ગુજરાતને કોણ બનાવી રહ્યું છે “ઉડતા ગુજરાત”? ₹800 કરોડનું ડ્રગ્સ ઘૂસેડવું નાનીસૂની વાત નથી

ગાંધીધામ ડ્રગ્સ- ગુજરાત ટાઈમ્સ24

ગાંધીધામ: ગાંધીધામ પોલીસે 800 કરોડનું 80 કિલોગ્રામ કોકેઇન ઝડપી પાડીને પોતાની ફરજ પૂરી પાડી છે. પાછલા કેટલાક વર્ષથી ગુજરાતમાં કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડાઇ રહ્યું છે. તેવામાં એક વિચાર તે પણ આવે કે, કરોડ રૂપિયાનું પકડાય છે તો કેટલા રૂપિયાનું ડ્રગ્સ નહીં પકડાતું હોય. પોલીસ પોતાની ફરજ ખુબ જ સારી રીતે નિભાવી રહી છે. જોકે, તે છતાં પણ કરોડો રૂપિયાનું ડ્રગ્સ ગુજરાતમાં ઘુસેડવામાં આરોપીઓ સફળ સાબિત થતાં આવ્યા છે. તો એવું આપણે ક્યારેય ના કહી શકીએ કે, આ આરોપીઓ દરેક વખત પકડાઇ જતાં હશે.

પાછલા વર્ષોમાં જેટલું ડ્રગ્સ ગુજરાતમાંથી પકડાયું છે તેટલું તો પંજાબ અને હરિયાણામાંથી પણ પકડાયું નથી. આ રાજ્યો નશીલા પદાર્થોના હબ તરીકે પોતાની નકારાત્મક છબી ઉભા કરી ચૂક્યા છે. તેથી તો પંજાબને ઉડતા પંજાબ પણ કહેવામાં આવી રહ્યું છે. આ બંને રાજ્યોને સહિત હવે ગુજરાત પણ તેમના માર્ગ તરફ આગળ વધી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. ઉડતા પંજાબ તો બની ગયું પરંતુ કોઈ છે જે ગુજરાતને પણ ઉડતા ગુજરાત બનાવવા માટે પ્રયત્નશીલ છે. હવે સરકારને વિચારવાનું રહ્યું કે,  ગુજરાતમાં નશીલા પદાર્થના મોટા જથ્થામાં ઘુસેડવામાં આરોપીઓ કેવી રીતે સફળ થઈ રહ્યાં છે.

આ ડ્રગ્સના કારોબાર પાછળ એવું તો કોઈ છે, જે ગુજરાતને ઉડતા ગુજરાત બનાવવા ઈચ્છી રહ્યું છે. તે રાજ્યને ઉડતા ગુજરાત બનાવીને કરોડો રૂપિયાનું કાળો કારોબાર ઉભો કરવાની વેતરણમાં હોય તે સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યું છે. કેમ કે 800 કરોડ રૂપિયા જેટલી માતબર રકમનું ડ્રગ્સ ગુજરાતમાં લાવવું તે કંઇ નાનીસૂની વાત નથી. આના પાછળ ડ્રગ્સ માફિયા સહિત મોટા માથાઓ સંડોવાયેલા હોય તે સ્વભાવિક છે. સરકારે આવા ડ્રગ્સ માફિયાઓને નાંથવા માટે ગુપ્તચર એજન્સીઓને સક્રિય કરીને કેન્દ્રની મદદ લેવી રહી.  કેમ કે બોર્ડર બહારના દૂશ્મનોથી તો જવાનો આપણી સુરક્ષા કરી રહ્યાં છે પરંતુ ગુપ્ત રીતે અંદરખાને વધી રહેલા દૂષણને ડામવા માટે પગલા ભરવા જરૂરી છે.

આ પણ વાંચો-ગુજરાતમાં 30 સપ્ટેમ્બરથી નૈઋત્યના ચોમાસાની વિદાય, સિઝનમાં સરેરાશ 104 ટકા વરસાદ થયો

ઉલ્લેખનિય છે કે જખૌના દરિયા કિનારેથી તો પ્રતિદિવસ નશીલા પદાર્થના પેકેટ મળી રહ્યાં છે. પાછલા ચાર મહિના સુધી સતત દરિયાકાંઠે નશીલા પદાર્થોના પેકેટ અને હથિયારો બિનવારસી હાલતમાં ભારતીય કોસ્ટગાર્ડની ટીમને મળતા રહ્યાં છે. આ એક મોટી સમસ્યા છે, જેનો ઉકેલ લાવવા માટે ગુજરાત સરકારે ગંભીરતાથી પગલા ભરવા જોઈએ.

ગુજરાતમાં પ્રતિદિવસ અવનવા દૂષણો ઘર કરી રહ્યાં છે. જેમ કે ગુજરાતમાં દારૂબંધી તો નામની જ રહી છે. તેવી રીતે હવે આવી રીતે જ કોકેઇન સહિતના નશીલા પદાર્થો ગુજરાતમાં આવતા રહેશે તો દારૂની જેમ અન્ય નશો પણ હાથવગું બની જશે. આ ઉપરાંત ડબ્બા ટ્રેડિંગ જેવો ગોરખ ધંધો પણ પોલીસની રહેમ નજરે ફૂલી ફાલી રહ્યો છે. પરંતુ પોલીસ ખાતાના ઉપલા અધિકારીઓ પણ તે દૂષણ સામે આંખ આડા કાન કરી રહ્યાં છે. પરંતુ આગામી દિવસોમાં ડબ્બા ટ્રેડિંગના દૂષણને ડામવો પણ પોલીસ માટે અઘરૂ થઈ પડશે. આ દૂષણ બોરડીની જેમ પોતાના મૂળિયા નાંખી રહ્યું છે તેને ઉખેડવા સિસ્ટમ માટે સરળ રહેશે નહીં.

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોતે જ નિવેદન આપ્યું છે કે પંજાબ, હરિયાણાએ જેટલું વર્ષોથી ડ્રગ્સ નથી ઝડપ્યું તેટલું ગુજરાત પોલીસે 2 વર્ષમાં પકડ્યું છે. જોકે, આ બાબતે આપણે પોતાની પીઠ થબથબાવવાની નથી. આ સરકારની નિષ્ફળતા છે કે આટલા મોટા પાયે ડ્રગ્સ ગુજરાતમાં આવી રહ્યું છે. હર્ષ સંઘવીએ ગાંધીધામ પોલીસની કામગીરીને બિરદાવી તે યોગ્ય છે. કેમ કે ગાંધીધામ બી ડીવીઝનની પોલીસની સક્રિય કામગીરીના કારણે જ ડ્રગ્સને પકડી શકાયું છે.

આ પણ વાંચો-અંબાજીના મહામેળામાં 5.70 કરોડથી વધુની આવક, 40 લાખ શ્રદ્ધાળુએ દર્શનનો લાભ લીધો

ગાંધીધામ પોલીસને મળી હતી બાતમી

ગાંધીધામ પોલીસ દ્વારા છેલ્લા ઘણા દિવસોથી કોકેઇનને લઈને વોચ રાખવામાં આવી રહી હતી. પોલીસને મળેલી બાતમીના આધારે ખૂબ મોટા પ્રમાણમાં કોકેઇન સપ્લાય થવા જઈ રહ્યો હોવાની વાત પહોંચતા આખું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં પોલીસે અંદાજે 80 કિલો જેટલું કોકેઇન જપ્ત કર્યું છે. જેનો FSLનો રિપોર્ટ પણ પોઝિટિવ આવી ગયો છે. આશરે 800 કરોડ રૂપિયાનું કોકેઇન ઝડપાતા ગાંધીધામ પોલીસની કામગીરીની પ્રશંસા થઈ રહી છે.

ડ્રગ્સ સગેવગે થાય તે પહેલા જ ત્રાટકી ગાંધીધામ પોલીસ

ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારના દરીયાઈ કાંઠાના ગામોમાં ડ્રગ્સ તેમજ અન્ય નશીલા માદક પદાર્થોના મોટા જથ્થાની હેરાફેરી થવાની પોલીસને બાતમી મળી હતી. પોલીસે બાતમીના આધારે LCB, SOG અને સ્થાનિક પોલીસની અલગ અલગ ટીમો બનાવી દરીયાઈ કાંઠાના ગામોમાં સધન ચેકિંગ અને કોમ્બિંગ હાથ ધર્યું હતુ. તથા શંકાસ્પદ ઇસમોની પ્રવૃતિઓ ઉપર સતત વોચ રાખવામાં આવી હતી.

આ દરમિયાન LCBને હકીકત મળેલ કે મીઠીરોહ૨ દરીયા કિનારે અમુક ઇસમો ડ્રગ્સનો જથ્થો સગેવગે કરવાની તૈયારીમાં છે. જે આધારે પોલીસની ટીમોએ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને 80 કિલોગ્રામ ડ્રગ્સના પેકેટો કબજે લીધા હતા.

હર્ષ સંઘવીએ જણાવ્યું હતુ કે, ઇન્ટરનેશનલ કનેક્શન હોય કે આરોપીઓ હોય તેમને ઝડપી પાડવામાં ગુજરાત પોલીસને સફળતા મળી રહી છે. અનેક ઇન્ટરનેશનલ આરોપીઓને પણ આપણે જેલના હવાલે કરી દીધા છે.

આ પણ વાંચો-વિદેશી કંપનીઓ 1 ઓક્ટોબરથી GSTના દાયરામાંઃ નેટફ્લિક્સ, હોટસ્ટાર, ફેસબૂક, ગૂગલ, એક્સ જેવી કંપનીઓને અસર થશે