2000ની નોટ બદલવાનો આજે અંતિમ દિવસ છતાં હજુ 25 હજાર કરોડની નોટો જમા થઈ નથી

2000ની ચલણી નોટો મે મહિનાથી બંધ કરવાની જાહેરાત સરકાર દ્વારા કરાઈ ત્યારથી અત્યાર સુધીમાં ઘણી 2000ની નોટો બેંકોમાં જમા થઈ છે પરંતુ એક રિપોર્ટ અનુસાર હજુ પણ કેટલીક 2000ની નોટો બેંકોમાં પરત આવી નથી અને તે આંકડો તમને ચોંકાવી દેશે.

ચાર દિવસ પહેલા એક રિપોર્ટ અનુસાર 25 હજાર કરોડ રુપિયાની નોટ હજુ પણ બેંકોમાં પાછી આવી નથી. RBIએ આ વર્ષે 19 મેના રોજ એક પરિપત્ર જાહેર કરીને આ નોટોને 30 સપ્ટેમ્બર સુધીમાં બેંકોમાં જમા કરવા અથવા એક્સચેન્જ કરવા જણાવ્યું હતું.

આજે 30 સપ્ટેમ્બર અને શનિવાર છે એટલે રુ 2000ની ચલણમાંથી હટાવી દીધેલી નોટને જમા કરાવવાનો છેલ્લો દિવસ છે. આજે પાંચમો શનિવાર છે એટલે બેંકો 4 વાગ્યા સુધી અને એટીએમમાં મધરાત 12 વાગ્યા સુધી 2000ની ચલણીનોટ જમા કરાવી શકાશે.

દિલ્હીથી આવેલા એક સમાચાર અનુસાર માત્ર દિલ્હી અને ગાઝિયાબાદના લોકોએ નોઈડાની બેંકોમાં 100 કરોડ રુપિયાની 2000ની ચલણી નોટ જમા કરાવી છે. છેલ્લા દિવસોમાં પણ અહીંના લોકોએ નોઈડાની બેંકોમાં પૈસા જમા કરાવ્યા છે.

RBIએ 30 સપ્ટેમ્બર 2023 સુધી 2000ની નોટો જમા કરાવવા અને બદલવાની સલાહ આપી છે. જોકે આ સમયમર્યાદા ઓક્ટોબર સુધી લંબાઈ શકે છે તેવું કેટલાક એક્સપર્ટ કહી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે 2000 રુપિયાની નોટ નવેમ્બર 2016માં બજારમાં આવી હતી ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 500 અને 1000 રુપિયાની નોટો પર પ્રતિબંધ મૂક્યો હતો. તેના સ્થાને નવી પેટર્નમાં 500 અને 2000 રુપિયાની નવી નોટ જાહેર કરવામાં આવી હતી.
RBIએ 2018-19થી 2000 રુપિયાની નોટોનું પ્રિન્ટિંગ બંધ કરી દીધું છે. જ્યારે 2021-22માં 38 કરોડ 2000 રુપિયાની નોટો નાશ પામી છે.