આત્મહત્યા રોકવા રાજસ્થાન સરકારે કોટાની તમામ કોચિંગ ઈન્સ્ટિટ્યૂટ માટે ગાઈડલાઈન બહાર પાડી

‘All is Well’ ગીતથી તમે જરુર પરિચિત હશો પરંતુ દેશના કોચિંગ હબ કોટામાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ માટે અહીં કશું જ All is Well નથી, અહીં વિદ્યાર્થીઓની આત્મહત્યાના કેસો પર અંકુશ મૂકવા રાજસ્થાન સરકારે કોચિંગ ઈન્સ્ટિટ્યૂટ માટે દિશાનિર્દેશ જારી કર્યા છે, જેમાં ટોપર્સના નામ જાહેર ન કરવા, રુટિન ટેસ્ટનું પરિણામ ગોપનીય રાખવું, રેન્કના આધારે વિદ્યાર્થીઓની અલગ બેચ ન બનાવવા, 120 દિવસની અંદર રિફંડ ચૂકવવા સહિતની અનેક ભલામણો કરવામાં આવી છે.

કોટા ભારતનું એકમાત્ર એવું કોચિંગ હબ છે જ્યાં દેશની પ્રતિષ્ઠિત ઈન્સ્ટિટ્યૂટમાં એડમિશન લેવા માટે લેવાતી એન્ટ્રસ્ટ એક્ઝામની તૈયાર કરવા માટે દેશભરમાંથી વિદ્યાર્થીઓ આવતા હોય છે. હવે પરિસ્થિતિ કંઈક જુદી જ છે. કોટામાં વિદ્યાર્થીઓની આત્મહત્યાના વધતા કેસોની સમીક્ષા કરવા માટે શિક્ષણ સચિવ ભવાની સિંહના નેતૃત્ત્વમાં 15 સભ્યોની સમિતિની રચના કરવામાં આવી હતી. આ સમિતિની રચનાના થોડાક દિવસ પછી 9 પાનાની ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે.

ગાઈડલાઈન ધોરણ 9થી નીચેના વર્ગના વિદ્યાર્થીને પ્રવેશ ન આપવાની પણ ભલામણ કરે છે.

વિદ્યાર્થીને રસ છે કે નહીં તેની ચકાસણી કર્યા પછી જ પ્રવેશ આપવાનું પણ જણાવવામાં આવ્યું છે. જો ધોરણ 9થી નીચેના વર્ગનો વિદ્યાર્થી કોચિંગ ઈન્સ્ટિટ્યૂટ છોડવા માગે છે તો તેને 120 દિવસમાં રિફંડ ચૂકવવું પડશે.

મેડિકલ અને એન્જિનિયરિંગની પ્રવેશ પરીક્ષાની તૈયારી કરાવતી કોચિંગ ઈન્સ્ટિટ્યૂટને ફરજિયાત વીકમાં રજા, રજાના દિવસે પરીક્ષાનું આયોજન ન કરવાનું પણ જણાવવામાં આવ્યું છે.

ગાઈડલાઈનમાં જણાવવામાં આવ્યું છે કે જો કોઈપણ કોચિંગ ઈન્સ્ટિટ્યૂટ આ ગાઈડલાઈનનું પાલન નહીં કરે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરાશે.