ગુજરાતમાં આયુષ્માન ભારત કાર્ડ હેઠળ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટનો સમાવેશ, દેશનું પ્રથમ રાજ્ય બન્યું

આજે વિશ્વ હૃદય દિવસ છે ત્યારે ગુજરાત સરકારે એક અગત્યની માહિતી આપતા જણાવ્યું છે કે, છેલ્લા 5 વર્ષમાં ગુજરાતમાં 2 લાખ 95 હજારથી વધુ હૃદયરોગના દર્દીઓએ આયુષ્માન ભારત યોજના અંતર્ગત મફત સારવાર મેળવી છે. તેમના સારવાર માટે સરકાર દ્વારા કુલ 1614 કરોડનો ખર્ચ કરાયો છે.

આ યોજના હેઠળ ડાયગ્નોસ્ટિક, એન્જિયોગ્રામ, કોરોનરી આર્ટરી બાયપાસ ગ્રાફિંટગ, વાલ્વ પ્રોસીજર, પેસમેકર, ઈમ્પ્લાન્ટેશન, ઓટોમેટિક ઈમ્પાલન્ટેબલ કાર્ડિયાક ડિફિબ્રિલેટર, ડિવાઈસ ક્લોઝર, ફેમોરલ બાયપાસ અને વેન્ટ્રિક્યુલર પેસિંગ જેવી તમામ પ્રકારની હૃદયરોગની સારવારની સુવિધાનો સમાવેશ થાય છે.

ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે આયુષ્માન ભારત યોજના ઉપયોગી છે. ગુજરાત સરકારે આ યોજના હેઠળ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ પ્રક્રિયાનો પણ સમાવેશ કરવાનું નક્કી કર્યું છે.

ઉલ્લેખનીય છે કે આવું કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે. ગુજરાતની સાથે અન્ય રાજ્યોમાંથી પણ લોકો PMJAY અંતર્ગત હૃદયરોગની તપાસ અને સારવારની સુવિધાનો લાભ લેવા ગુજરાતમાં આવી રહ્યા છે. છેલ્લા પાંચ વર્ષમાં અન્ય રાજ્યોમાંથી 9800થી વધુ દર્દીઓ સારવાર માટે ગુજરાતમાં આવ્યા હતા.