ગુજરાતમાં 30 સપ્ટેમ્બરથી નૈઋત્યના ચોમાસાની વિદાય, સિઝનમાં સરેરાશ 104 ટકા વરસાદ થયો

ગુજરાતમાં સાર્વત્રિક સંતોષકારક વરસાદથી સમગ્ર રાજ્યના ખેડૂતો ખુશખુશાલ છે. ઉત્તર, મધ્ય, દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં સિઝનનો સરેરાશ 36 ઈંટ સાથે 104 ટકા વરસાદ થયો છે.

હવે નૈઋત્યનું ચોમાસુ 30 સપ્ટેમ્બરથી વિદાય લેવાનું શરુ કરે તેવી સંભાવના છે. વિદાય અગાઉ દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવનાઓ છે.

સામાન્ય રીતે ગુજરાતમાં 25 સપ્ટેમ્બરથી નૈઋત્યના ચોમાસાની વિદાય થતી હોય છે. જેના સ્થાને આ વખતે ચોમાસાની વિદાય પાંચ દિવસ મોડી છે.

30 સપ્ટેમ્બરના કચ્છથી ચોમાસુ વિદાય લેવાનું શરુ કરશે. આ પછી પાંચ દિવસમાં સમગ્ર રાજ્યમાંથી તબક્કાવાર વિદાય લઈ લેશે.
હવામાન વિભાગના મતે આવતીકાલે મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં જ્યારે શનિવારે દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં હળવો વરસાદ પડી શકે છે.

રાજ્યમાં આ પછી વરસાદની સંભાવના નહિવત્ છે. ગઈકાલે અમદાવાદમાં સરેરાશ મહત્તમ તાપમાનનો પારો 35.5 ડિગ્રી પહોંચી ગયો હતો. આગામી 3 દિવસ અમદાવાદમાં 37 ડિગ્રી સુધી ગરમીનો પારો જવાની સંભાવના છે.

તમને જણાવી દઈએ કે રાજ્યમાં આ વખતે 72 તાલુકામાં 40 ઈંચથી વધુ જ્યારે 141 તાલુકામાં 20થી 40 ઈંચ વરસાદ નોંધાયો હતો.