદકો હવામાં મારી શકે છે . . . ! છે ને ઉંદરડી નાની ને કૂદકો મોટો ?
આ પણ વાંચો- EVM/ મતપેટીને ગૌમૂત્રથી નવડાવીને પવિત્ર કરવામાં આવે તો ન્યાયી ચૂંટણી થાય?