ખાનગી સ્કૂલોની ફી માટેના ફી રેગ્યુલેશન એક્ટ 2017 અંતર્ગત હાલના ફી મર્યાદામાં સ્લેબમાં સુધારો કરવા માટે અનેક સંચાલક મંડળે કરેલી રજૂઆતને પગલે સરકારે ફી સુધારા માટે કમિટી રચી છે અને જેના રિપોર્ટ અને ભલામણોને આધારે સરકારે એક્ટ લાગુ થયાના 7 વર્ષે સ્લેબ સુધારી શકે છે.
હવે આ નવી જાહેરાતથી વાલીઓમાં ચિંતા સેવાઈ રહી છે કે નવા સ્લેબ જો નક્કી થશે તો આગામી શૈક્ષણિક સત્રથી ફીમાં વધારો થઈ શકે છે.
ખાનગી સ્કૂલોની ફી માટેના હાલના સ્લેબ મુજબ પ્રાથમિકમાં 15 હજાર તેમજ માધ્યમિકમાં 20 હજાર અને ઉચ્ચતર માધ્યમિક સામાન્ય પ્રવાહ માટે 25 હજાર તથા સાયન્સ માટે 30 હજાર છે એટલે કે પ્રાથમિકમાં ખાનગી સ્કૂલે 15 હજારથી વધુ ફી લેવી હોય તો દરખાસ્ત કરવી પડે છે તેમજ માધ્યમિકમાં 20 હજારથી વધુ અને ઉચ્ચતર માધ્યમિકમાં 25 હજાર તેમજ 30 હજારથી વધુ ફી લેવી હોય તો દરખાસ્ત કરવી પડે છએ.
કમિટી દ્વારા તમામ હિસાબો-ડોક્યુમેન્ટ ચકાસ્યા બાદ નવી માંગેલી ફી અથવા નિશ્ચિત ફી નક્કી કરવામાં આવે છે. એકટ લાગુ થયા બાદ માત્ર સાયન્સમાં ફી મર્યાદા વધારાઈ હતી.
દરમિયાન રાજ્ય શાળા સંચાલક મહામંડળ દ્વારા સરકારને રજૂઆત કરાઈ હતી કે હાલની મોંઘવારી તેમજ અન્ય ખર્ચાને ધ્યાનમાં રાખતા ફી મર્યાદા વધારવી જોઈએ તથા હાલના સ્લેબમાં સુધારો કરવો જોઈએ. જેને પગલે શિક્ષણ વિભાગ દ્વારા નવી મર્યાદા નક્કી કરવા કમિટી રચાઈ છે.
આ નવી કમિટીમાં અધ્યક્ષ ગુજરાત બોર્ડના ચેરમેન રહેશે. અન્ય સભ્યોમાં સ્કૂલ કમિશનર, પ્રાથમિક શિક્ષણ નિયામક, સંયુક્ત શિક્ષણ નિયામક, બોર્ડ સચિવ તથા ચારેય ઝોનના ચીફ કોઓર્ડિનેટર કમ ડીઈઓ રહેશે.
હાલ ચાર ઝોનમાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ છે. આ ચારેય જિલ્લાના ડીઈઓ ઝોનના ચીફ કો-ઓર્ડિનેટર છે.
ઉલ્લેખનીય છે કે થોડા વર્ષો અગાઉ ફી વધારાને લઈને સમગ્ર ગુજરાતમાં વાલીઓ ખાનગી સ્કૂલ સંચાલકો સામે બાંયો ચડાવી હતી, જેના પગલે સરકારે વચ્ચે દરમિયાનગીરી કરીને ફી રેગ્યુલર ઓથોરિટીની રચના કરી હતી, જેના પગલે હાલમાં અમલમાં મૂકાયેલું ફીનું માળખું તમામ ખાનગી શાળાઓ અનુસરી રહી છે.