દેશની સૌથી મોટી સાયબર ક્રાઈમ છેતરપિંડીનો પર્દાફાશ બેંગ્લુરુમાંથી થયો છે. આ ઘટનામાં સમગ્ર દેશમાંથી અનેક માસુમ લોકો ફસાયા છે. બેંગ્લુરુ પોલીસે રુ.854 કરોડની સાયબર છેતરપિંડી કૌભાંડ પકડી પાડ્યું છે અને છ લોકોની ધરપકડ કરી છે. કૌભાંડના સુત્રધારોએ રોકાણ યોજનાઓના નામ સમગ્ર દેશમાં હજારો લોકો સાથે છેતરપિંડી કરી છે તેમ પોલીસ અધિકારીઓએ પત્રકારનો સંબોધતા જણાવ્યું હતું.
પોલીસે આ કૌભાંડના કેસમાં છ આરોપીઓ મનોજ, પણિન્દ્ર, ચક્રઘર, શ્રીનિવાસ, સોમશેખર અને વશનાથની ધરપકડ કરી છે. આ બધા જ બેંગ્લુરુના રહેવાસી છે. આ કૌભાંડના માસ્ટરમાઈન્ડ અન્ય ત્રણ આરોપીઓની ઓળખ કરાઈ છે તેમ પણ પોલીસે જણાવ્યું છે.
પોલીસે પત્રકારોને સંબોધતા જણાવ્યું કે, સાયબર કૌભાંડમાં આરોપીઓએ એકત્ર કરેલી કુલ રકમમાંથી પાંચ કરોડ રુપિયા ફ્રીઝ કરી દેવાયા છે. આરોપીઓએ એકલા બેંગ્લુરુમાંથી જ રુ. 49 લાખની છેતરપિંડી કરી હતી. આરોપી ગેંગ લોકોને વોટ્સએપ અને ટેલીગ્રામ મારફત આકર્ષતી હતી. તેઓ શરુઆતમાં લોકોને રુ.1000થી રુ.10,000ની નાની રકમનું રોકાણ કરવા આકર્ષતા હતા.
બેંગ્લુરુ પોલીસ કમિશનર બી.દયાનંદે જણાવ્યું કે, હજારો લોકોએ લાલચમાં આવીને આ ગેંગની યોજનાઓમાં રુ. 1 લાખથી રુ. 10 લાખ અને તેથી વધુનું રોકાણ કર્યું હતું. સેન્ટ્રલ ક્રાઈમ બ્રાન્ચે સફળતાપૂર્વક આ સાયબર છેતરપિંડી પકડી પાડી હતી, જેમાં આરોપીઓએ ઊંચા વ્યાજદરની લાલચ આપીને લોકોને રોકાણ માટે લલચાવ્યા હતા.
તપાસમાં જણાયું હતું કે સાયબર રોકાણ કૌભાંડમાં સમગ્ર દેશમાં 5,013 લોકો સાથે છેતરપિંડી કરાઈ છે, જેમાંથી એકલા બેંગ્લુરુ શહેરમાં આવા 17 વિવિધ કેસ પોલીસ સ્ટેશનોમાં નોંધાયા છે. લોકોને છેતરીને અંદાજે રુ.854 કરોડની રકમ આરોપીઓએ 84 અલગ અલગ બેન્કોમાં ટ્રાન્સફર કરી હતી.