નવી દિલ્હી: બીજેપી સાંસદ મેનકા ગાંધીએ ઈસ્કોનની ગૌશાળામાંથી કસાઈઓને ગાયો વેચવાનો ગંભીર આરોપ લગાવ્યા બાદ હવે આ મામલે સંગઠન દ્વારા વળતી કાર્યવાહી કરવામાં આવી છે. ઈસ્કોને મેનકા ગાંધીને 100 કરોડ રૂપિયાની માનહાનિની નોટિસ ફટકારી છે.
ઇસ્કોન વતી કહેવામાં આવ્યું છે કે, અમારા ભક્તો, સમર્થકો અને શુભેચ્છકોનો વિશ્વવ્યાપી સમુદાય આ અપમાનજનક, નિંદનીય અને દૂષિત આરોપોથી ખૂબ જ દુઃખી છે. અમે ઇસ્કોન વિરુદ્ધ ભ્રામક પ્રચાર સામે ન્યાય મેળવવામાં કોઈ કસર નહિ છોડીએ.
આ પહેલા પૂર્વ કેન્દ્રીય મંત્રી અને એનિમલ રાઈટ્સ એક્ટિવિસ્ટ મેનકા ગાંધીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં તે કહી રહી છે કે ઈસ્કોન સૌથી મોટી છેતરપિંડી છે. આ લોકો ગૌશાળાની સંભાળ રાખે છે અને સરકાર તેમને દરેક રીતે મદદ કરે છે, જેમાં જમીનનો પણ સમાવેશ થાય છે. આમ છતાં જે ગાયો દૂધ નથી આપતી તેને કસાઈઓને સોંપી દેવામાં આવે છે.
આ પણ વાંચો-નવરાત્રિમાં અમદાવાદના 14 મંદિરોએ AMTSની ધાર્મિક પ્રવાસ બસ સેવા શરુ થશે
આંધ્રપ્રદેશના અનંતપુરમાં ઈસ્કોનના ગાય આશ્રયસ્થાનનો ઉલ્લેખ કરતા મેનકા કહે છે, ‘એકવાર હું ત્યાં ગઈ હતી. સમગ્ર ગૌશાળામાં એક પણ ગાય એવી મળી ન હતી જે દૂધ ન આપતી હોય. તેમજ કોઈ વાછરડું પણ મળ્યું ન હતું. આનો સ્પષ્ટ અર્થ એ છે કે ઇસ્કોન ગાયો અને વાછરડાઓ વેચે છે જે દૂધ આપતા નથી.
મેનકા ગાંધીએ કહ્યું હતું કે, ઈસ્કોન તેની તમામ ગાયો કસાઈઓને વેચે છે. ગાયો સાથે આ લોકો જે રીતે વર્તે છે તેમ કદાચ કયારેય કોઇએ નહી કર્યું હોય. આ જ લોકો ‘હરે રામ હરે કૃષ્ણ’ ગાતા રસ્તાઓ પર ફરે છે અને કહે છે કે આપણું આખું જીવન દૂધ પર નિર્ભર છે.
આ પણ વાંચો-ભારતીય સેનાએ 400 હોવિત્ઝર તોપ ખરીદવા રક્ષા મંત્રાલયને પ્રસ્તાવ મોકલ્યો