નવી દિલ્હી: દેશમાં આગામી ચૂંટણીઓને ધ્યાને રાખી જાણીજોઈને મુસ્લિમ વિરોધી ભાવનાઓને ભડકાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોય તેવો રિપોર્ટ સામે આવ્યો છે. રિપોર્ટ મુજબ વર્ષ 2023ના પ્રથમ 6 મહિનામાં દેશના વિવિધ ભાગોમાં 250થી વધુ સભાઓ યોજાઈ અને તેમાં મુસ્લિમ વિરોધી ભાષણ કરાયું હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. રિપોર્ટ મુજબ મોટાભાગની હેટ સ્પીચની ઘટનાઓ ભાજપ શાસિત રાજ્યોમાં બની છે અને તેમાંથી લગભગ 70 ટકા એવા રાજ્યો છે, ત્યાં 2023 અથવા 2024માં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે.
ઓનલાઈન હેટ ટ્રેકિંગ પોર્ટલ ‘હિન્દુત્વ વૉચ’ની રકીબ હમીદ નાઈક, આરૂષિ શ્રીવાસ્તવ અને અભ્યુદય ત્યાગીની ‘2023 હાફ ઈયરલી રિપોર્ટ: એન્ટી-મુસ્લિમ હેટ સ્પીચ ઈવેન્ટ્સ એન ઈન્ડિયા’ નામના રિપોર્ટમાં જણાવાયું છે કે, 2023ના પ્રથમ છ મહિનામાં મુસ્લિમોને નિશાન સાધતી હેટસ્પીચોની કુલ 255 ઘટનાઓ બની, જેમાંથી 205 અથવા 80 ટકા ભાજપ શાસિત રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં હેટ સ્પીચ અપાઈ હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચો-ગુજરાતમાં 30 સપ્ટેમ્બરથી નૈઋત્યના ચોમાસાની વિદાય, સિઝનમાં સરેરાશ 104 ટકા વરસાદ થયો
મહારાષ્ટ્રમાં સૌથી વધુ ઘટનાઓ
રિપોર્ટ મુજબ હેટ સ્પીચની સૌથી વધુ ઘટનાઓ મહારાષ્ટ્ર, કર્ણાટક, મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને ગુજરાતમાં બની, જેમાં મહારાષ્ટ્રમાં 29 ટકા ઘટનાઓ બની હોવાનું સામે આવ્યું છે. રિપોર્ટમાં મહારાષ્ટ્રમાં સત્તાધારી મહાવિકાસ અઘાડી ગઠબંધનમાં મતભેદ સર્જવામાં ભાજપની ભૂમિકાનો ઉલ્લેખ કરતા જણાવાયું છે કે, 2024માં યોજાનારી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજ્યમાં જાણીજોઈને મુસ્લિમ વિરોધી ભાવનાઓને ભડકાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. રિપોર્ટ મુજબ સૌથી વધુ 8 રાજ્યોમાં હેટસ્પીચ અપાઈ, જેમાં 7 NDA શાસિત રાજ્યો છે.
રિપોર્ટમાં એવો પણ ઉલ્લેખ કરાયો કે, જે કાર્યક્રમોમાં આવી હેટસ્પીચ ફેલાવતા ભાષણો કરાયા, તેના આયોજકો કોણ હતા. અહેવાલ મુજબ ભાજપ શાસિત રાજ્યોમાં વિશ્વ હિન્દુ પરિષદ (વિહિપ), બજરંગ દળ, સકલ હિંદૂ સમાજ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) અને ભાજપ સાથે જોડાયેલી સંસ્થાઓ દ્વારા લગભગ 52 ટકા સભાઓ યોજવામાં હતી.
આ પણ વાંચો-ગુજરાતને કોણ બનાવી રહ્યું છે “ઉડતા ગુજરાત”? ₹800 કરોડનું ડ્રગ્સ ઘૂસેડવું નાનીસૂની વાત નથી