નર્મદાના સેલંબમાં બજરંગ દળની શૌર્ય યાત્રામાં પથ્થરાવ; દુકાનોને આગચંપી

નર્મદામાં કોમી છમકલું; ગુજરાત ટાઈમ્સ24
  • નર્મદા જિલ્લા પોલીસના કાફલાએ ઉતરી પડી હળવા લાઠીચાર્જ અને ટીયરગેસના સેલ છોડી સ્થિતિ કાબુમાં લીધી
  • બે દિવસ પેહલા શિવાજી ચોકમાં કેટલાક યુવકોએ ઇલાકા તુમ્હારા હોગા ધમાકા હમારા હોગાના નારા લગાવ્યા હોવાની યાત્રા ઇન્ચાર્જની કેફિયત
    7 થી 8 ટીયર ગેસના સેલ છોડાયા, 10 થી 15 ઘાયલ, 2 પોલીસને પણ ઇજા

વિશાલ મિસ્ત્રી રાજપીપળા: નર્મદા જિલ્લાના સેલંબા ખાતે બજરંગ દળ આયોજિત શૌર્ય યાત્રા ઉપર પથ્થર મારા બાદ બે કોમના ટોળા સામ સામે આવી જતા સ્થિતિ તંગ બની હતી. તો બીજી બાજુ કેટલીક દુકાનોમાં આગચંપીના બનાવને લઈ જિલ્લા ભરનો પોલીસ કાફલો ખડકી દઈ હળવા લાઠી ચાર્જ અને ટીયર ગેસના સેલ છોડી સ્થિતિ નિયંત્રણમાં લઇ લેવાઈ છે. દેશભરમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા જિલ્લા સ્તરે આયોજન કરાઈ રહ્યું છે. નર્મદા જિલ્લામાં પણ શોર્ય યાત્રાનું આયોજન કરાયું હતું. શોર્ય યાત્રાનો રથ પોલીસ પ્રોટેક્શન સાથે સાગબારાથી ડેડિયાપાડા ખાતે જાનકી આશ્રમ જઇ રહ્યો હતો.

શુક્રવારે કુઈદા ગામ તરફથી શૌર્ય યાત્રા રથ, ડી.જે. અને પોલીસ બંદોબસ્ત વચ્ચે સેલંબા જઈ રહી હતી. સેલંબામાં શૌર્ય યાત્રા પ્રવેશતા જ અચાનક પથ્થરમારો કરતા પરિસ્થિતિ વણસી હતી. હિન્દૂ મુસ્લિમ બન્ને કોમનું ટોળું આમને સામને આવી જવા સાથે પથ્થરમારો શરૂ થતાં નાસભાગ અને અરાજકતા ફેલાઈ હતી. યાત્રાના રથને રોકી નુકશાન પોહચાડ્યું હોવાનો તેમજ મહારાજ સાથે ગેરવર્તન કરાયું હોવાના પણ આક્ષેપ કરાયા છે. સ્થિતિ વણસતા જ નર્મદા DYSP, LCB, SOG સહિત પોલીસની ટીમ સેલંબા દોડી આવી હતી.

આ પણ વાંચો-2000ની નોટ બદલવાનો આજે અંતિમ દિવસ છતાં હજુ 25 હજાર કરોડની નોટો જમા થઈ નથી

બીજી તરફ વાહનો અને કેટલીક દુકાનોમાં તોડફોડ સાથે ટોળાએ આગચંપી કરતા પોલીસે તોફાનીઓ તેમજ ટોળાને વિખેરવા હળવો લાઠી ચાર્જ તેમજ ટીયર ગેસના સેલ છોડી સ્થિતિને નિયંત્રણમાં લેવાની ફરજ પડી હતી.નર્મદા જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુબે સહિત રેન્જ આઈજી સંદીપ સિંઘ પણ સેલંબા ખાતે પહોચી સ્થિતિનો તાગ મેળવ્યો હતો.

બે દિવસ પેહલા જ શિવાજી ચોક ખાતે કેટલાક યુવકો દ્વારા નારા લગાવવામાં આવ્યા હોવાની વિગતો પણ છમકલાં બાદ બહાર આવી રહી છે. જેમાં ઇલાકા તુમ્હારા હોગા ધમાકા હમારા હોગા તેવા નારા લગાવવામાં આવ્યા હોવાનું શૌર્ય યાત્રાના ઇન્ચાર્જએ કર્યા છે. રાજપીપળાથી આગજનીને લઈ ફાયર ફાઈટરો પણ સેલંબા દોડી ગયા હતા. હિન્દૂ આગેવાનોએ CCTV ચેક કરી યાત્રા પર હુમલો કરનારાઓને જેલ કરવાની માંગ કરી છે.

નર્મદા પોલીસ દ્વારા જણાવાયું હતું કે હવે સ્થિતિ સંપુર્ણ કાબુમાં અને શાંતિનો માહોલ છે. નર્મદા જીલ્લાના પોલીસ વડા તથા જીલ્લાની તમામ બ્રાંચોની પોલીસ હાજર છે.પોલીસનું ફ્લેગ માર્ચ ચાલુ છે. શોર્યયાત્રા ફરીથી શાંતિપુર્ણ રીતે પસાર થઇ ગઈ છે. સંડોવાયેલ ઇસમોને રાઉન્ડ અપ કરવાની તથા કાયદેસરની કાર્યવાહી કરવા અંગે ગુના દાખલ કરવાની તજવીજ ચાલુ છે.

આ પણ વાંચો-અમદાવાદ: નિર્માણાધીન બિલ્ડીંગમાં દુર્ઘટનાના પગલે ત્રણ શ્રમિકોના મોત

મારા લાખો રૂપિયાના માલ સામાનને નુકશાની થઇ છે, શુ સરકાર મને વળતર આપશે??: મુસ્લીમ યુવાને રડતી આંખે પોતાની આપવીતી જણાવી.

આ ઘટના બાદ એક મુસ્લીમ યુવાનનો વિડિયો વાઇરલ થયો છે. જેમાં એ રડતી આંખે જણાવી રહ્યો છે કે આ આગચંપીમાં મારા લાખો રૂપિયાનો માલ સામાનને નુકશાની થઇ છે.મારી 15 વર્ષની મેહનત પાણીમાં જતી રહી છે શું સરકાર મને વળતર આપશે??.તો બીજી બાજુ કેટલીક દુકાનોમાંથી લૂંટફાટ કરાઈ હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.

 આ પુર્વ આયોજીત કાવતરું: ચૈતર વસાવા, ડેડીયાપાડા ધારાસભ્ય

આ બાબતે ચૈતર વસાવાએ ઘટનાસ્થળની મુલાકાત દરમિયાન હાજર પોલીસ અધિકારીને જણાવ્યું હતું કે મે SDM અને પ્રાંત અઘિકારીને પૂછ્યું તો એમણે મને કહ્યું કે યાત્રાની કોઈ પરવાનગી અપાઈ નથી, તો તમે કેવી રીતે અહીંયા બંદોબસ્ત ગોઠવ્યો.આ પુર્વ આયોજીત કાવતરું છે. આ લોકો ફકત મુસ્લિમોને ટાર્ગેટ કરે છે.જવાબદારો સામે કડક કાર્યવાહી થવી જોઈએ.

 મુસ્લિમોના ટોળાએ યાત્રા પર પથ્થરમારો કર્યો: પ્રેમ વસાવા, જિલ્લા બજરંગદળ ઉપપ્રમુખ

પ્રેમ વસાવાએ જણાવ્યું હતું કે અમારી યાત્રા શિષ્તબધ્ધ રીતે પસાર થઈ રહી હતી. ત્યારે મુસ્લિમોના ટોળાએ અમને કહ્યું કે મસ્જિદ પાસે તમારે વગાડવાનું નથી. આ અમારો ઇલાકો છે. એમ કહી યાત્રા પર પથ્થરમારો ચાલું કર્યો હતો. બજરંગદળ દ્વારા આ વિસ્તારમાં ગાય, ભેંસની તસ્કરી બંધ કરાવી છે. એ તસ્કરી કરનાર દલાલો અને નેતાઓનો પણ એ ઘટનામા હાથ છે. જ્યાંથી પથ્થરમારો થયો છે એ ઘરો પર બુલડોઝર ફેરવી દેવું જોઈએ.

SRP ની એક કંપની તૈનાત કરાઈ છે: રેન્જ આઇજી સંદીપસિંહ

વડોદરા રેન્જ આઇજી સંદીપસિંહે જણાવ્યું હતુ કે રેલીના આગલા દિવસે સ્થાનિક પીએસઆઈની અધ્યક્ષતામાં બનનેવ પક્ષોના આગેવાનોની બેઠક મળી હતી.જેમાં ક્યાં રૂટ પરથી રેલી લઈ જવી એ નક્કી કરાયું હતું.આ યાત્રા નિકળી ત્યારે અમુક લોકોએ એમ કહ્યું કે વધારે અવાજ છે અને સામે છેડેથી પથ્થર મારો ચાલું થયો એટલે બીજા પક્ષે પણ પથ્થર મારો કર્યો હતો. હાલ સેલંબામાં એક SRP ની કંપની તૈનાત કરાઈ છે, 15 જેટલા એન્ટ્રી પોઇન્ટ છે જેમાં 5 જેટલા એન્ટ્રી પોઇન્ટ પર પીએસઆઈ કક્ષાના અધિકારી સુધી નજર રાખી રહ્યા છે.FIR દાખલ કરવાની તજવીજ ચાલી રહી છે. CCTV ફૂટેજ અને અન્ય માહિતીના આધારે આ ઘટનામાં સામેલ લોકોને શોધવાની તજવીજ ચાલી રહી છે.આ રેલીને મંજુરી મળી હતી કે નહિ એ બાબતે પણ તપાસ થશે. 15- 16 લોકોને રાઉન્ડ અપ કરાયા છે, પોલીસ પણ ઘાયલ થયા છે પણ કોઈ ગંભીર નથી.

આ પણ વાંચો-હિંમતનગર: હાર્ટ એટેકે પરિવારોની ચિંતા વધારી; વધુ એક 21 વર્ષિય યુવકનું મોત