EVM/ મતપેટીને ગૌમૂત્રથી નવડાવીને પવિત્ર કરવામાં આવે તો ન્યાયી ચૂંટણી થાય?

રમેશ સવાણીની કલમે

રમેશ સવાણી; નિવૃત IPS અધીકારી: 3 સપ્ટેમ્બર 2023ના રોજ પાલનપુર પાસે લોકનિકેતન, રતનપુર ખાતે ચર્ચાસભાનું આયોજન, સોસાયટી ફોર ફાસ્ટ જસ્ટિસ-પાલનપુર, યુવા જાગૃતિ અભિયાન, લોકનિકેતન પરિવાર અને બનાસકાંઠા જિલ્લા અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિ-પાલનપુરના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવેલ. વરિષ્ઠ પત્રકાર ડો. હરિ દેસાઈ, કાયદા તજજ્ઞ ડો. અશ્વિન કારીઆ, ડો. ઈન્દ્રાયન, અશોક પટેલ અને જાગૃત નાગરિકોએ ચર્ચાસભામાં ભાગ લીધો હતો.

ચૂંટણી પ્રથામાં ક્યા ક્યા સુધારાની જરુર છે? આ બાબતે વિસ્તૃત ચર્ચા થઈ હતી. થોડાં મુદ્દાઓ : [1] ચૂંટણીમાં કે સરકારી વહિવટમાં ધાર્મિક લાગણીઓ પર પ્રતિબંધ હોવો જોઈએ. સાંપ્રદાયિક લીગણીઓને બદલે સમાન ન્યાય, શિક્ષણ, રોજગાર, આરોગ્ય સંભાળ, કાયદો-વ્યવસ્થા તરફ ધ્યાન આપવું જોઈએ. [2] તૃષ્ટિકરણ, લઘુમતી કે બહુમતીનું. તેની પર પ્રતિબંધ. વોટ બેંક પોલિટિક્સ પર પ્રતિબંધ. કાયદા પંચે 1999ના ચૂંટણી સુધારણાના 170માં અહેવાલમાં અને 2015ના 255માં અહેવાલમાં વોટ બેન્ક પોલિટિક્સનો વિરોધ કર્યો છે. ચૂંટણી જીતવા માટે સૌથી વધુ ચોખ્ખા મતો મેળવ્યા હોવા જોઈએ, તો વોટ બેંકની રાજનીતિ નાબૂદ થાય. [3] ભાગલા પાડો રાજ કરો-એ નીતિ પર પ્રતિબંધ. [4] તડિપાર/ ગુનેગારો ચૂંટણી લડી ન શકે તેવી જોગવાઈ હોવી જોઈએ. રાજકારણમાં ગુનેગારોની સંખ્યા વધી રહી છે. [5] વિપક્ષમાંથી સત્તાપક્ષમાં પક્ષાંતર કરનાર 10 વરસ સુધી ચૂંટણી ન લડી શકે તેવી જોગવાઈ.

આ પણ વાંચો-હાઈકોર્ટના ન્યાયાધીશોની નિમણૂક અને બદલી સંબંધિત 70 ભલામણો સરકાર પાસે પેન્ડિંગઃ સુપ્રીમ કોર્ટ

[6] પક્ષાંતરના કાયદામાંથી છટકવા રાજીનામું આપી ફરી ચૂંટણી લડવા પર 10 વરસ સુધી પ્રતિબંધ. આર્થિક દંડ કરવાની જોગવાઈ હશે તો કોર્પોરેટ લોબી તે દંડ ભરી દેશે ! પ્રતિબંધ એ જ ઉકેલ. [7] ‘વોટ કટર’ પર પ્રતિબંધ. સ્નાયુ અને પૈસાની શક્તિ ધરાવતા ઉમેદવારો તેમના વિરોધીઓના મત ઘટાડવા માટે ‘મત કાપનાર ઉમેદવારો’ને પ્રોત્સાહન આપે છે ! પ્રામાણિક અને યોગ્ય નાગરિકો ચૂંટણી લડી શકે તેવી સ્થિતિ નથી ! [8] 25% મત મેળવનાર જીતી જાય છે ! આ બાબતે ધોરણ નક્કી કરવું. [9] એક સાથે બે કે તેથી વધુ બેઠકો પર ચૂંટણી લડી ન શકે તેવી જોગવાઈ હોવી જોઈએ. આર્થિક દંડ કરવાની જોગવાઈ નહીં, પણ પ્રતિબંધ એ જ ઉકેલ. [10] ક્યા બૂથમાંથી કોને કેટલાં મત મળે છે, તે જાહેર ન થાય તેવી રીતે મતગણતરી થવી જોઈએ. ચૂંટાયેલો પ્રતિનિધિ, જે ગામમાં કે બૂથમાં તેને ઓછા મત મળ્યા હોય તેના વિકાસમાં વિઘ્નો નાખે છે !

[11] EVM શંકા રહિત હોવું જોઈએ. [12] ભ્રષ્ટ ચૂંટણી પ્રથા, ભ્રષ્ટાચારની જનની છે. પ્રામાણિક ઉમેદવારો ચૂંટાય તો તે સુનિશ્ચિત કરશે કે સરકારી સંસ્થાઓ અને સંસાધનો પણ ઉચ્ચ કાર્યક્ષમતા સાથે અને ઓછામાં ઓછી/ કોઈ લાંચ-રૂશ્વત સાથે કામ કરે. ભ્રષ્ટાચારમાં ઘટાડો કરવા ચૂંટણી પ્રથામાં સુધારા કરવા પડે. તો જ જાહેર વહિવટ સુધરે. [13] ચૂંટણી પ્રથામાં સુધારા સાથે પોલીસ સુધારણા થવી જોઈએ. કેમકે પોલીસ સત્તાપક્ષની ગુલામ હોય તે રીતે ચૂંટણીમાં ભૂમિકા ભજવે છે. પોલીસ સુધારણા વિના લોકશાહી બચી શકે નહીં ! [14] ઉમેદવારની શૈક્ષણિક લાયકાત નક્કી કરવી જોઈએ. ફેઈક ડીગ્રી વાળા ચૂંટણી લડી ન શકે તેવી જોગવાઈ હોવી જોઈએ. [15] ચૂંટણી ઢંઢેરામાં આપેલ વચનો ન પાળે તો criminal breach of trust સબબ કાર્યવાહી થવી જોઈએ. [16] પક્ષોને મળતા ચૂંટણી ફંડની માહિતી RTI હેઠળ મળવી જોઈએ.

આ પણ વાંચો-2022-23માં માત્ર 66 લાખ ફ્રન્ટલાઈન નોકરીઓ ઉત્પન્ન થઇ; ગયા વર્ષની સરખામણીમાં 17.5% ઘટાડોઃ રિપોર્ટ

ન્યાયી ચૂંટણી ક્યારે શક્ય બને?

[1] સામાજિક/ધાર્મિક/આર્થિક અસમાનતા હોય ત્યાં ન્યાયી ચૂંટણી થઈ શકે નહીં. ખૂબ જ વ્યાપક સામાજિક, ધાર્મિક, સાંસ્કૃતિક, વસ્તી વિષયક અને આર્થિક તફાવતોને કારણે ચૂંટણીના પરિણામો પર તેમની વિસ્તૃત અસર થાય છે.[2] સામંતશાહી માનસિકતા હોય ત્યાં ન્યાયી ચૂંટણી થઈ શકે નહીં. [3] ધાર્મિક લાગણીઓનું વર્ચસ્વ હોય ત્યાં ન્યાયી ચૂંટણી શક્ય નથી. [4] ઉમેદવારો કોર્પોરેટ લોબી નક્કી કરે છે. પ્રાઈમ મિનિસ્ટર કેન્ડિડેટ પણ કોર્પોરેટ લોબી નક્કી કરે છે ! [5] તૃષ્ટિકરણ હોય ત્યાં ન્યાયી ચૂંટણી શક્ય નથી. [6] અપરાધીઓ ચૂંટણી લડતાં હોય ત્યાં ન્યાયી ચૂંટણી શક્ય નથી. [7] ચૂંટણી એ એન્જિનીયરિંગની- ગોઠવણની બાબત છે, શક્તિશાળી જીતે છે. જ્ઞાની/પ્રામાણિક હારી જાય છે. [8] ચૂંટણી ભ્રષ્ટાચારની ગંગોત્રી છે. ચૂંટણીમાં અનીતિ કરીને શિક્ષણમંત્રી બની શકાય છે !

માની લો કે EVM/ મતપેટીને ગૌમૂત્રથી નવડાવીને પવિત્ર કરવામાં આવે કે બેલેટ પેપર પર ચૂંટણી કરવામાં આવે તો ન્યાયી ચૂંટણી થાય? ના. જ્યાં સુધી બ્રેઈન વોશિંગ થતું રહે/ 50%થી ઓછા મત મેળવનાર જીતી શકતા હોય/ બાહુબલિ, આર્થિક અસમાનતા હોય/ તડિપાર-ગુનેગારો ચૂંટણી લડી શકતા હોય ત્યાં સુધી ન્યાયી ચૂંટણી શક્ય નથી !

આ પણ વાંચો- મનરેગા હેઠળ રોજગારની માંગમાં વધારો; ગયા વર્ષની સરખામણીમાં ઓગસ્ટમાં 25.8 ટકાનો ઉછાળો