NIAના પૂર્વ ડીજીનો ખુલાસો, પાકિસ્તાન ખાલિસ્તાનીઓની મદદ માટે પોતાના દૂતાવાસોનો ઉપયોગ કરે છે

નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ના પૂર્વ ડિરેક્ટર જનરલ વાય.સી. મોદીએ ખાલિસ્તાની આતંકવાદીઓને લઈને મોટો ખુલાસો કર્યો છે. તેમનું કહેવું છે કે, પાકિસ્તાને જ કાશ્મીરમાં સમસ્યાઓ ઊભી કરી અને પંજાબમાં પણ એવું જ કરી રહ્યું છે. તેમના મતે અન્ય દેશોમાં હાજર પાકિસ્તાની દૂતાવાસો ખાલિસ્તાની ગતિવિધિઓમાં મદદ કરે છે.

એનઆઈએના પૂર્વ ડિરેક્ટરે એક ખાસ વાતચીતમાં જણાવ્યું કે, એનઆઈએ એક વ્યાવસાયિક એજન્સી છે. જેણે ઘણી વખત કેનેડા સાથે ખાલિસ્તાનીઓ વિશે ઈનપૂટ્સ શેર કર્યા છે, પરંતુ કેનેડા તરફથી કોઈ જવાબ મળ્યો નથી.

એનઆઈએએ ગુરપતવંતસિંહ પન્નુ અને નિજ્જર વિશે કેનેડાને નક્કર પુરાવા આપ્યા હતા પરંતુ તેઓ કોઈપણ રીતે જવાબ આપતા નથી.
વાય.સી.મોદીએ કહ્યું કે ભારતની ક્યારેય એવી નીતિ રહી નથી કે આંતરરાષ્ટ્રીય સ્તરે તેની છબી ખરાબ થાય. જસ્ટિન ટ્રૂડોના આરોપ પર તેમણે કહ્યું કે, હરદીપ સિંહ નિજ્જરની હત્યા કેસમાં કેનેડા દ્વારા લગાવવામાં આવેલા આરોપ સંપૂર્ણપણે પાયાવિહોણા છે. કેનેડા પાસે આ અંગે કોઈ પુરાવા નથી.

વાય.સી.મોદીનું કહેવું છે કે હરદીપ સિંહ નિજ્જર પંજાબમાં શાંતિ ડહોળવાનો પ્રયાસ કરી રહ્યા છે, જ્યારે તેઓ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીના ડિરેક્ટર જનરલ હતા ત્યારે આવા ઘણા ઈનપુટ આવ્યા હતા. પરંતુ નિજ્જર આતંક ફેલાવવાામં સફળ રહ્યા ન હતા. પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઈએએસ આતંકવાદી ફંડિંગમાં વ્યસ્ત છે.

તેમનું કહેવું છે કે જ્યારે પણ ભારતે કેનેડા સાથે વાતચીત દ્વારા કોઈપણ આતંકવાદી અથવા ખાલિસ્તાનને દેશ નિકાલ અથવા પ્રત્યાર્પણ કરવાનો પ્રયાસ કર્યો છે, ત્યારે કેનેડાની સરકારે ક્યારેય મદદ કરી નથી. પ્રખ્યાત આતંકવાદીઓ અને ગુનેગારો તેમના દેશમાં છે. કેનેડા તેમને ભારતને સોંપી રહ્યું નથી. કેનેડા આતંકવાદીઓનું આશ્રયસ્થાન બની રહ્યું છે. કેનેડા પર આંતરરાષ્ટ્રીય દબાણ લાવવાની જરુર છે, તો જ તેઓ આ ખાલિસ્તાનીઓને ભારતને સોંપશે.

તમને જણાવી દઈએ કે નેશનલ સિક્યોરિટી એજન્સી એ ગેંગ્સટર અને ખાલિસ્તાની સાંઠગાંઠ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. તપાસ એજન્સીએ પંજાબ, હરિયાણા, રાજસ્થાન, દિલ્હી એનસીઆર, ઉત્તરાખંડ અને ઉત્તરપ્રદેશમાં લગભગ 51 સ્થળોએ દરોડા પાડ્યા છે. એનઆઈએ એ આ કાર્યવાહી આતંકવાદીઓ, ગેંગસ્ટરો અને ડ્રગ ડીલરો વચ્ચે સાંઠગાંઠ સંબંધિત 3 કેસમાં કરી છે.