વડોદરા મ્યુનિ.ની અનોખી પહેલઃ ગણેશ વિસર્જન બાદ ઓર્ગેનિક પૂજાપો ભેગો કરી તેમાંથી સેન્દ્રીય ખાતર બનાવાશે

વડોદરામાં કોર્પોરેશન (VMC) દ્વારા ભગવાન ગણેશજીની મૂર્તિઓ માટે બનાવેલા પાંચ કૃત્રિમ તળાવમાં પૂજાપો વગેરે એકત્રિત કરીને સેગ્રીગેટ કરી તેમાંથી સેન્દ્રીય ખાતર બનાવવામાં આવશે.

સ્થાનિક કોર્પોરેશન પાસેથી મળતી માહિતી અનુસાર, પૂજાપામાં લોકોએ બાયોડિગ્રેડેબલ સિવાયની પ્લાસ્ટિક વસ્તુઓ પણ તળાવો બહાર મૂકેલા સુવર્ણ કુંભમાં ઠાલવી હોવાથી સૌથી પહેલા તે બધું અલગ કરાશે અને જે બાયોડીગ્રેડેબલ હશે તે સીધું ખાતર બનાવવાનું કમ્પોસ્ટ ખાતરના કન્વર્ટર મશીનમાં જશે.

વડોદરામાં આવા 12 કન્વર્ટર મૂકેલા છે, જેમાં ફૂલ પાન વગેરે ઠાલવવાથી સેન્દ્રીય ખાતર તૈયાર થઈ જશે. આ મશીનો ઉપરાંત અટલાદરા પ્લાન્ટ તેમજ ગોત્રી ખાતે યુસીડીની બહેનો દ્વારા પણ ખાતર તૈયાર કરવામાં આવશે. અહીં જે બાયોડિગ્રેડેબલ વસ્તુ આવશે તેમાં માટી ગોબર વગેરે નાખીને બોક્સમાં ભરી દેવાશે. આ ખાતર બનતા 21 દિવલ લાગશે. VMCને ધારણા છે કે આશરે પાંચ ટન બાયોડિગ્રેડેબલ મટીરિયલ ખાતર બનશે.