નવરાત્રિમાં અમદાવાદના 14 મંદિરોએ AMTSની ધાર્મિક પ્રવાસ બસ સેવા શરુ થશે

અમદાવાદમાં શ્રાવણ મહિના દરમિયાન ધાર્મિક તહેવારોએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) સંચાલિત AMTS દ્વારા ધાર્મિક બસ પ્રવાસ યોજના અમલમાં મૂકવામાં આવી હતી. શ્રાવણ અને પર્યુષણના તહેવાર બાદ હવે નવરાત્રિ દરમિયાન અમદાવાદ શહેરના મુખ્ય મંદિરોનાં દર્શન માટે ધાર્મિક બસ પ્રવાસ યોજના 15થી 24 ઓક્ટોબર સુધી શરુ કરવામાં આવશે.

આ ધાર્મિક બસ સેવામાં વધુમાં વધુ 40 લોકો મુસાફરી કરી શકશે. શહેરમાં 14 સિવાયના બીજા સ્થળોએ માતાજી મંદિરોમાં પણ નાગરિકો જવા ઈચ્છતા હશે તો તેઓને તે મંદિરમાં લઈ જવાશે.

AMTS કમિટીના ચેરમેને જણાવ્યું કે, શ્રાવણ મહિનાથી ધાર્મિક બસ પ્રવાસ યોજના ચલાવવામાં આવે છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટ્રાન્સપોર્ટ કમિટી દ્વારા આ ધાર્મિક બસ પ્રવાસ યોજનાની મંજૂરી આપવામાં આવી હતી. એક બસના રુ.2400 લેખે શહેરના મુખ્ય બસ ટર્મિનલ લાલદરવાજા, વાડજ, સારંગપુર અને મણિનગર ખાતેથી બસનું બૂકિંગ કરાવી શકાશે.

આ બસ પ્રવાસનો સમય સવારે 8 કલાકનો નિર્ધારિત રહેશે. સવારે 8.15થી સાંજે 4.45 સુધીમાં શહેરના વિવિધ 14 જેટલા મંદિરોમાં મુસાફરો દર્શન કરી શકશે. એક બસમાં વધુમાં વધુ 30 સિટિંગ અને 10 ઊભા અથવા 28 સિટિંગ અને 12 ઊભા એમ કુલ 40 જેટલા પેસેન્જર જ જઈ શકશે.

કયાં-કયાં મંદિરોમાં દર્શન કરી શકાશે
1. ભદ્રકાળી મંદિર (લાલ દરવાજા)
2. મહાકાળી મંદિર (દૂધેશ્વર)
3. માતા ભવાની વાવ (અસારવા)
4. ચામુંડા મંદિર (અસારવા ચામુંડા બ્રિજ નીચે)
5. પદ્માવતી મંદિર (નરોડા)
6. ખોડિયાર મંદિર (નિકોલ)
7. હરસિદ્ધ માતા મંદિર (રખિયાલ)
8. બહુચરાજી મંદિર (ભુલાભાઇ પાર્ક)
9. મેલડી માતાનું મંદિર (બહેરામપુરા)
10. હિંગળાજ માતાનું મંદિર (નવરંગપુરા)
11. વૈષ્ણોદેવી મંદિર (એસ.જી. હાઇવે)
12. ઉમિયા માતાનું મંદિર (જાસપુર રોડ)
13. આઇ માતાનું મંદિર (સુઘડ)
14. કૈલાદેવી માતા મંદિર (ધર્મનગર)