હાંગઝોઉ એશિયન ગેમ્સમાં ભારતે પોતાના ખાતામાં વધુ એક ગોલ્ડ મેડલ ઉમેર્યો છે. ભારતીય ટેનિસ જોડી રોહન બોપન્ના અને રુતુજા ભોસલેએ ચીનના હાંગઝોઉમાં 2023ની ટેનિસ ચેમ્પિયનશિપમાં શાનદાર પ્રદર્શન કર્યું. આ જોડીએ રોમાંચક ફાઈનલમાં ત્સુંગ-હાઓ હુઆંગ અને એન-શુઓ લિયાંગની ચાઈનીઝ તાઈપેઈની જોડીને હરાવી છે.
રુતુજાએ પ્રથમ વખત એશિયન ગેમ્સની ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. ભારતે શરુઆતના સેટમાં સંઘર્ષ કર્યો અને લગભગ અડધા કલાકમાં 2-6થી પાછળ રહ્યું. આ પછી ભારતે બીજા સેટમાં જોરદાર વાપસી કરીને જીત મેળવી હતી. રુતુજાની મેચમાં વાપસીથી ભારતને ગોલ્ડ મેડલ જીતવામાં મદદ મળી છે.
ભારતે ત્રીજા સેટમાં પોતાની ગતિ જાળવી રાખી હતી, જેના કારણે ભારતે નિર્ણાયકમાં મેચ ટાઈ કરી હતી. ચાઈનીઝ તાઈપેઈને 2-6, 6-3, 10-4ના સ્કોરથી હરાવીને પોતાની જીત મેળવી હતી. એશિયન ગેમ્સમાં બોપન્નાનો આ બીજો મેડલ હતો.
ભારતીય ટેનિસ દિગ્ગજ રોહન બોપન્નાએ જકાર્તા 2018માં મેન્સ ડબલ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ સાથે જ રુતુજા માટે એશિયન ગેમ્સનો આ પહેલો મેડલ છે. 2023 એશિયન ગેમ્સમાં ટેનિસમાં આ ભારતનો બીજો મેડલ પણ છે.