ડાંગનો “પુષ્પા” રાહુલીયા પાસેથી શીખો જીવન કેવી રીતે જીવવું

ડાંગનો પુષ્પા- રાહુલીયો

ધ્વનિ ઉપાધ્યાય; વિધાનસભા ઓફિસ આસિસ્ટન્ટ: આ દુનિયાનો રાજા કોણ છે ? કોને પડી છે ભાઈ ? પણ મારી દુનિયાનો તો હું જ શહેનશાહ છું હો . . . ડાંગના એક નાનકડા ગામના આ બાળકને જોતાં કંઈક આવી જ અનુભૂતિ થઈ હતી. ડાંગના પ્રવાસે જતાં રસ્તામાં આવતા એક ઝરણાં પાસે આ છોકરો પોતાની જ દુનિયાનો આગવો ‘તાજ’ પહેરીને મોજથી ફરતો હતો. તેનું નામ હતું રાહુલ. હા, નામ તો જરૂર સુના હોગા. આપણી સામાન્‍ય દુનિયાથી અલગ કોઈ પહાડની ટેકરીના નજીવી વસ્તી વાળા ગામડાના કોઈ રેન્ડમ કિશોરનું નામ રાહુલ છે, એ જાણીને થોડું આશ્વર્ય થયું.

આ રાહુલીયો ખૂબ ઈન્ટરેસ્ટીંગ જીવ લાગ્યો. તેણે ત્યાંની સ્થાનિક વનસ્પતિ, પાન અને ફુલનો હાથે બનાવેલો તાજ ધારણ કરેલો હતો. અને, તેના શર્ટ પર આખા દેશમાં સુપર હીટ થયેલી સાઉથની ફિલ્મ પુષ્પાનું પોસ્ટર હતું. અઢળક ભૌતિક સુખ સુવિધાઓ હોવાં છતાં સતત આભાવની ફરીયાદો અને તણાવ વચ્ચે, અને લાઈફ ગોલ્સ એચીવ કરવાની હોડમાં જીવન માણવાનું ચૂકાઈ જતું હોય એમ નથી લાગતું? ભવિષ્યના નક્કર આયોજનો કરવાની ફિકરમાં વર્તમાનમાં આપણી આસ-પાસ જે સંસાધનો અને વૈભવ છે તેને ભોગવવાનું જ ભુલી જવાય છે. આવા સમયે પોતાની દુનિયાનો તાજ ધારણ કરીને ફરતાં આ બાળકનું શુધ્ધતમ હાસ્ય, જેની પાછળ કોઈ દૂન્યવી સ્વાર્થ નથી; તે જોવા વાળાને પણ ગુડ વાઈબ્સ આપતું જાય છે.

આ પણ વાંચો-ગુજરાતમાં આયુષ્માન ભારત કાર્ડ હેઠળ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટનો સમાવેશ, દેશનું પ્રથમ રાજ્ય બન્યું

ત્યાં જેટલા પણ બાળકો જોયાં, એ બધાના પગમાં બસ પ્રકૃતિ જ હતી.. કીચડથી લદાયેલા પગ કડક પથરિલા નદી કિનારા પર પણ ભરપૂર બેફીકર થઈ રમતાં હતાં. આ ફોટામાં દેખાય છે કે રાહુલ પણ ખુલ્લા પગે જ છે! ત્યાં ફરી રહેલા રાહુલ અને તેના ગોઠીયાઓનું ઘર નજીકના ગામમાં જ હતું. તે બાળકો તદ્દન બેફિકર હતા. કોઈને ટ્યુશન કે ક્લાસમાં જવાની ઉતાવળ ન હતી. કે ભવિષ્યની કોઈ ચિંતા પણ ન હતી. તેમને પોતાના જીવનથી કોઈ ફરીયાદ ન હતી. તેમને જેવું પણ જીવન મળ્યું તેઓ મસ્તીથી માણી રહ્યાં હતાં.

એ જગ્યા આમ તો કોઈ મુકામ નહોતી. પણ ત્યાંનું પ્રાકૃતિક દ્રશ્ય જોઇને ઘણાં સહેલાણીઓ ઘડીભર થોભીને એ નજારો માણી રહ્યાં હતાં. ખળ ખળ વહેતી નદી અને તેનું કાદવીયું છતાં સ્વચ્છ પાણી, કોઈને પણ બે ઘડી થોભાવી જોવા માટે મજબૂર કરી દે તેવું હતું. તે જગ્યાએ વળી ખૂબ મોટા પટમાં નદી વિસ્તરેલી હતી. ને એ મોટા પટમાંથી તે નદી એક સારી એવી ઊંચાઈથી જળપ્રવાહ નીચે હડસેલીને નાના ધોધ જેવી રચના કરતી હતી , ત્યાંથી નીચે પડીને ફરી હાર્યા વગરના યોદ્ધાની માફક આગળ વધતી હતી.

આ પણ વાંચો- ગુજરાતમાં 30 સપ્ટેમ્બરથી નૈઋત્યના ચોમાસાની વિદાય, સિઝનમાં સરેરાશ 104 ટકા વરસાદ થયો

આ રાહુલીયા જેવા ચાર-પાંચ કિશોરો નદીના એ નાના ધોધમાંથી મુક્ત રીતે કુદીને નદીમાં ધુબાકો મારતાં હતાં. વારાફરતી એક પછી એક છોકરાંઓ નદીમાં છલાંગ લગાવતાં હોય, ત્યાંનું બેકગ્રાઉન્‍ડ લીલાછમ જંગલોથી ભરેલી નાની ટેકરીઓથી લદાયેલું હોય; પાણીનો પ્રવાહ અવિરત વહીને ફક્ત કર્ણપ્રિય જ નહી પણ મનને પણ પ્રિય લાગે એવો અવાજ આપતો હોય; ધોધ ઘુઘવાટા મારતો હોય; માનવનિર્મિત વસ્તુઓનો અવાજ જ્યાં નહીવત હોય અને આ નજારાનું મિશ્રણ થઈને આંખોને જે જોવા મળે એ સીધું હ્ર્દય સુધી પહોંચે ને કુદરતનો સાક્ષાત્કાર અનુભવાય.

તે સાંજે અમે અમારા આયોજનના દાયરામાંથી બહાર નીકળીને પણ, મુકામ વગર પણ, થોભીને પણ; ઘણું બધું માણીને, જાણીને , પામીને, મનમાં સ્થિરતાના સંતોષ સાથે મુકામ તરફ આગળ નીક્ળ્યાં.

આ પણ વાંચો-વિદેશી કંપનીઓ 1 ઓક્ટોબરથી GSTના દાયરામાંઃ નેટફ્લિક્સ, હોટસ્ટાર, ફેસબૂક, ગૂગલ, એક્સ જેવી કંપનીઓને અસર થશે