ખાલિસ્તાની આતંકી હરદીપસિંહ નિજ્જરની હત્યા મુદ્દે ભારત અને કેનેડાના રાજદ્વારી સંબંધોમાં ખટાશ આવી ગઈ છે ત્યારે સ્કોટલેન્ડથી એક મોડા સમાચાર સામે આવી રહ્યા છે. કેટલાક ખાલિસ્તાની સમર્થકોએ ભારતીય હાઈકમિશનર વિક્રમ દોરાઈસ્વામીને ગુરુદ્વારામાં જતા રોક્યા હતા. એટલું જ નહીં તેમની સાથે મારામારીનો પ્રયત્ન પણ કર્યો હતો. જોકે સમયસુચકતાથી મોટી ઘટના ટળી હતી.
બીજી બાજુ વિદેશમંત્રી જયશંકરે ફરી કેનેડાની ઝાટકણી કાઢી હતી અને કહ્યું કે કેનેડામાં જે થઈ રહ્યું છે તે સામાન્ય નથી.
બ્રિટનના ગ્લાસગો ખાતે ગુરુદ્વારા સમિતિ, ભારતીય હાઈકમિશનર અને કોન્સ્યુલેટ દ્વારા એક સામુદાયિક કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં ભાગ લેવા ગુરુદ્વારાએ ભારતીય હાઈકમિશનર વિક્રમ દોરાઈસ્વામીને આમંત્રણ આપ્યું હતું. ખાલિસ્તાની સમર્થકોને આ કાર્યક્રમની જાણ થઈ જતાં વિક્રમ દોરાઈસ્વામી ગુરુદ્વારા પહોંચ્યા ત્યારે તેઓ પણ ત્યાં પહોંચી ગયા હતા. તેમણે ગુરુદ્વારા સમિતિને ધમકાવી હતી અને વિક્રમ દોરાઈસ્વામીને ગુરુદ્વારામાં જતાં રોક્યા હતા.
ખાલિસ્તાની સમર્થકોએ તેમની કારનો દરવાજો ખોલીને મારામારીનો પણ પ્રયત્ન કર્યો હતો. ભારતીય હાઈકમિશને આ મુદ્દો બ્રિટીશ સરકાર સમક્ષ ઉઠાવ્યો હતો અને નારાજગી વ્યક્ત કરી હતી. ભારતીય દૂતાવાસે કહ્યું, ત્રણ ખાલિસ્તાનીઓએ તેમને ધમકી આપી અને તેમની સાથે દુર્વ્યવહાર કર્યો હતો. કોઈપણ સંભવિત વિવાદ રોકવા એચસી અને સીજીએ ત્યાંથી જતા રહેવાનો નિર્ણય કર્યો હતો.
મળતી માહિતી અનુસાર ભારતીય હાઈમિશનરને રોકનારા ત્રણેય સ્કોટલેન્ડની બહારના હતા.