બગસરામાં હનુમાનજીની પ્રાચીન મૂર્તિ સહિત જૂનું સ્વામિનારાયણ મંદિર તોડી પડાતા રોષ

હજુ સાળંગપુરમાં હનુમાનજીને દાસ દેખાડાવાની ચેષ્ટાનો વિવાદ માંડ શાંત પડ્યો છે ત્યાં હવે બગસરાના બંગલી ચોકમાં રાજાશાહી વખતમાં દાનમાં મળેલી જગ્યા પર આશરે 150 વર્ષ પૂર્વે નિર્માણ થયેલા સ્વામિનારાયણ મંદિરમાં સાળંગપુરમાં છે તેવી દિવ્ય હનુમાનજીની 107 જૂની પ્રતિમા અને સમગ્ર મંદિરને તોડીને કાટમાળમાં ફેરવી દેવાતા ભારે રોષની લાગણી જન્મી છે.

આ મંદિર બનાવવા માટે જુનાગઢના સ્વામિનારાયણ મંદિરના ગુણાતિતાનંદ સ્વામી દ્વારા લાકડા મોકલ્યા હતા અને હરિભક્તોના સહકારથી તેનું નિર્માણ કરાયું હતું.

શ્રદ્ધાળુઓ કહે છે કે દેશમાં હનુમાનજીની આ પ્રકારની માત્ર ચાર જ મૂર્તિઓ છે અને આ હનુમાનજીને લોકો શ્રદ્ધાથી પૂજતા હતા, મૂર્તિ ખંડિત નહોતી, મંદિરને તાળા મારી દેવાયા ત્યારબાદ પણ લોકો બહારથી આરતી કરતા હતા.

આ મંદિર 1965માં ગોરધન સોરઠીયાએ ટ્રસ્ટ બનાવીને ચાર વ્યક્તિને આજીવન ટ્રસ્ટી બનાવી દઈને બાદમાં બે ટ્રસ્ટીઓએ તાજેતરમાં જૂનું મંદિર તોડી પાડવા નિર્ણય કરતા તેની સામે હરિભક્તોએ જૂનું મંદિર ચાલુ રાખવા કોર્ટમાં દાવો કર્યો હતો અને અન્વયે પંચનામુ થાય તે પહેલા હનુમાનજીની મૂર્તિ સહિતના મંદિર પર બુલડોઝર ફેરવી દેવાયાનું લોકોએ જણાવ્યું છે.

આ અંગે ટ્રસ્ટીઓ મંદિર જર્જરીત હોવાથી તોડી પડાયાની વાત કરી રહ્યા છે પરંતુ વાસ્તવમાં ખોટી ઉતાવળ કરાઈ છે તેવું હરિભક્તો કહી રહ્યા છે.