ભારતીય સેનાએ 400 હોવિત્ઝર તોપ ખરીદવા રક્ષા મંત્રાલયને પ્રસ્તાવ મોકલ્યો

ભારતીય સેનાએ 400 હોવિત્ઝર તોપ ખરીદવા માટે રક્ષા મંત્રાલયને પ્રસ્તાવ મોકલ્યો છે. હોવિત્ઝર તોપ સંપૂર્ણ રીતે સ્વદેશી છે. તેને ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન એટલે કે DRDO દ્વારા વિકસાવવામાં આવી છે.

સેનાના એક વરિષ્ઠ અધિકારીએ એક ન્યૂઝ સંસ્થાન સાથે વાતચીતમાં જણાવ્યું કે, સરકાર ટૂંક સમયમાં જ હાઈ લેવલ મીટિંગમાં હોવિત્ઝર તોપ બાબતે નિર્ણય લેશે. આ તોપ જૂની તોપો કરતાં ઘણી હલકી છે. તેની રેન્જ 48 કિમી છે. ઉપરાંત તે માઈનસ 30થી 75 ડિગ્રી સુધીના તાપમાનમાં ચોક્કસ ફાયર કરવા સક્ષમ છે.

આ તોપને ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશનની પુણે સ્થિત લેબ આર્મામેન્ટ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટ (ARDE)એ ભારત ફોર્જ લિમિટેડ, મહિન્દ્રા ડિફેન્સ નેવલ સિસ્ટમ, ટાટા પાવર સ્ટ્રેટેજિક એન્ડ ઓર્ડનન્સ ફેક્ટરી બોર્ડ દ્વારા વિકસાવવામાં આવી છે.

તેના ડેવલપમેન્ટનું કામ 2013માં શરુ થયું હતું અને પ્રથમ સફળ પરીક્ષણ 14 જુલાઈ 2016ના રોજ હાથ ધરવામાં આવ્યું હતું. આ તોપનો ઉપયોગ અને લાક્ષણિકતાઓ બોફોર્સ તોપ જેવી જ છે, તેથી તેને દેશી બોફોર્સ પણ કહેવામાં આવે છે.